15 દિવસમાં બે વખત દેરાસરોમાંથી પ્રતિમાઓની ચોરી થતાં જૈનોમાં જબરદસ્ત રોષ

01 January, 2021 06:43 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

15 દિવસમાં બે વખત દેરાસરોમાંથી પ્રતિમાઓની ચોરી થતાં જૈનોમાં જબરદસ્ત રોષ

વસઈના દેરાસરમાં પહેલાં પ્રતિમાઓ આ રીતે બિરાજમાન હતી અને ચોરી થયા બાદ એ જગ્યા ખાલી થઈ ગઈ છે.

વસઈ-ઈસ્ટમાં સાતીવલીના તુંગારેશ્વર રોડ પર તુંગાર ફાટા પર આવેલા ૧૭ વર્ષ જૂના શ્રી ૧૦૦૮ ચિંતામણિ પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરમાં ચોરી થઈ છે. સોમવારે મોડી રાતે બેથી ૪ વાગ્યા દરમ્યાન ચોરો દેરાસરની ૬ ફીટની દીવાલ કૂદીને અંદર આવ્યા હતા અને દેરાસરમાં પૂજાતી ભગવાનની ૧૧ પ્રતિમાઓ સહિત અનેક શણગારની વસ્તુઓ પણ ચોરી ગયા હતા. વિરારના શ્રી સંભવનાથ જૈન દેરાસરમાં ૧૬ ડિસેમ્બરે માસ્ક પહેરીને આવેલા ચોરો ભગવાનની ૧૫ પ્રતિમાઓ લઈ ગયા હતા અને એના ગણતરીના દિવસો બાદ ફરી અહીંના દેરાસરમાં પ્રતિમાઓની ચોરી થતાં આસપાસનાં દેરાસરોમાં પણ ફફડાટ પેસી ગયો છે. જોકે એની સાથે શ્રાવકોમાં રોષ વ્યાપી ગયો છે. દેરાસરની સુરક્ષા-વ્યવસ્થાને લઈને દેરાસરના ટ્રસ્ટીઓ પોલીસ સાથે ચર્ચા કરશે, એટલું જ નહીં, આ ચોરીના મુદ્દાને રાજ્યના ગૃહમંત્રાલય સુધી પહોંચાડવાનું પણ જૈનોએ નક્કી કર્યું છે.

દાનપેટી સહિત અનેક વસ્તુઓ ચોરાઈ

ચોરીના બનાવ વિશે માહિતી આપતાં દેરાસરના અંધેરીમાં રહેતા મૅનેજિંગ ટ્રસ્ટી ભરત શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મોડી રાતે ચોરો દેરાસરની રોડ બાજુએ આવેલી દીવાલ કૂદીને અંદર ઘૂસી આવ્યા હતા અને તેઓ દેરાસરની ૧૧ પંચધાતુ અને ચાંદીની પ્રતિમાઓ, ચાંદીનાં ગોલ્ડ-પ્લેટેડ ૩ મોટાં છત્ર, ચારથી પાંચ સિંહાસન, ૧૨ ચાંદી અને કૉપરનાં યંત્રો ચોરી ગયા છે. અંદરની બાજુએ આવેલી દાનપેટીને પહેલાં ચોરોએ તોડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ એ ન તૂટતાં આખી દાનપેટી જ ઉપાડી ગયા છે. જોકે દસેક દિવસ પહેલાં ઘણા મહિનાઓથી દાનપેટી ખોલી ન હોવાથી એને ખોલીને પૈસા કાઢી લીધા હોવાથી એટલું નુકસાન ઓછું થયું છે. ચોરોએ પહેલાં દેરાસરની રેકી કરી હોય એવું લાગે છે. દેરાસરની અંદરનો અને ભગવાન પાસેનો દરવાજો તોડીને ચોર અંદર ગયા હતા. દેરાસરમાં ૬ સીસીટીવી કૅમેરા બેસાડાયેલા છે એમાંથી બે કૅમેરા નહોતા ચાલી રહ્યા. અંદાજે પાંચેક લાખ રૂપિયાની આસપાસની મતા ચોરાઈ હોવાનો અંદાજ છે. પોલીસ બધી રીતે તપાસ ચલાવી રહી છે.’

પોલીસે આખા દેરાસરમાં ફરીને તપાસ હાથ ધરી હતી.

દેરાસરની પ્રતિમાઓ ચોરાતાં શ્રાવકોમાં હતાશા

થોડા સમય પહેલાં વિરારના દેરાસરમાંથી ભગવાનની પ્રતિમાઓ ચોરીને એમાંથી મોટા ભાગની પ્રતિમા ખંડિત કરી નાખ્યા બાદ ફરી અન્ય એક દેરાસરમાંથી પ્રતિમા ચોરાતાં શ્રાવકો ખૂબ હતાશ થઈ ગયા છે.

આસપાસનાં દેરાસરોમાં ફફડાટ

વિરારના શિરસાડમાં આવેલા પુણ્યોદય અતિશય તીર્થક્ષેત્રના ટ્રસ્ટી રાકેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘હાઇવે પર મહાવીર ધામથી થોડું આગળ અમારું દેરાસર છે. દેરાસરમાં ચોરીના બનાવો બની રહ્યા છે પરંતુ એમાં અતૂટ શ્રદ્વા ધરાવતી પ્રતિમાઓ ચોરાઈ રહી હોવાથી લોકો ખૂબ દુખી છે. દેરાસરમાં પ્રેમથી અને ભાવનાઓથી બિરાજમાન કરાયેલી મૂર્તિઓ ચોરાય એ ચલાવી લેવું શક્ય નથી. અમારા સહિત આસપાસનાં દેરાસરમાં ચોરીના બનાવો બનતાં ફફડાટ પેસી ગયો છે અને ભગવાનની મૂર્તિઓની ચોરી થતાં શ્રાવકોમાં ગુસ્સો પણ છે એથી દેરાસરની સુરક્ષા વિશે અમે પોલીસ-વિભાગ સાથે ચર્ચા કરીશું, એટલું જ નહીં, ચોરીના બનાવ વિશે ગૃહમંત્રાલય સુધી એ વાત પહોંચાડીશું.’

પોલીસ શું કહે છે?

આ વિશે વાલિવ પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર ધ્યાનેશ ફડતરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટના વિશે માહિતી મળતાં સવારે જ પોલીસ-ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. પોલીસે આખા દેરાસરમાં ફરીને તપાસ કરી છે અને સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં બે-ત્રણ ચોરો દેખાય છે, પરંતુ ફુટેજ ઝાખું હોવાથી બરાબર દેખાતું નથી. એટલે બહારની બાજુએ આસપાસના રસ્તાઓ પર સીસીટીવી કૅમેરા હોય ત્યાં તપાસ કરી રહ્યા છીએ.’

mumbai mumbai news vasai Crime News mumbai crime news preeti khuman-thakur