મુંબઈઃઆને કહેવાય પ્રેમ, પતિની કિડની ફેલ થતા પત્નીએ આપી કિડની

02 April, 2019 08:50 AM IST  |  મુંબઈ

મુંબઈઃઆને કહેવાય પ્રેમ, પતિની કિડની ફેલ થતા પત્નીએ આપી કિડની

નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પતિ-પત્ની

ભાઈંદર (વેસ્ટ)માં જનતાનગરમાં આવેલી શિવસેના ગલીમાં શ્રી સિદ્વાર્થ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા ૩૫ વર્ષના મારવાડી યુવક શૈલેશ જગદીશ રાવતનાં નવ વર્ષ પહેલાં એ જ બિલ્ડિંગના પહેલા માળે રહેતી પાટણની ૩૪ વર્ષની જૈન યુવતી દીપિકા શાહ સાથે લગ્ન થયાં હતાં. બન્નેના અતૂટ પ્રેમને કારણે તેમણે પ્રેમસંબંધના નવ વર્ષ બાદ પરિવારને મનાવીને ધામધૂમથી લગ્ન કયાર઼્ હતાં. શૈલેશની કિડની અચાનક ફેઇલ થઈ હોવાનું જાણવા મળતાં તેની મેડિકલ ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ હતી. પતિ નોકરી પર જઈ શકતો ન હોવાથી તેમની આર્થિક પરિસ્થિતિ નબળી થઈ ગઈ હતી અને એની સામે શૈલેશની હાલત વધુ ખરાબ થવા લાગી હતી. પતિને બધી વેદનાથી દૂર કરવા માટે પત્નીએ એક પળનો પણ વિચાર ન કર્યો અને પોતાની એક કિડની આપીને તેને નવજીવન આપ્યું છે. આવી મુશ્કેલ પરિસ્થિતિ પસાર થવા છતાં મહિલાએ હસતાં મોઢે કહ્યું કે પ્રેમ એટલો મજબૂત છે કે ક્યારેય હાર માની નથી. હાલમાં પતિ-પત્ની બન્ને મુંબઈના નાણાવટી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.

ભાઈંદરના આ દંપતીએ સમાજ સામે અનોખુ ઉદાહરણ મૂક્યુ છે. તેમની સાથે તેમની દીકરી હર્ષી

શૈલેશભાઈને નવજીવન મળ્યું છે એમ કહેતાં તેમના ભાઈ સતીશ રાવતે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સવા વર્ષ પહેલાં ભાઈને તાવ આવ્યો હતો અને ડૉક્ટરે બ્લડ ટેસ્ટ કરવાનું કહેતાં અચાનક અમને જાણ થઈ કે ભાઈની કિડની ફેઇલ થઈ ગઈ છે. આ સાંભળીને અમે બધા ચિંતામાં આવી ગયા હતા. પછી અમે અનેક ડૉક્ટરોને દેખાડ્યું હતું. ત્યાર બાદ તેમને ટ્રીટમેન્ટ માટે અમે અમદાવાદ લઈ ગયા હતા, પરંતુ તેમની તબિયત વધુ ખરાબ થવા લાગી અને ડાયાલિસિસની શરૂઆત કરીને તેમને ચાર બૉટલ બ્લડ ચડાવામાં આવ્યું હતું. ત્યાર બાદ ભાઈને પંજાબ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ કોઈ જ સુધારો થઈ રહ્યો નહોતો. તેમને અઠવાડિયામાં ત્રણ દિવસ ડાયાલિસિસ કરવાની શરૂઆત કરી હતી, પરંતુ માનસિક અને આર્થિક પરિસ્થિતિથી અમે ડિસ્ટર્બ થઈ ગયા હતા. અંતે અમે કિડની ડોનર શોધવાનું શરૂ કર્યું. પહેલાં પરિવારના સભ્યોની તપાસ કરી, પણ મમ્મી-પપ્પા ઉંમરલાયક હોવાથી એ શક્ય નહોતું અને મને ધૂળથી ઍલર્જી છે અને ડૉક્ટરે સલાહ આપી કે તમને ભવિષ્યમાં વધુ હેરાનગતિ થશે. અંતે તેમની પત્નીની મેડિકલ ટેસ્ટ કરતાં તેમનું બ્લડ ં+ એટલે કે યુર્નિવર્સલ ડોનર અને ભાઈનું બ્લડ ખ્ગ્+ હોવાથી જોગાનુજોગ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે શક્ય બન્યું હતું.’

આ પણ વાંચોઃ યુવતી સાથે ડેટિંગ કરવા માગતા સિનિયર સિટિઝન સાથે 46 લાખની છેતરપિંડી થઈ

પતિને નવજીવન આપવાની ખુશી વ્યક્ત કરતાં દીપિકા રાવતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારું બધું મૅચ થતાં મેં ડર નહીં પણ ખુશી અનુભવી કે હું મારા પતિને નવજીવન આપી શકું એવી તક ભગવાને મને આપી છે. તેઓ થોડું વધુ પાણી પીએ તો પણ તેમની તબિયત ખરાબ થઈ જતી હતી અને પગમાં સોજા આવી જતા હતા. અઠવાડિયામાં ત્રણ દિવસ ડાયાલિસિસ થતું એટલે એ ત્રણ દિવસ તો વેદના ખરી જ, પરંતુ અન્ય ત્રણ દિવસ એની અસર રહે એટલે એ વેદના પણ ખરી જ. તેમની આ વેદનાઓ જોઈ શકાય એમ નહોતી. મારા પપ્પા ગુજરી ગયા અને તેમની પ્રાર્થનાસભામાં મમ્મીને અટૅક આવતાં તેઓ પણ ગુજરી ગયાં હોવાથી હું ખૂબ આઘાતમાં હતી. એમાં હવે મારા પતિની આવી હાલત થતાં મને ખૂબ ચિંતા થવા લાગી હતી. એથી તેમને કિડની આપી શકી એ મારું નસીબ છે. અમારો પ્રેમ એટલો મજબૂત છે કે વર્ષભરમાં ખૂબ ખરાબ દિવસ જોયા છતાં અમે હિંમત હારી નહોતી. હાલમાં મને વિકનેસ છે, કેમ કે હું બાવીસ માર્ચે ઑપરેશન થયું ત્યારથી જ લિક્વિડ પર છું. મને જમવાનું આપ્યું, પણ ખાઈ શકાયું નહીં; જ્યારે શૈલેશે જમવાનું શરૂ કરી દીધું છે. પાટણ જૈન મંડળ અને અન્ય અમુક જગ્યાએથી અમને આર્થિક મદદ મળી છે, પરંતુ હજી ઘણું બિલ થશે.’

mumbai news bhayander