05 June, 2026 11:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) દ્વારા લીઝ પર લેવાયેલી બસોમાં ૨૦૨૫-’૨૬માં થયેલા અકસ્માતમાં ૨૧ વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા. ૨૦૨૪-’૨૫માં એ સંખ્યા ૧૯ હતી. BEST હવે અકસ્માત માટે લીઝ-ઑપરેટરને જવાબદાર ગણીને અકસ્માતનો ભોગ બનેલા ઘાયલોના મેડિકલ ખર્ચની વસૂલાત ઉપરાંત જીવલેણ અકસ્માત માટે કૉન્ટ્રૅક્ટરો પર ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ લાદી રહી છે.
BESTના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘મોટા ભાગના અકસ્માત બે મુખ્ય કારણોને લીધે થાય છે; એક, માનવભૂલ અને બીજું, બસમાં ખામીઓને કારણે આવતા ટેક્નિકલ ફૉલ્ટ. BESTએ તાજેતરમાં લીઝવાળી બસોની ફિટનેસ અને રોડ પર એ ચલાવવા યોગ્ય છે કે નહીં એની ચકાસણી વધારી દીધી છે. ૪૦૦થી વધુ બસોમાં મેકૅનિકલ અને ઇલેક્ટ્રિક સમસ્યાઓ માટે તપાસ કરવામાં આવી હતી.
દુર્ઘટના અને આગને કારણે થયેલા અકસ્માત પછી તપાસ હાથ ધરવામાં આવતાં ઓછામાં ઓછી ૧૦ બસોમાં મોટી ટેક્નિકલ ખામી જોવા મળી હતી અને આ બસોને તાત્કાલિક રસ્તા પરથી દૂર કરવામાં આવી હતી.
અધિકારીઓનું માનવું છે કે કૉન્ટ્રૅક્ટ પરના ડ્રાઇવરોને ઓછો પગાર ચૂકવવામાં આવે છે અને કાયમી સ્ટાફને મળતા લાભ પ્રાપ્ત થતા નથી એથી તેઓ સ્ટ્રેસમાં હોય છે. વળી રોજિંદી ટ્રિપનો ટાર્ગેટ પૂરો કરવા માટે તેઓ સ્પીડમાં બસ દોડાવે છે અને આખરે અકસ્માત કરી બેસે છે.