મુંબઈ : આવતા અઠવાડિયે ચાર દિવસ બૅન્કો રહેશે બંધ

05 March, 2021 08:33 AM IST  |  Mumbai | Mid-day Correspondent

મુંબઈ : આવતા અઠવાડિયે ચાર દિવસ બૅન્કો રહેશે બંધ

પ્રતીકાત્મક તસવીર

આવતા અઠવાડિયે ૧૩ માર્ચે મહિનાનો બીજો શનિવાર હોવાથી બૅન્કો બંધ રહેશે. ત્યાર બાદ રવિવારે ૧૪ માર્ચે સાપ્તાહિક રજા રહેશે, પણ ત્યાર બાદ સોમ-મંગળ બે દિવસ બૅન્કનાં કર્મચારી યુનિયનોએ સ્ટ્રાઇકનું આહ્‍વાન કર્યું છે એથી સળંગ ૪ દિવસ બૅન્કો બંધ રહી શકે. એટલે લોકોએ અને વેપારીઓએ તેમના આર્થિક વ્યવહારનું નિયોજન એ પ્રમાણે કરવું પડશે.

સરકાર દ્વારા ડિસઇન્વેસ્ટમેન્ટના પ્લાન હેઠળ બે પબ્લિક સેક્ટર બૅન્કોનું પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે એના વિરોધમાં દેશભરનાં અનેક બૅન્ક એમ્પ્લૉઈઝ યુનિયનના યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ દ્વારા આ સ્ટ્રાઇકનું આહ્‍વાન કરવામાં આવ્યું છે. ઇન્ડિયન બૅન્ક અસોસિએશન્સ દ્વારા બૅન્કોને એ બાબતે જાણ કરવામાં આવી છે. કૅનેરા બૅન્કે જણાવ્યું છે કે જે દિવસોમાં સ્ટ્રાઇકનું આહ્‍વાન કરાયું છે એ દિવસોમાં બૅન્કોનું કામકાજ સરળ ચાલે એ માટે પ્રયાસ કરાશે છતાં જો હડતાળને કારણે બૅન્ક બંધ રાખવી પડે તો લોકોને હાડમારી વેઠવી પડી શકે છે.

એમ્પ્લૉઈઝ યુનિયનોએ સરકારે બધી પ્રાઇવેટ સેક્ટરની બૅન્કોને સરકાર સંબંધી બિઝનેસ કરવાની છૂટ આપવાનો પણ વિરોધ કર્યો છે. સરકારે બધી પ્રાઇવેટ બૅન્કોને પણ હવે સરકારી બિઝનેસ જેવા કે ટૅક્સ કલેક્શન, પેન્શન ડિસ્ટ્રિબ્યુશન અને સ્મૉલ સેવિંગ સ્કીમની છૂટ આપી છે. અત્યાર સુધી ગણતરીની જ પ્રાઇવેટ બૅન્કોને સરકારી બિઝનેસની છૂટ અપાઈ હતી.

mumbai mumbai news