પ્લાસ્ટિકમુક્ત મહારાષ્ટ્ર: આદિત્ય ઠાકરેના સપનાએ BMCની ઊંઘ ઉડાડી દીધી છે

01 March, 2020 08:19 AM IST  |  Mumbai

પ્લાસ્ટિકમુક્ત મહારાષ્ટ્ર: આદિત્ય ઠાકરેના સપનાએ BMCની ઊંઘ ઉડાડી દીધી છે

પ્લાસ્ટિકમુક્ત મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના પર્યાવરણ ખાતાના પ્રધાન અને ઠાકરેપરિવારના નબીરા આદિત્ય ઠાકરેએ ૨૦૨૦ના મે મહિના સુધીમાં રાજ્યને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાની જાહેરાત કર્યા પછી મુંબઈ મહાનગરપાલિકાની ઊંઘ અચાનક ઊડી ગઈ છે.

મહાનગરપાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ સામે કડક પગલાં લેવાનો નિર્ણય લીધો છે. પાલિકાએ વેપારીઓ, ફેરિયાઓ તથા અન્ય વિક્રેતાઓને આજથી પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવાનો અનુરોધ કર્યો છે. હવે પ્લાસ્ટિક પર પ્રતિબંધના અનુસંધાનમાં મહાનગરપાલિકા એના ૨૪ વૉર્ડમાં મૉલ્સ, દુકાનો અને ઑફિસો જેવાં સ્થળોએ ઇન્સ્પેક્શનનો દોર ફરી શરૂ કરશે. પાલિકાનો શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવાના પાઠ ભણાવશે. પ્લાસ્ટિકવિરોધી અભિયાનમાં સિનિયર સિટિઝન્સ અને રિટાયર સિટિઝન્સને પણ સામેલ કરવામાં આવશે.

મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓએ ૨૦૧૮ના જૂન મહિનાથી અત્યાર સુધીમાં ૧૬ લાખ જગ્યાએ ઇન્સ્પેક્શન કરીને ૮૬,૦૦૦ કિલો પ્લાસ્ટિક જપ્ત કરીને દંડરૂપે ૪.૬૫ કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. રાજ્ય સરકારે બહાર પાડેલા પરિપત્રમાં વેપારી, વિક્રેતા, ફેરિયો કે અન્ય પ્લાસ્ટિકનો વપરાશ કરતાં પકડાય તો તેણે પહેલા અપરાધ માટે ૫૦૦૦ રૂપિયા, બીજા અપરાધ માટે ૧૦,૦૦૦ રૂપિયા અને ત્રીજા અપરાધ માટે ૨૫,૦૦૦ રૂપિયા દંડ ભરવાની જોગવાઈ હતી. જોકે પ્લાસ્ટિકવિરોધી ઝુંબેશ જોરશોર અને ઉત્સાહથી શરૂ કરવામાં આવી હતી, પરંતુ સમય જતાં એનું જોશ ઓસરી ગયું હતું.

આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિકના પ્રતિબંધિત પ્રકારનો વપરાશ બંધ કરાવવાનું અભિયાન વેગપૂર્વક આગળ ધપાવવાનો નિર્દેશ સરકારી અધિકારીઓને આપ્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક (પ્રોડક્શન, યુઝ, સેલ્સ, ટ્રાન્સપોર્ટેશન, હૅન્ડલિંગ, સ્ટોરેજ) પર પ્રતિબંધ મુકાયો છે. પ્રતિબંધિત પ્રકારોમાં પ્લાસ્ટિક બૅગ્સ, પ્લેટ્સ, કપ્સ, ગ્લાસ અને સ્પૂન જેવી વસ્તુઓનો સમાવેશ છે.

shiv sena aaditya thackeray mumbai news brihanmumbai municipal corporation