મિડ-ડેના ફોટો જર્નલિસ્ટની મારઝૂડ કરનાર પોલીસો સામે હજી પગલાં નથી લેવાયા

08 February, 2020 07:36 AM IST  |  Mumbai | Anurag Kamble

મિડ-ડેના ફોટો જર્નલિસ્ટની મારઝૂડ કરનાર પોલીસો સામે હજી પગલાં નથી લેવાયા

ગુરુવારે મિડ-ડેના ફોટો જર્નલિસ્ટ આશિષ રાજેની પોલીસ દ્વારા મારપીટ કરવામાં આવી હતી ત્યારની તસવીર.

ગુરુવારે નાગપાડાના મુંબઈ બાગ વિરોધ-પ્રદર્શનના ઠેકાણે ‘મિડ-ડે’ ન્યુઝપેપરના ફોટો જર્નલિસ્ટ આશિષ રાજેની મારઝૂડ કર્યાની ઘટનામાં સંડોવાયેલા પોલીસ જવાનો સામે હજી સુધી કોઈ પગલાં લેવાયાં નથી. મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે તાત્કાલિક કાર્યવાહીની બાંયધરી આપ્યા છતાં ઘટનાના ૩૦ કલાક પછી પણ મુંબઈ પોલીસે પગલાં લીધાં નથી. હુમલાખોર પોલીસ જવાનો સામે કાર્યવાહી બાબતે પૂછતાં તમામ વરિષ્ઠ પોલીસ અમલદારોએ ચુપકીદી સાધી હતી. ઉક્ત ઘટના બાબતે પોલીસતંત્ર અને સરકારની નિષ્ક્રિયતા તરફ રોષ વ્યક્ત કરવા માટે આવતી કાલે યોજાનારી પોલીસ મૅરથૉનના બહિષ્કારનો નિર્ણય બૉમ્બે ન્યુઝ ફોટોગ્રાફર્સ અસોસિએશને જાહેર કર્યો છે.

ગુરુવારે ‘મિડ-ડે’ના ફોટો જર્નલિસ્ટ આશિષ રાજે નાગપાડાના મુંબઈ બાગના વિરોધ-પ્રદર્શનના કવરેજ માટે એ ક્ષેત્રમાં ફરતા હતા ત્યારે સિક્યૉરિટી માટે દરવાજે ઊભા રહેલા પોલીસ જવાનોએ તેમની પાસે આઇડેન્ટિટી કાર્ડ માગ્યું હતું. રાજે પૅન્ટના પાછળના ખિસ્સામાંથી કાર્ડ કાઢતી વેળા અન્યોનો માર્ગ મોકળો કરવા બૅરિકેડ્સથી સહેજ આગળ વધ્યો હતો. એ વખતે બે પોલીસ જવાનોએ તેમની ધોલધપાટ કરવા ઉપરાંત લાકડી વડે માર માર્યો હતો.

એ હુમલા બાબતે ફરિયાદ કરવા આશિષ રાજે પ્રેસ ક્લબના હોદ્દેદારો સાથે ગૃહપ્રધાન અનિલ દેશમુખને મળ્યો હતો. અનિલ દેશમુખે મુંબઈના પોલીસ દળ તરફથી માફી માગવા ઉપરાંત હુમલાખોર પોલીસ જવાનો સામે તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપી હતી. દેશમુખે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં પણ સંબંધિતો સામે શિસ્તભંગ બદલ કડક પગલાં લેવાની બાંયધરી આપી હતી, પરંતુ શુક્રવારે પોલીસતંત્ર તરફથી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નહોતી. રાજ્યના ગૃહપ્રધાનની બાંયધરી પછી શા પગલાં લેવાયાં એ વિશે ‘મિડ-ડે’ તરફથી નાગપાડા પોલીસ સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર શાલિની શર્મા, મુંબઈ પોલીસના ઍડિશનલ કમિશનર (સેન્ટ્રલ રીજન) વીરેશ પ્રભુ અને જૉઇન્ટ કમિશનર (લૉ ઍન્ડ ઑર્ડર) વિનય ચૌબેને પૂછપરછ કરી ત્યારે એમાંથી કોઈએ જવાબ આપ્યો નહોતો.

mumbai mumbai news anurag kamble citizenship amendment act 2019