રાજકીય પાર્ટીઓની રામાયણથી BMC પરેશાન

19 December, 2018 04:54 PM IST  |  | Preeti Thakur

રાજકીય પાર્ટીઓની રામાયણથી BMC પરેશાન

બોરીવલીમાં BMCની કાર્યવાહી સામે અને ફેરિયાઓના સમર્થનમાં કૉન્ગ્રેસનો મોરચો

બોરીવલીમાં R-સાઉથ વિભાગ કાર્યાલયની બહાર ફેરિયાઓના મુદ્દાને લઈને ગઈ કાલે આખો દિવસ ગરમ વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે એક જ મુદ્દાને લઈને બે રાજકીય પાર્ટી આમને-સામને હોવાથી  BMC પ્રશાસન શું કરે એવી પરિસ્થિતિમાં આવી ગયું હતું. પરંતુ વિરોધ થઈ રહ્યો હતો એનાં દૃશ્યો પરથી એવું લાગી રહ્યું છે કે પૉલિટિકલ પાર્ટીઓએ ફેરિયાઓના મુદ્દાને લઈને પણ હવે રાજનીતિ શરૂ કરી દીધી લાગે છે.

 

બીજી બાજુ BMCની કાર્યવાહી કરનારી મહિલા અધિકારીની સુરક્ષાની માગણી કરીને તેમના કામ બદલ સન્માનિત કરી અને ફેરિયાઓના વિરોધમાં આવેલી MNS

 

બોરીવલીમાં ફેરિયાઓનો ત્રાસ અનેક વખત કરવા કાર્યવાહી છતાં દૂર થતો નથી અને અમુક જગ્યાએ ઘણા પ્રમાણમાં દૂર થઈ ગયેલો જોવા મળે છે. બોરીવલી રેલવે-સ્ટેશન પરિસર અને બોરીવલી ર્કોટના પરિસરમાં મોટા પ્રમાણમાં ફેરિયાઓ બેસે છે. આ ફેરિયાઓના કારણે વાહનોની અવરજવર પર અસર થવાથી લઈને લોકોને ચાલવાની જગ્યા રહેતી નથી. આ ફેરિયાઓ સામે અનેક વખત ફરિયાદો પણ કરવામાં આવી છે અને એને લઈને BMCની મહિલા અધિકારીએ કાર્યવાહી કરીને વર્ષોની લોકોની સમસ્યા દૂર કરી હતી. જોકે ફેરિયાઓને દૂર કરવાને મુદ્દે ફરી વાતાવરણ ગરમાઈ ગયું અને આ મુદ્દાએ રાજકીય વળાંક લઈ લીધો હતો. એ અનુસાર ગઈ કાલે સવારે બોરીવલીમાં R-સાઉથ વિભાગ કાર્યાલયની બહાર મુંબઈ કૉન્ગ્રેસ અધ્યક્ષ સંજય નિરુપમે ફેરિયાઓના સમર્થનમાં મોરચો કાઢ્યો હતો. તેમ જ BMCની એક મહિલા અધિકારીની સામે વિરોધ-પ્રદર્શન કર્યું હતું એથી લાંબો સમય ટ્રાફિક જૅમ રહ્યો હતો. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કૉન્ગ્રેસના કાર્યકતાઓ સહિત ફેરિયાઓ ઉપસ્થિત રહ્યા હતા. બપોરે ત્રણેક વાગ્યાની આસપાસ કૉન્ગ્રેસ પાર્ટી ફેરિયાઓના સમર્થનમાં અને BMCની મહિલા અધિકારીની સામે વિરોધ-પ્રદર્શન કરીને ગયા જ હતા કે થોડા વખતમાં ત્યાં MNSના પદાધિકારીઓ, અનેક કાર્યકતાઓ મોટી સંખ્યામાં આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે MNS જ BMCની મહિલા અધિકારીના સમર્થનમાં આવ્યા અને ફેરિયાઓનો વિરોધ દાખવ્યો હતો. તેમ જ મહિલા અધિકારીના કામનાં વખાણ કરીને તેમને સન્માનિત સુધ્ધાં કરી અને તેમની સુરક્ષાની માગણી પણ કરી હતી.

 

બન્ને રાજકીય પક્ષે એક જ મુદ્દા પર આમને-સામને થઈને વિરોધ દાખવ્યો હતો એટલું જ નહીં, પણ MNSએ આરોપ મૂક્યો હતો કે કૉન્ગ્રેસ કા માલ આના બંદ હો ગયા હૈ એટલે તેઓ ફેરિયાઓનું સમર્થન કરી રહ્યા છે. જ્યારે કૉન્ગ્રેસે આરોપ કર્યો હતો કે લાઇસન્સ અધિકારી દ્વારા બોરીવલીના ફેરિયા પર જબરદસ્તી કાર્યવાહી કરીને તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેમ જ મુંબઈ અધ્યક્ષ સંજય નિરુપમે કહ્યું હતું કે ‘BMC ફક્ત નો-હૉર્કસ ઝોન બનાવામાં લાગી છે, પરંતુ જે ૨૦-૩૦ વર્ષોથી ધંધા કરે છે તેમને જગ્યા આપવી જોઈએ અને ત્યાર બાદ હૉર્કસ ઝોન બનાવવા જોઈએ.’

brihanmumbai municipal corporation maharashtra navnirman sena borivali mumbai news