17 July, 2025 10:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન
મુંબઈગરાઓ પાસેથી પે ઍન્ડ પાર્કમાં નકલી અટેન્ડન્ટ બનીને મનફાવે એમ ચાર્જ વસૂલ કરવામાં આવતો હોવાની અનેક ફરિયાદો આવ્યા બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા આ સમસ્યાનું સમાધાન ડિજિટલ પાર્કિંગ મૉડલ દ્વારા કાઢવામાં આવ્યું છે. એટલે કે ટૂંક સમયમાં જ BMCના પાર્કિંગમાં લેવાતો ચાર્જ વાહનના ફાસ્ટૅગ અકાઉન્ટમાંથી કપાશે. એને લીધે પાર્કિંગમાં રસીદ વગર લેવામાં આવતા વધારાના ચાર્જ અને લાંચ આપવાના બનાવો પર કાબૂ આવશે તેમ જ પોતાને પાર્કિંગ-સ્ટાફ તરીકે ઓળખાવતા નકલી અધિકારીઓની દુકાન બંધ થશે.
શરૂઆતમાં આ ડિજિટલ પાર્કિંગ મૉડલ BMCના અમુક પાર્કિંગ-લૉટમાં શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ આખા શહેરના તમામ ૧૦૦ જેટલા પાર્કિંગ-લૉટમાં આ મૉડલનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત મુંબઈમાં આવેલા BMCના પાર્કિંગ માટે ખાસ ઍપ બનાવવામાં આવશે. એમાં નજીકના પાર્કિંગ-લૉટમાં જગ્યા ઉપલબ્ધ છે કે નહીં એ જાણી શકાશે તેમ જ પાર્કિંગ-ચાર્જની વિગતો મળશે. QR કોડ સ્કૅન કરીને પાર્કિંગ-ચાર્જ ભર્યા બાદ દરેક ટ્રાન્ઝૅક્શનની ડિજિટલ રસીદ પણ મળશે.