આરે રોડનું કામ તો થયું, પણ‌ કેવું?

29 September, 2022 09:13 AM IST  |  Mumbai | Sameer Surve

‘મિડ-ડે’ના રિપોર્ટ પછી આરે કૉલોનીના ભયાનક સંખ્યામાં ખાડા ધરાવતા રસ્તા સિમેન્ટ-કૉન્ક્રીટના કરવાનું કામ શરૂ થઈ ગયું છે : જોકે આ કામ કેવું થશે એની સામે અત્યારે મસમોટો પ્રશ્નાર્થ તો ઊભો જ છે

આરે લેક નજીક આરે કૉલોનીનો મુખ્ય માર્ગ અગાઉ ઘણા ખાડા હતા એ હવે સપાટ થઈ ગયો છે. (તસવીર : અનુરાગ આહિરે, અતુલ કાંબળે)

1 કિલોમીટર - આટલી લંબાઈ ધરાવતા રસ્તાને સિમેન્ટ-કૉન્ક્રીટનો કરવામાં આવ્યો છે

આરે મિલ્ક કૉલોનીના ઈસ્ટર્ન અને વેસ્ટર્ન સબર્બ્સને સાંકળતા મુખ્ય માર્ગની કંગાળ હાલત વિશે ‘મિડ-ડે’માં પ્રસિદ્ધ થયેલા અહેવાલ પછી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન હરકતમાં આવી ગયું છે. સુધરાઈના અધિકારીઓએ ‘મિડ-ડે’એ જણાવેલી જગ્યાઓની મુલાકાત લઈને રિપેરિંગ શરૂ કરી દીધું છે. કૉન્ટ્રૅક્ટરને રસ્તાના ખરાબ ભાગને રિપેર કરવાનો ઑફિશ્યલ ઑર્ડર આપી દેવાયો છે અને કામ ચાલી રહ્યું છે એવી જાણકારી કૉર્પોરેશનના અધિકારીએ આપી હતી. બુધવારે ‘મિડ-ડે’એ તપાસ કરતાં અહેવાલમાં દર્શાવેલા મોટા ભાગના સ્પૉટ્સની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો.

મહારાષ્ટ્ર કૃષિ ઉદ્યોગ બસ-સ્ટૉપ પરના રોડની સાથે ઓશિવરા રિવર બ્રિજનું રિપેરિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પંચવટી ફાસ્ટ ફૂડ જંક્શન અને આરે લેક નજીકના બિસમાર પૅચને પણ કૉર્પોરેશને સુધારી દીધો છે.

કારચાલક પ્રવીણ ખેડેકરે જણાવ્યું હતું કે ‘રસ્તાની બિસમાર હાલતનું જે રીતે રિપેરિંગ થઈ રહ્યું હતું એ જોઈને મને આંચકો લાગ્યો હતો. જોકે આશા છે કે સારી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે અને વરસાદમાં ફરી રસ્તા ધોવાઈ નહીં જાય.’

આરે કૉલોનીના રહેવાસી કૌશલ દુબેએ જણાવ્યું હતું કે ‘મેં રસ્તા પર વર્કર્સને કામ કરતા જોયા. આશા છે કે આ વખતે સારું કામ કરાશે. અગાઉ પણ ઑથોરિટીએ ખાડા પૂર્યા હતા, પણ વરસાદ સાથે રસ્તા ફરી ખરાબ થઈ જાય છે.’

૨૦૨૫ સુધીમાં કૉન્ક્રીટનો રસ્તો

શહેર સુધરાઈએ આસ્ફાલ્ટના આ રસ્તાને સિમેન્ટ-કૉન્ક્રીટનો કરવાનું કામ આરંભી દીધું છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ૩૮ કરોડ રૂપિયા છે. આ વર્ષના પ્રારંભમાં કામ શરૂ થયું હતું અને આશરે એક કિલોમીટર રસ્તાને સિમેન્ટ-કૉન્ક્રીટનો કરી દેવાયો છે એમ કૉર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું.

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે જંક્શનથી એલ ઍન્ડ ટી જંક્શનના પાઇપલાઇન રોડ નજીકનો બાકીનો સાત કિલોમીટરનો રસ્તો ૨૦૨૫ સુધીમાં કૉન્ક્રીટનો કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.

 

mumbai mumbai news goregaon aarey colony brihanmumbai municipal corporation