પાલઘરના જંગલમાં એકના ડબલ કરી આપવાનું વચન આપનારની ધરપકડ

07 November, 2020 10:18 AM IST  |  Mumbai | Mumbai Correspondent

પાલઘરના જંગલમાં એકના ડબલ કરી આપવાનું વચન આપનારની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

જંગલમાં ‘મની શાવર’ના નામે વાપીના એક સુથાર નીરપ વિશ્વકર્માને લાલચ આપીને લૂંટવાના આરોપસર કાસા પોલીસે બે જણની ધરપકડ કરી છે અને અન્ય ફરાર આરોપીઓને શોધી રહી છે. આરોપીઓ નીરપ વિશ્વકર્માને છેતરીને ૨.૪૦ લાખ રૂપિયાની રોકડ રકમ સાથે રફુચક્કર થયા હોવાનું પીડિતને પછી ધ્યાનમાં આવ્યું હતું.

મોખાડાના સુરેશ ભિવા કાકડ, દાદરા નગર અને હવેલીના રમણ ભાવર, જવ્હારના કમલાકર વાઘ અને પ્રમોદ ભામરે આ ચાર જણ નીરપ વિશ્વકર્માના સંપર્કમાં હતા. કાસા પોલીસ સ્ટેશનના એપીઆઇ જિનેદ્ર ઠાકુરે જણાવ્યા પ્રમાણે ‘લૉકડાઉનને કારણે વિશ્વકર્માને નાણાકીય સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. તેમણે તેને કહ્યું કે કાસા જંગલમાં અમુક ધાર્મિક વિધિ કરવામાં આવશે જ્યાં કોઈ પણ રકમ હશે એની બમણી કરવામાં આવશે. ૧૫ ઑક્ટોબરે સાંજે વિશ્વકર્માને જંગલમાં લઈ ગયા અને વિશ્વકર્માએ ૨.૪૦ લાખ રૂપિયા મૂક્યા જે તે ડબલ કરવા માગતો હતો. આરોપીઓએ તેને અડધો કલાક સુધી તેની આંખો બંધ રાખવાનું કહ્યું હતું. વિશ્વકર્માએ તેની આંખો બંધ કરી એ દરમ્યાન તેને એ ગીચ જંગલમાં છોડીને આરોપીઓ પૈસા લઈને નાસી ગયા હતા. વિશ્વકર્માને ભાન આવતાં તે તેના મોબાઇલ ટૉર્ચનો ઉપયોગ કરીને મુખ્ય માર્ગ પર પહોંચવામાં સફળ થયો હતો. ત્યાર બાદ તેણે આરોપીઓને ફોન કર્યો હતો, પરંતુ તેમનો ફોન બંધ આવી રહ્યો હતો.’

પીડિત વિશ્વકર્માએ તરત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઇપીસીની કલમ ૪૨૦ અને રાજ્ય વિરોધી અંધશ્રદ્ધા અને બ્લેક મેજિક અૅક્ટ ૨૦૧૩ હેઠળ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપીઓના મોબાઇલ સર્વેલન્સ પર રાખ્યા હતા. એ વખતે સુરેશ કાકડ અને રમણ ભવરના મોબાઈલ ટ્રેસ થયા હોવાથી તેમને શોધી કાઢ્યા હતા. બન્ને આરોપીઓની ધરપકડ કરાઈ છે જ્યારે અન્ય બે આરોપી ફરાર હોવાથી તેમને પોલીસ શોધી રહી છે. આ બન્ને આરોપીઓને દહાણુ કોર્ટે પોલીસ કસ્ટડીનો આદેશ આપ્યો હતો. પોલીસ આ કેસમાં સંડોવાયેલા અન્ય ૧૧ આરોપીઓને શોધી રહી છે. તેમ જ આ એક આંતરરાજ્ય ગૅન્ગ હોવાનું અને તે ગુજરાતમાં સક્રિય છે જે લૉકડાઉનને કારણે લોકોની આર્થિક મંદીનો ફાયદો ઉઠાવીને પૈસા બમણાં કરવાના નામે લોકોને શિકાર બનાવે છે.

mumbai mumbai news Crime News mumbai crime news palghar