ચોરીના બનાવ વધતાં મુલુંડના દુકાનદારોને અપીલ: સીસીટીવી કૅમેરા ઝટ બેસાડો

01 January, 2021 09:45 AM IST  |  Mumbai | Mid-day Correspondent

ચોરીના બનાવ વધતાં મુલુંડના દુકાનદારોને અપીલ: સીસીટીવી કૅમેરા ઝટ બેસાડો

પ્રતીકાત્મક તસવીર

મુલુંડમાં છેલ્લા કેટલાક મહિનાથી ચોરીના અપરાધ વધતા જોવા મળે છે ત્યારે ગઈ કાલે વહેલી સવારે મુલુંડના રામ રતન ત્રિવેદી રોડ (મુલુંડ માર્કેટ)માંથી બે દુકાનનાં તાળાં તોડી ગઠિયાઓ રોકડ રકમ ચોરી કરી નાસી ગયા હતા. ચોરીના બનાવ વધતા જતાં મુલુંડ શૉપકીપર્સ અસોસિએશને મુલુંડના દરેક વેપારીને દુકાનમાં સીસીટીવી કૅમેરા બાસાડવાની અપીલ કરી છે.

મુલુંડના આરઆરટી રોડ પર આવેલી મીના ક્રોકરીઝ અને ઓમ સાંઈ ડ્રાયફ્રૂટ દુકાનમાંથી ગઈ કાલે વહેલી સવારે બે ગઠિયાઓએ શટરના મેઇન લૉકને સળિયા વડે તોડીને દુકાનમાં પ્રવેશ કરી અંદર મૂકેલી રોકડ ચોરીને નાસી ગયા હતા. હજી થોડા સમય પહેલાં મુલુંડની સેન્ટર પૉઇન્ટ માર્કેટમાં પાંચ દુકાનનાં તાળાં તોડી રોકડની ચોરી કરવામાં આવી હતી.

આ બાબતે મુલુંડ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે ‘મીના ક્રોકરીઝમાંથી ૮૦,૦૦૦ અને ઓમ સાંઈ ડ્રાયફ્રૂટમાંથી ૨૦,૦૦૦ની ચોરી થઈ હતી. આ સિવાય આરોપીઓ બીજી એક દુકાનનું તાળું તોડવામાં નિષ્ફળ ગયા હતા.

મુલુંડ શૉપ વેલફેર અસોસિએશનના પ્રમુખ ઍડ્વોકેટ યોગેશ કતીરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચોરીના બનાવ વધતાં અમે દરેક દુકાનદારને સીસીટીવી કૅમેરા બેસાડવા અંગે અપીલ કરી છે, જેમાં એક કૅમેરો રોડ તરફ અને એક કૅમેરો દુકાનની અંદર રાખે તો ચોર સીસીટીવી કૅમેરા જોઈને ચોરી કરવાની હિંમત ન કરે. આ બાબતે અમે મુલુંડના સિનિયર પોલીસને મળી દુકાનોમાં થતી ચોરી બાબતે એક મીટિંગ કરવાનું વિચારી રહ્યા છીએ.’

mumbai mumbai news mulund