ભાંડુપ સ્મશાનભૂમિની બંધ પડેલી ચીમની શરૂ થઈ ગઈ

20 June, 2020 12:16 PM IST  |  Mumbai | Mehul Jethva

ભાંડુપ સ્મશાનભૂમિની બંધ પડેલી ચીમની શરૂ થઈ ગઈ

સ્મશાન ભૂમિ

કોરોનાની મહામારી વચ્ચે ભાંડુપ અને મુલુંડ સ્મશાનભૂમિમાં કોઈક કારણસર મૃતદેહના અંતિમસંસ્કાર માટેની ચીમનીઓ બંધ પડી ગઈ હતી. આ બાબતના સમાચાર ‘મિડ-ડે’ના ૧૪ જૂનના અંકમાં છપાયા હતા. સમાચાર પ્રકાશિત થયા બાદ શ્રી ભાંડુપ ગુજરાતી સેવા મંડળના સભ્યોએ પાલિકાની કોઈ પણ જાતની મદદ લીધા વિના સ્મશાનમાં બંધ પડેલી ચીમનીનું બોઇલર રિપેર કરાવ્યું છે. મંડળના સભ્યોએ દિવસ-રાત મહેનત કરીને ચીમનીના ખરાબ થઈ ગયેલા દરેક પાર્ટ મેળવ્યા હતા. આથી મુલુંડ અને ભાંડુપના લોકોની કોરોના કે બીજા કોઈ કારણસર મૃત્યુ પામનારાઓની અંતિમક્રિયાની સમસ્યાનો અંત આવ્યો છે.

મુલુંડ અને ભાંડુપમાં કોરોનાના દરદીની સંખ્યા સતત વધી રહી છે, આ બીમારીમાં ટપોટપ મૃત્યુ પણ થઈ રહ્યા છે. પાલિકાના આદેશ મુજબ કોરોના સંક્રમિત દરદીના મૃતદેહને ચીમનીમાં બાળવામાં આવે, પણ મુલુંડમાં અને ભાંડુપના સ્મશાનની ચીમનીના પાર્ટ્સ ખરાબ થઈ જતાં તે બંધ થઈ ગઈ હતી. અત્યારે મુલુંડ સ્મશાનભૂમિમાં લાગેલી ચીમની તો બંધ જ છે, પણ ભાંડુપ સ્મશાનભૂમિ સભ્યોની મહેનતથી શરૂ થઈ ગઈ છે. આ ચીમનીનો બ્લોઅર ખરાબ થઈ ગયો હતો અને તેને રિપેર કરવા માટે સંસ્થાએ તમામ ખર્ચ ભોગવ્યો હતો.

શ્રી ભાડુંપ સેવા મંડળના અધ્યક્ષ બચુ ગાલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ ચીમની બંધ હતી. અમે તેના પાર્ટ્સ બદલીને એ શરૂ કરાવી છે. મુલુંડ અને ભાંડુપમાં સ્મશાનની ચીમનીઓ બંધ હોવાથી ભારે મુશ્કેલી થતી હતી. ભાંડુપના સ્મશાનભૂમિની ચીમની કામ કરતી થઈ ગઈ છે. ‘મિડ-ડે’માં સમાચાર આવ્યા બાદ લોકોમાં જાગૃતિ આવવાથી આ કામ થઈ શક્યું છે. ત્રણ દિવસમાં અહીં ૧૫થી વધુ મૃતદેહના અંતિમસંસ્કાર પણ થયા છે.’

mumbai mumbai news bhandup mulund mehul jethva