મુંબઈમાં બીજેપીમાંથી ખરી રહી છે એક પછી એક વિકેટો

07 August, 2012 05:20 AM IST  | 

મુંબઈમાં બીજેપીમાંથી ખરી રહી છે એક પછી એક વિકેટો

શહેરમાં બીજેપીનો આંતરિક વિખવાદ વધારે ને વધારે વકરી રહ્યો છે જેને પગલે એના ટોચના કેટલાક નેતાઓ પક્ષ છોડીને કૉન્ગ્રેસમાં જોડાવાનું પસંદ કરી રહ્યા છે. બીજેપીના ઘાટકોપરના સિનિયર નગરસેવક પ્રવીણ છેડાએ આ વર્ષે મહાનગરપાલિકાની ચૂંટણીની પૂર્વસંધ્યાએ બીજેપીનો સાથ છોડીને કૉન્ગ્રેસમાં જોડાવાનું પસંદ કર્યું હતું અને હવે ભૂતપૂર્વ નાયબ મેયર રાજેશ શર્માએ બીજેપીને અલવિદા કહીને કૉન્ગ્રેસનો સાથ પસંદ કર્યો છે. રાજેશ શર્મા ગઈ કાલે તેમના ટેકેદારો સાથે મંત્રાલય નજીક ગાંધીભવનમાં આવેલી કૉન્ગ્રેસની પાર્ટી-ઑફિસમાં પક્ષમાં સત્તાવાર રીતે જોડાઈ ગયા છે. રાજેશ શર્મા અંધેરી (ઈસ્ટ)માંથી બે વખત બીજેપીના કૉર્પોરેટર રહી ચૂક્યા છે અને અંધેરી-જોગેશ્વરી વિસ્તારમાં આગળ પડતું નામ ધરાવે છે.

રાજેશ શર્માના બીજેપી છોડવાનાં કારણો વિશે વાત કરતાં બીજેપીની એક વ્યક્તિએ કહ્યું હતું કે ‘પક્ષે તાજેતરની સ્ટેટ કાઉન્સિલની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે આશિષ શેલાર અને ભાઈ ગિરકરને રજૂ કરતાં તેમને બહુ ખરાબ લાગ્યું હતું. રાજેશ શર્માને આશા હતી કે પક્ષ તેમને નૉમિનેટ કરશે, કારણ કે પક્ષ દ્વારા નજીકના ભવિષ્યમાં કોઈ ઉત્તર ભારતીયને નૉમિનેટ કરવામાં નથી આવ્યો. તેમનો દાવો હતો કે તેમને પક્ષના ઉત્તર ભારતીય નેતાઓનો તેમ જ વર્કરોનો પૂરેપૂરો ટેકો છે. તેમની નારાજગીને કારણે પક્ષમાં તડાં પડી ગયાં હતાં જે ચિંતાની બાબત બની જતાં તેમને બીજેપીના સ્ટેટ યુનિટ ચીફ સુધીર મુનગંટીવારે પક્ષમાંથી કાઢી નાખ્યા હતા જેને પગલે તેમણે કૉન્ગ્રેસમાં જોડાવાનો વિકલ્પ પસંદ કર્યો હતો.’

બીજેપી = ભારતીય જનતા પાર્ટી