સ્કૂલની ગજબ વાત ​: આ વર્ષની ફી ભરો તો જ ગયા વર્ષનું ‌‌રિઝલ્ટ અપાશે

08 September, 2020 09:01 AM IST  |  Mumbai | Mumbai correspondent

સ્કૂલની ગજબ વાત ​: આ વર્ષની ફી ભરો તો જ ગયા વર્ષનું ‌‌રિઝલ્ટ અપાશે

પ્રતીકાત્મક તસવીર

ભાઈંદર-વેસ્ટમાં ૯૦ ફુટ રોડ પર આવેલી એસ. એલ. પોરવાલ ઇગ્લિંશ ‌મિડિયમ હાઈ સ્કૂલમાં ફી લેવા માટે ગજબની ની‌‌તિ જોવા મળી રહી છે. પેરન્ટ્સના આક્ષેપ પ્રમાણે આ વર્ષની ફી ભરો તો જ ગયા વર્ષનું ‌‌રિઝલ્ટ મળશે એવું કહેવામાં આવી રહ્યું છે. કોરોના કાળમાં સ્કૂલની જેવી હાલત છે એવી પેરન્ટ્સની પણ હાલત ખરાબ છે એવું કહીને પેરન્ટ્સે સ્કૂલની આવી ‌નીતિ સામે ‌વિરોધ દાખવ્યો છે. સતત ત્રણેક ‌દિવસથી સ્કૂલની બહાર પેરન્ટ્સ એકત્રિત થઈ રહ્યા છે.

સ્કૂલ પર આક્ષેપ કરતા એક પેરન્ટે જણાવ્યું હતું કે ‘ઓપન હાઉસનો ઈ-મેઇલ પેરન્ટ્સને આવ્યો હોવાથી અમે બધા ગયા હતા. ત્યાં જઈને અમને કહેવાયું કે આ વર્ષની ફી કે તેનો ઇન્સ્ટોલમેન્ટ ભરો તો તમને ‌રિઝલ્ટ આપવામાં આવશે. ગત વર્ષની સ્કૂલની ફી તો આખી ભરી દીધી છે તો એ વર્ષનું ‌રિઝલ્ટ કેમ નથી આપતા? સ્કૂલ ફી, બુક્સ, ડ્રેસ મળીને ૩૪ હજાર રૂપિયાની આસપાસ થાય છે અને કોરોનાને કારણે પેરન્ટ્સે ફી ઓછી કરવાની માગણી કરી ત્યારે જઈને યુ‌નિફોર્મની ફી માફ કરી છે એમ છતાં અમને ત્રીસેક હજાર રૂ‌પિયા તો ભરવાના આવે છે. આ ફી ભરવા માટે સ્કૂલે ઇન્સ્ટોલમેન્ટ ‌સિસ્ટમ કરી આપી છે, પરંતુ પેરન્ટ્સ પાસે પણ એટલા પૈસા ભરવા માટે હોવા તો જોઈએ ને. એન્યુઅલ ડે જેવી ફી શું કામ લેવાઈ રહી છે. ઑનલાઈન સ્ટડી હોવાથી અમને પણ વાઇ-ફાઇનો ખર્ચ, નવું કમ્પ્યુટર ખરીદવાનો ખર્ચ જેવા અનેક ખર્ચ વધારાના થયા છે એ પણ પેરન્ટ્સ જ વેઠી રહ્યા છે. એમાં ઑનલાઈન અભ્યાસ માટે એટલી ફી પેરન્ટ્સ કેવી રીતે ચૂકવી શકે? પેરન્ટ્સની ‌મીટિંગ કરવા માટે પણ અમે માગણી કરી તો કોઈ યોગ્ય જવાબ અપાઈ રહ્યો નથી.’

પેરન્ટ્સ દ્વારા કરાયેલા આક્ષેપ ‌વિશે સ્કૂલના ફાઉન્ડર અને પ્રે‌સિડન્ટ ‌‌દિલીપ પોરવાલે ‘‌મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં હું સ્કૂલમાં ન હોવાથી મને આ ‌વિશે વધુ મા‌હિતી નથી. સ્કૂલ દ્વારા ફી ઓછી કરી આપવામાં આવી હોવા છતાં આ મુદ્દે હું તપાસ કરીશ.’

mumbai mumbai news bhayander