OC વિના ફ્લૅટમાં રહેવા ગયેલા પરેલના ફ્લૅટધારકો સામે અરેસ્ટ વૉરન્ટ

11 February, 2020 07:43 AM IST  |  Mumbai | Vinod Kumar Menon

OC વિના ફ્લૅટમાં રહેવા ગયેલા પરેલના ફ્લૅટધારકો સામે અરેસ્ટ વૉરન્ટ

બિલ્ડિંગ

એક અત્યંત દુર્લભ કહી શકાય એવા કેસમાં ૪૧મી મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટે કોર્ટની સુનાવણી વખતે હાજર ન રહેવા બદલ પરેલમાં આવેલા પ્રાર્થના હાઇટ્સ બિલ્ડિંગના ૬૦ કરતાં વધુ ફ્લૅટધારકો વિરુદ્ધ અરેસ્ટ વૉરન્ટ ઇશ્યુ કર્યાં છે. બીએમસીએ બિલ્ડર દ્વારા ઑક્યુપેશન સર્ટિફિકેટ મેળવતાં પહેલાં જ ફ્લૅટધારકો બિલ્ડિંગમાં રહેવા આવ્યા હોવાની ફરિયાદ કરી હતી. બિલ્ડિંગના ફ્લૅટની કિંમત ઓછામાં ઓછી ત્રણ કરોડ રૂપિયા જેટલી છે.

બીએમસીએ કરેલી ફરિયાદમાં જણાવાયું છે કે બીએમસીના સબ-એન્જિનિયર કાંબળે અને નોટિસ-ક્લાર્ક કદમે બિલ્ડિંગની મુલાકાત લીધી હતી તથા બીએમસી તરફથી બિલ્ડિંગ કમ્પ્લીશન સર્ટિફિકેટ કે ઑક્યુપેશન સર્ટિફિકેટ આપતાં પહેલાં જ બિલ્ડિંગમાં ફ્લૅટધારકો રહેવા આવી ગયા હોવાનું નોંધ્યું હતું. જોકે બિલ્ડરે એ માટે અરજી પણ કરી નહોતી.

કાંબળે અને કદમના રિપોર્ટના આધારે બીએમસીએ બિલ્ડર, આર્કિટેક્ટ અને રહેવાસીઓને નોટિસ પાઠવીને ફ્લૅટ ખાલી કરવા જણાવ્યું હતું. જોકે ત્યાર બાદ વધુ એક નોટિસ ઇશ્યુ કર્યા છતાં ફ્લૅટધારકોએ બાબતની ગંભીરતા તરફ આંખમીંચામણાં કરતાં તમામ વિરુદ્ધ કાયદેસર પગલાં લેવામાં આવ્યાં હતાં.

કોર્ટ તરફથી પણ તમામ પક્ષને કેસની સુનાવણીમાં હાજર રહેવા સમન્સ ઇશ્યુ કરવામાં આવ્યા હતા. જોકે ફ્લૅટધારકોએ એ પ્રત્યે પણ દુર્લક્ષ કરતાં છેવટે કોર્ટે તમામ ફ્લૅટધારકો વિરુદ્ધ ધરપકડનું વૉરન્ટ જાહેર કર્યું હતું. ધરપકડના વૉરન્ટ બાદ કોર્ટમાં હાજર થનારાઓને ૧૫,૦૦૦ રૂપિયાના જામીન પર છોડવામાં આવ્યા હતા. જોકે જે હાજર નહોતા રહ્યા તેમણે હવે વૉરન્ટ રદ કરવા માટે વધુ દંડ ભરવો પડે એવી શક્યતા છે.

નિષ્ણાતોના મતે આ કેસમાં તમામ દસ્તાવેજો બરાબર હોય પછી જ ફ્લૅટનો કબજો સોંપવાની બિલ્ડરની જવાબદારી હોય છે તો સામા પક્ષે બિલ્ડર સાથે જ ફ્લૅટધારકો પણ એટલા જ ગુનેગાર છે. તેમણે ફ્લૅટનો કબજો લેતાં પહેલાં તમામ દસ્તાવેજોની તપાસણી કરવાની જરૂર હતી.

એક જ બિલ્ડિંગના વિવિધ ફ્લેટધારકોને સામે કૉર્ટે અરેસ્ટ વૉરન્ટ બહાર પાડ્યું હોય એવો કેસ મેં જોયો નથી. આ દેખાડે છે કે નાગરિકોએ ક્યાં તો સમન્સની અવગણના કરી છે કે મામલાને હળવાશથી લીધી છે. આને કારણે કૉર્ટનું અપમાન કર્યું છે જેને લીધે અદાલતને આકરા પગલાં લેવાની ફરજ પડી છે.

- સ્તુતી ગાલિકા, સૉલિસિટર

vinod kumar menon mumbai mumbai news lower parel brihanmumbai municipal corporation