મુંબઈ : ચાલતી બસમાં ડ્રાઇવરને હાર્ટ-અટૅક

21 October, 2020 07:37 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : ચાલતી બસમાં ડ્રાઇવરને હાર્ટ-અટૅક

ડ્રાઇવરને હાર્ટ-અટૅક આવ્યા બાદ બેસ્ટની બસ સિગ્નલના થાંભલા સાથે અથડાઈ હતી.

બેસ્ટની બસના ડ્રાઇવરને ગઈ કાલે બસ ચલાવતી વખતે ચેમ્બુરમાં હાર્ટ-અટૅક આવ્યો હતો. બસ ચલાવતી વખતે ડ્રાઇવરને અચાનક હૃદયનો હુમલો આવ્યા બાદ બસ પરથી કાબૂ ગુમાવી દેતાં બસ ટ્રાફિક-સિગ્નલના થાંભલા સાથે અથડાઈને ઊભી રહી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. બસના કોઈ પ્રવાસીઓને ઈજા નહોતી થઈ, જ્યારે ડ્રાઇવરને તાત્કાલિક હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાતાં તે પણ આ ઘાતમાંથી ઊગરી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

બેસ્ટે આપેલી માહિતી મુજબ બેસ્ટની ૩૮૧ નંબરની બસ ઘાટકોપર બસ-ડેપોથી તાતા પાવર કંપની-ચેમ્બુર તરફ સવારે ૧૦.૫૦ વાગ્યે જઈ રહી હતી ત્યારે ૫૩ વર્ષના ડ્રાઇવર હરિદાસ પાટીલને હાર્ટ-અટૅક આવતાં તેણે બસ પરનો કાબૂ ગુમાવી દેતાં બસ ટ્રાફિક-સિગ્નલના થાંભલા સાથે અથડાઈને ઊભી રહી ગઈ હતી.

વસંત સિનેમા પાસે બસ અથડાવાનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. ડ્રાઇવરની તબિયત ખરાબ હોવાનું જાણ્યા બાદ બસમાં પ્રવાસ કરી રહેલા એક પોલીસ-કર્મચારીએ તરત જ વૅન બોલાવીને ડ્રાઇવરને વિદ્યાવિહાર પાસેની રાજાવાડી હૉસ્પિટલમાં મોકલી આપવાની વ્યવસ્થા કરી હતી.

બેસ્ટના પ્રવક્તા મનોજ વરાડેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે આ ઘટનામાં બસના આગળનો કાચ તૂટવાની સાથે થોડું નુકસાન થવા સિવાય કોઈને ઈજા નહોતી થઈ. સદ્નસીબે તાત્કાલિક ધોરણે ડ્રાઇવરને હૉસ્પિટલમાં સારવાર માટે ઍડ્મિટ કરાતાં તેઓ બચી ગયા છે. તેમની તબિયત સુધારા પર છે અને બોલી પણ શકે છે.’

mumbai mumbai news brihanmumbai electricity supply and transport chembur vikhroli ghatkopar heart attack