✕

ફ્લાયઓવરનું ઉદ્ઘાટન થયા પછી પણ પ્રશાસને લપ કરી એટલે ટૂ-વ્હીલર્સે કાઢ્યો પોતાનો રસ્તો

23 October, 2026 07:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાયન ફ્લાયઓવરના એન્ટ્રી-પૉઇન્ટ પરના કૉન્ક્રીટના બૅરિકેડનો એક બ્લૉક હટાવીને, ટૂ-વ્હીલર માટે જગ્યા કરીને કર્યા શ્રીગણેશ

સાયન ફ્લાયઓવરના એન્ટ્રી-પૉઇન્ટ પરનું કૉન્ક્રીટનું બૅરિકેડ હટાવીને રસ્તો ખુલ્લો કરતા મુસાફરો. તસવીર : સૈયદ સમીર અબેદી

લાંબી રાહ જોયા પછી આખરે ગઈ કાલે સાયન રેલવે-સ્ટેશનના ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે ઉદ્ઘાટન થયા પછી પણ એ લોકોના ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં ન આવતાં ટૂ-વ્હીલર્સ લઈને આવેલા વીફરેલા લોકોએ પ્રશાસન દ્વારા ફ્લાયઓવરના એન્ટ્રી-પૉઇન્ટ પર મૂકવામાં આવેલાં કૉન્ક્રીટનાં બૅરિકેડ્સનો એક બ્લૉક હટાવ્યો હતો અને ટૂ-વ્હીલર્સ ત્યાંથી પસાર થઈ શકે એટલો રસ્તો કરીને ફ્લાયઓવરનો ઉપયોગ શરૂ કર્યો હતો. લગભગ ૧૦૦ જેટલા બાઇકરો ફ્લાયઓવર ખુલ્લો મુકાય એની રાહ જોતા ઊભા હતા અને આખરે કંટાળીને તેમણે પોતાનો રસ્તો કાઢ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સાયનથી ધારાવી તરફ જતા આ ફ્લાયઓવરનું સત્તાવાર ઉદ્ઘાટન બપોરે એકથી ૧.૩૦ વાગ્યા દરમ્યાન કરવામાં આવ્યું હતું. જોકે લોકોના ઉપયોગ માટે એ સાંજે પાંચથી ૬ વાગ્યાની વચ્ચે જ ખુલ્લો મૂકવામાં આવશે એમ કહેવામાં આવ્યું હતું. ફ્લાયઓવરની એક બાજુએ ઊભો કરવામાં આવેલો પંડાલ સાંજે હટાવવામાં આવે ત્યાર પછી જ લોકો એનો ઉપયોગ કરી શકશે એવી સૂચના આપવામાં આવી હતી.

જોકે બપોરે ૧.૪૫ વાગ્યા સુધી અહીં ઘણા બાઇકર્સ જમા થઈ ગયા હતા અને બે વર્ષ સુધી બંધ રાખવામાં આવેલો ફ્લાયઓવર ઉદ્ઘાટન થયા પછી પણ લોકોના ઉપયોગ માટે ખુલ્લો ન મૂકવામાં આવ્યો હોવાને કારણે રોષે ભરાયા હતા. એને પગલે તેમણે ટૂ-વ્હીલર્સ પરથી ઊતરીને કૉન્ક્રીટના બૅરિકેડનો એક બ્લૉક હટાવ્યો હતો અને ટૂ-વ્હીલર પસાર થઈ શકે એટલી જગ્યા બનાવીને ફ્લાયઓવરનો ઉપયોગ શરૂ કરી દીધો હતો.

-  રિતિકા ગોંધળેકર / સૈયદ સમીર અબેદી

sion brihanmumbai municipal corporation mumbai traffic mumbai news mumbai devendra fadnavis