મુંબઈ : મીઠી નદીની સફાઈ માટે વધુ 466 કરોડ મંજૂર

14 November, 2020 07:28 AM IST  |  Mumbai | Mid-day Correspondent

મુંબઈ : મીઠી નદીની સફાઈ માટે વધુ 466 કરોડ મંજૂર

મુંબઈ મહાનગરપાલિકા દર વર્ષે ચોમાસા પૂર્વે મીઠી નદીની સફાઈ કરે છે. ૨૦૨૦ના ચોમસા પૂર્વેની સફાઈ કામગીરી વખતની આ ઇમેજ છે. તસવીર : પ્રદીપ ધિવાર

મુંબઈ મહાનગરપાલિકા ટૂંક સમયમાં  ૪૬૬ કરોડ રૂપિયાના ખર્ચે મીઠી નદીની સફાઈની યોજના હાથ ધરશે. ૨૦૦૫ની અતિવૃષ્ટિવેળા પૂર આવ્યા પછી મીઠી નદીની સફાઈ અને તેની આસપાસનાં ગેરકાયદે બાંધકામો-અતિક્રમણો હટાવવાની કામગીરી મોટા પાયે કરવામાં આવી હતી. મીઠી રિવર પ્રોજેકટ હેઠળ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)નું તંત્ર મીઠી નદીની સફાઈ અને તેનો પટ પહોળો કરવાની કાર્યવાહીમાં ૧૦ અબજ રૂપિયાનો ખર્ચ કરી ચૂક્યું છે. મહાનગરપાલિકાએ વધુ ખર્ચ મંજૂર કરતાં એમએમઆરડીએના તંત્રને વધુ ૨૪ મહિના (ચોમાસા સિવાય)ની મુદત આપી છે, પરંતુ અનધિકૃત બાંધકામોની સમસ્યાનો હજુ ઉકેલ આવ્યો નથી. 

મીઠી નદીની સફાઈ, પટ પહોળો કરવાની કામગીરી, ડ્રેનેજ લાઇન્સ ડાયવર્ઝન, રિટેઇનિંગ વૉલના બાંધકામ અને સર્વિસ રોડ્સ બાંધવા માટે ગયા સપ્ટેમ્બર મહિનામાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં હતાં. એ ટેન્ડરમાં અંદાજિત ખર્ચ ૩.૫૦ અબજ રૂપિયા નોંધવામાં આવ્યો હતો, પરંતુ તેમાં ખડકો કાપવા-તોડવા માટે પલ્સ પ્લાઝ્મા ટેકનૉલૉજીના ઉપયોગની અનિવાર્યતાની શરત મૂકવાને કારણે અંદાજિત ખર્ચની રકમમાં ૧.૧૬ અબજ રૂપિયાનો ઉમેરો થયો હતો. મુંબઈ મહાનગરપાલિકાના તંત્રે આ યોજનાની દરખાસ્ત મંજૂરી માટે સ્થાયી સમિતિને મોકલી છે.

brihanmumbai municipal corporation mithi river mumbai mumbai news