ઑફિસ રિપેરિંગ મામલે બીએમસીએ કંગનાને નોટિસ મોકલાવી

09 September, 2020 12:56 PM IST  |  Mumbai | Prajakta Kasale

ઑફિસ રિપેરિંગ મામલે બીએમસીએ કંગનાને નોટિસ મોકલાવી

કંગના રનોટ

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)એ કંગના રનોટની પાલી હિલ, બાંદરાસ્થિત ઑફિસની તપાસ કર્યાના એક દિવસ બાદ સોમવારે કંગનાને સ્ટૉપ વર્ક નોટિસ જાહેર કરી હતી. કૉર્પોરેશને કંગનાને 24 કલાકની અંદર ફેરફાર માટેની પરવાનગી તૈયાર કરવા જણાવ્યું છે. સ્ટૉપ વર્ક નોટિસ ઑફિસની અંદર ગેરકાયદે બાંધકામ બાબતે જાહેર કરવામાં આવી હતી.

વધુમાં તેના ખારસ્થિત ઘર ખાતે ગેરકાયદે બાંધકામના ડિમોલિશનને લગતા કોર્ટ કેસમાં બીએમસીએ સોમવારે એનો પ્રતિભાવ પણ રજૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કંગનાએ મુંબઈની સરખામણી પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર સાથે કર્યા બાદ આ ગતિવિધિ આકાર પામી હતી.

અમે સોમવારે પ્રત્યુત્તર દાખલ કર્યો હતો. આગામી સુનાવણી 9 સપ્ટેમ્બરે છે એમ એચ-વેસ્ટ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર વિનાયક વિસ્પુતેએ જણાવ્યું હતું.

2018માં કૉર્પોરેશને ગેરકાયદે બાંધકામ બદલ અભિનેત્રીને નોટિસ બજાવી હતી, જેને કંગનાએ પડકારી ત્યાર બાદ દિંડોશી અદાલતે એના પર સ્ટે ફરમાવ્યો હતો.

બીએમસીએ કંગનાની ઑફિસ બહાર નોટિસ લગાવી ત્યાર બાદ કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘મારા મિત્રોએ સોશ્યલ મીડિયા પર બીએમસીની કરેલી ટીકાને કારણે તેઓ (બીએમસી) આજે બુલડોઝર સાથે ન આવતાં ઑફિસમાં ચાલી રહેલી લીકેજની કામગીરી અટકાવવાની નોટિસ બજાવી હતી.’

kangana ranaut brihanmumbai municipal corporation mumbai mumbai news