બીજેપી જાણી જોઈને રાજ્યમાં અસ્થિરતા અને ભ્રમણાઓ ફેલાવે છે

28 May, 2020 07:27 AM IST  |  Mumbai | Dharmendra Jore

બીજેપી જાણી જોઈને રાજ્યમાં અસ્થિરતા અને ભ્રમણાઓ ફેલાવે છે

બિહાર જતી ટ્રેન પકડવા માટે પરપ્રાંતીયો રાહ જોઈ રહ્યા હતા. પ્રધાન જયંત પાટીલે કહ્યું હતું કે અમે ૪૮ ટ્રેનની માગણી કરી, પરંતુ ૧૫૨ ટ્રેન કેન્દ્રએ મોકલી એ કારણે સમસ્યા થઈ. તસવીર : સમીર માર્કન્ડે

મહાવિકાસ આઘાડીના ત્રણ ઘટક પક્ષોના નેતાઓએ આંતરિક એકતા અતૂટ હોવાની જાહેરાત કરતાં બીજેપી રાજ્યમાં રાજકીય અસ્થિરતા અને અંધાધૂંધી પેદા કરવા સક્રિય હોવાનો આરોપ મૂક્યો હતો. આઘાડીના નેતાઓ જયંત પાટીલ (રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ), અનિલ પરબ (શિવસેના) અને બાળાસાહેબ થોરાત (કૉન્ગ્રેસ)ની સંયુક્ત પત્રકાર-પરિષદમાં વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસના આરોપોના જવાબો આપ્યા હતા.

મહારાષ્ટ્ર વિકાસ આઘાડીના ઘટક પક્ષોના ત્રણ નેતાઓએ જણાવ્યું હતું કે ‘આ વખત તમામ રાજકીય પક્ષોએ ખભેખભા મિલાવીને કામ કરવાનો છે, એ બાબત ફડણવીસ તથા બીજેપીના અન્ય નેતાઓ પરિસ્થિતિની ગંભીરતા અને નજાકત સમજતા નથી. રાજ્ય સરકાર કોવિડ-૧૯ના રોગચાળાને ડામવામાં પૂર્ણ નિષ્ફળ ગઈ હોવાનો પ્રચાર કરે છે. હકીકતમાં બીજેપી શાસિત ગુજરાત જેવાં રાજ્યોની સરખામણીમાં મુંબઈની સ્થિતિ ઘણી સારી છે. ગુજરાતમાં કોરોના ઇન્ફેક્શનને કારણે મૃત્યુનો આંકડો ઘણો વધારે છે. ’

છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં ભારે રાજકીય હિલચાલો ચાલી રહી છે. અનેક નેતાઓ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા હતા. બીજેપીના નારાયણ રાણેએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગણી કરી હતી. રાજ્યપાલે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રમુખ શરદ પવારને બોલાવીને કોરોના વિરોધી અભિયાનનો અખત્યાર સંભાળવા અને રાજ્ય સરકારનું રિમોટ કન્ટ્રોલ પોતાના હાથમાં લેવાનો અનુરોધ કર્યો હતો. મંગળવારે દેવેન્દ્ર ફડણવીસે રોગચાળા પર નિયંત્રણ લાવવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ હોવાનો આરોપ મૂક્યો હતો અને કેન્દ્ર સરકારની સહાય દ્વારા કેટલી રકમ મેળવી શકાય એનું સૂચન પણ કર્યું હતું. કેન્દ્ર સરકાર તરફથી કોઈ મદદ નહીં મળતો હોવાના રાજ્ય સરકારના આરોપને ખોટો ગણાવતાં કેન્દ્રની સહાયની રકમ પણ જાહેર કરી હતી. પરિસ્થિતિનો ક્યાસ કાઢવા અને બીજેપીને જવાબ-પ્રતિસાદ આપવાનો વ્યૂહ ઘડવા માટે ગઈ કાલે સવારે મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ બંગલો ખાતે બેઠક મળી હતી. એ બેઠકમાં મુખ્ય પ્રધાન હાજર નહોતા. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર તથા આઘાડી સરકારના અન્ય પ્રધાનો હાજર હતા. બેઠક વેળા કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફોન કરીને સરકારને કૉન્ગ્રેસનું પૂર્ણ પીઠબળ હોવાનું જણાવતાં ઉદ્ધવ ઠાકરેની હિંમત વધી ગઈ હતી, કારણ કે મંગળવારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસ કોઈ નિર્ણાયક સ્થિતિમાં નથી.

શિવસેનાના અનિલ પરબે જણાવ્યું હતું કે ‘આર્થિક બાબતોમાં અમને દેવેન્દ્ર ફડણવીસની સલાહની જરૂર નથી. અમારી પાસે આર્થિક તથા અન્ય બાબતોમાં પૂરતા પ્રમાણમાં કૌશલ્ય તથા નિષ્ણાતો મોજૂદ છે. ફડણવીસે કેન્દ્ર સરકાર તરફથી 28,000 કરોડ રૂપિયા રાજ્યને આપવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું, પરંતુ હકીકતમાં રાજ્ય સરકારને એમાંથી ફક્ત 6000 કરોડ રૂપિયા મળ્યા છે.’

રાજ્યના સંખ્યાબંધ બજેટ રજૂ કરનારા જયંત પાટીલે જણાવ્યું હતું કે ‘ફડણવીસે કેન્દ્ર સરકાર પાસેથી 1.65 કરોડ રૂપિયાનું ધિરાણ લેવાનું સૂચન કર્યું છે, પરંતુ કેન્દ્ર સરકારની જ શરતોને કારણે એ ધિરાણ લેવાનું અશક્ય બને છે. આપણે કેન્દ્ર સરકાર જેમ કહે એમ રાજ્યની વેલ્ફેર સ્કીમ્સ અને લેબર-લો બદલી ન શકાય.’

mumbai mumbai news dharmendra jore uddhav thackeray ajit pawar amruta fadnavis coronavirus lockdown