કળંબોલીના વેપારીઓએ આપી પોલીસવિરોધી આંદોલનની ચીમકી

26 December, 2018 07:36 PM IST  |  Mumbai | Rohit Parikh

કળંબોલીના વેપારીઓએ આપી પોલીસવિરોધી આંદોલનની ચીમકી

આક્રમક વલણ : પોલીસ સમક્ષ રજૂઆત કરતાં પહેલાં કળંબોલીનાં ગોડાઉનોના માલિકો સાથે મીટિંગ કરી રહેલા માસ્માના પદાધિકારીઓ

નવી મુંબઈના કળંબોલીમાં આવેલાં ગોડાઉનોમાં વધી રહેલી ચોરીઓથી ત્રસ્ત વેપારીઓએ કળંબોલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સતીશ ગાયકવાડ સાથે શનિવારે મુલાકાત કરીને આ બાબતમાં તરત જ કાર્યવાહી કરવાની માગણી કરી હતી. પોલીસ આ મુદ્દે વેપારીઓને સહયોગ આપવામાં નિષ્ફળ જશે તો હવે અમારે નાછૂટકે પોલીસ-પ્રશાસન સામે આંદોલન કરવું પડશે એવી આ મીટિંગમાં મેટલ ઍન્ડ સ્ટીલ મર્ચન્ટ્સ અસોસિએશન (MASMA - માસ્મા)ના પદાધિકારીઓએ પોલીસને ચીમકી આપી હતી. એની સામે સતીશ ગાયકવાડે આશ્વાસન આપ્યું હતું કે પોલીસ-પ્રશાસન ૧૦થી ૧૫ દિવસમાં ચોરીનો અંજામ આપી રહેલી ટોળીઓનો પર્દાફાશ કરશે.

લોખંડ અને સ્ટીલના વેપારીઓએ જ્યારથી મસ્જિદ બંદરથી કïળંબોલીમાં તેમનાં ગોડાઉનો સ્થળાંતર કયાર઼્ છે ત્યારથી આ વેપારીઓની મુસીબતો વધી છે. કળંબોલીના કથળેલા રસ્તાઓ અને આ વિસ્તારમાં અસામાજિક તત્વોની દાદાગીરીથી વેપારીઓ ત્રસ્ત થઈ ગયા છે. થોડા સમયમાં કળંબોલીનાં ગોડાઉનોમાંથી લાખો રૂપિયાના માલની ચોરી પણ થવા લાગી છે જેને લીધે વેપારીઓએ બહુ મોટી નુકસાની વેઠવી પડે છે. આ પરિસ્થિતિની વેપારીઓએ માસ્મામાં ફરિયાદ કરી હતી.

આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈને કળંબોલીનાં ગોડાઉનોની સુરક્ષાના મુદ્દે માસ્માના પદાધિકારીઓએ શનિવારે સતીશ ગાયકવાડની સાથે એક મીટિંગ કરી હતી એમ જણાવીને માસ્માના સેક્રેટરી વિક્રમ દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વેપારીઓની સતત આવેલી ફરિયાદોથી અમે ચોંકી ઊઠ્યા હતા. અમે વેપારીઓની સુરક્ષાના મુદ્દાને લઈને શાંત બેસવાને બદલે ત્વરિત જ કળંબોલીના પોલીસ-અધિકારીઓ સાથે મીટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શનિવારની અમારી મીટિંગમાં અમે સતીશ ગાયકવાડને પહેલાં તો કળંબોલીમાં વધી રહેલા ગુંડાગીરીના તેમ જ ચોરીના બનાવોથી વાકેફ કર્યા હતા. અમે પોલીસને કહ્યું હતું કે વધી રહેલી ગુંડાગીરી અને ચોરીના બનાવોથી વેપારીઓ રોષે ભરાયા છે અને તેમનામાં ગભરાટ ફેલાયો છે. આથી પોલીસ અમને આ મુદ્દે પૂરતો સાથસહકાર આપીને અસામાજિક તત્વો અને ચોરીના બનાવોમાં સંડોવાયેલી ટોળીઓની વહેલી તકે ધરપકડ કરે. આમ કરવામાં પોલીસ નિષ્ફળ જશે તો અમારે નાછૂટકે કળંબોલી પોલીસની સામે આંદોલનનું શસ્ત્ર ઉગામવું પડશે.’

કળંબોલી પોલીસ વેપારીઓને આ સમસ્યાના નિરાકરણમાં પૂરતો સહયોગ આપશે એવું આશ્વાસન આપતાં સતીશ ગાયકવાડે માસ્માના પદાધિકારીઓને કહ્યું હતું કે ‘અમે બંદોબસ્ત વધારીને ૧૦થી ૧૫ દિવસમાં ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલી ટોળીઓનો પર્દાફાશ કરીને તેમની ધરપકડ કરીશું. આ સિવાય વેપારીઓએ તેમના માલની ડિલિવરીનો સમય સવારે આઠ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી મર્યાદિત કરવાની જરૂર છે જેથી પોલીસ પણ આ સમયમાં ગોડાઉનોના વિસ્તારોની બધી જ કાર્યવાહી પર નજર રાખી શકે અને આવી ઘટનાઓને રોકવામાં સફળ જઈ શકે.’

અમે ટૂંક સમયમાં ગોડાઉનોના માલિકોની સાથે માસ્માના પદાધિકારીઓની એક સંયુક્ત મીટિંગ કરીને કળંબોલીની સમસ્યા સુલજાવવા સક્રિય બનીશું એમ જણાવીને માસ્માના અધ્યક્ષ પૃથ્વી જૈને ગોડાઉનના માલિકોને કહ્યું હતું કે ‘કળંબોલીમાં વધી રહેલા અસામાજિક તત્વોની દાદાગીરી અને ચોરીના બનાવોની સામે લડવા તથા પોલીસનો સંપૂર્ણ સાથ લેવા માટે સૌથી પહેલાં વધારે ને વધારે ગોડાઉનના માલિકો માસ્માના સભ્યો બને જેથી તેમની સાથે બનતી ઘટનાઓમાં માસ્મા પૂરતો સહકાર આપી શકે. ટૂંક સમયમાં ગોડાઉનના માલિકોની માસ્માના પદાધિકારીઓ સાથે એક સંયુક્ત સભા કરીને સુરક્ષા માટેનાં પગલાંની ચર્ચા-વિચારણા કરવામાં આવશે.’

શનિવારે કળંબોલી પોલીસ સાથેની મીટિંગમાં માસ્માના અધ્યક્ષ પૃથ્વી જૈન, ઉપાધ્યક્ષ મિશ્રિમલ જૈન, સેક્રેટરી વિક્રમ દોશી અને કમિટી-મેમ્બરો કનકરાજ ઘોડા તથા વિક્રમ જૈન ઉપસ્થિત રહ્યા હતા.

mumbai news