આવી તે કેવી વિકૃતિ : મલાડમાં કોઈ બિલાડીની પૂંછડી કાપી ગયું

04 May, 2021 11:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મલાડમાં બિલાડીની પૂંછડી કાપી નાખવાના આરોપસર ભારતીય દંડસંહિતાની કલમ અને પ્રિવેન્શન ઑફ ક્રુઅલ્ટી ટુ ઍનિમલ ઍક્ટની સંબંધિત કલમો હેઠળ અજાણ્યા આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ફરિયાદી અજય શાહ અને કપાઈ ગયેલી પૂંછડી સાથે બિલાડી.

મલાડમાં બિલાડીની પૂંછડી કાપી નાખવાના આરોપસર ભારતીય દંડસંહિતાની કલમ અને પ્રિવેન્શન ઑફ ક્રુઅલ્ટી ટુ ઍનિમલ ઍક્ટની સંબંધિત કલમો હેઠળ અજાણ્યા આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ આરોપીને પકડવા માટે સ્થાનિક વિસ્તારના સીસીટીવી કૅમેરાનાં ફુટેજની તપાસ કરી રહી છે, પરંતુ હજી સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

પ્રાણીપ્રેમી ફરિયાદી અજય શાહ તેના પાડોશમાં બિલાડીઓને ખાવાનું ખવડાવતો હોય છે એમ જણાવીને પોલીસે કહ્યું હતું કે ‘તેના વિસ્તારની એક બિલાડી રોજ તેના ઘરે દૂધ પીવા આવતી હતી. ૨૯ એપ્રિલે પણ એ આવી ત્યારે અજયે બિલાડીનો ફોટો પાડ્યો હતો. ત્રણ દિવસ પછી એટલે કે બીજી મેએ તેના ઘરે બિલાડી આવી ત્યારે તેણે જોયું કે કોઈએ એની પૂંછડી કાપી નાખી હતી. એટલે એના ઇલાજ માટે તરત ડૉક્ટર પાસે લઈ ગયો હતો. જે રીતે બિલાડીની પૂંછડી કપાઈ હતી એ જોઈને લાગે છે કે કોઈએ જાણીબૂજીને કાપી હશે. એટલે અજયે મલાડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’

અજય શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બિલાડી રવિવારે બપોરે ૧.૩૦ વાગ્યે આવી હતી. ત્યારે મેં જોયું કે કોઈએ એની પૂંછડી કાપીને એને ઈજા પહોંચાડી હતી. હું તરત જ એને પશુચિકિત્સકના ક્લિનિકમાં લઈ ગયો હતો. ક્લિનિકના સહાયકે કરેલી તપાસના આધારે જાણવા મળ્યું હતું કે એની પૂંછડીને તીક્ષ્ણ હથિયારથી કાપવામાં આવી હતી. ત્યાર બાદ મેં મલાડ પોલીસનો સંપર્ક કરીને અજાણ્યા આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી.’

આ ફરિયાદના આધારે મલાડ પોલીસ-સ્ટેશનમાં ભારતીય દંડસંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

mumbai mumbai news malad