મુંબઈ: મીરા રોડમાં ઘાયલ યુવતીને અજાણી મહિલાએ હૉસ્પિટલ પહોંચાડી

07 May, 2020 08:54 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: મીરા રોડમાં ઘાયલ યુવતીને અજાણી મહિલાએ હૉસ્પિટલ પહોંચાડી

હાઇવે પર ઍક્સિડન્ટમાં ઘાયલ થયેલી નાલાસોપારાની યુવતી.

મીરા રોડમાં સોમવારે સવારે અમદાવાદ-મુંબઈ નૅશનલ હાઇવે પર ફાઉન્ટન હોટેલ પાસે નાલાસોપારામાં રહેતી એક યુવતીના સ્કૂટરનો ઍક્સિડન્ટ થયો હતો.. બેહોશ થયેલી યુવતીને પાછળથી આવી રહેલી એક સામાજિક સંસ્થાની અજાણી મહિલાએ ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ પહોંચાડી હતી. ચોંકાવનારી વાત એ છે કે રસ્તામાં માથામાંથી લોહી નીકળતી યુવતીને મદદ કરવાને બદલે લોકો તેના ફોટા પાડતા જોવા મળ્યા હતા.

કાશીમીરા પોલીસના જણાવ્યા મુજબ મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના હેલ્થ વિભાગમાં કામ કરતી સ્નેહલ ગુરવ નાલાસોપારામાં રહે છે. સવારે તેની ડ્યુટી હોવાથી તે સ્કૂટર પર મીરા રોડ તરફ જતી હતી ત્યારે તેની પાછળ કેટલાક કૂતરા દોડતાં સંતુલન ગુમાવતા હાઇવે પર ફાઉન્ટન પાસે તેનું ઍક્સિડન્ટ થયું હતું.
પોલીસે ઉમેર્યું હતું કે માથામાં ઈજા થતાં યુવતીના માથામાંથી લોહી નીકળતાં તે બેહોશ થઈ ગઈ હતી. આ સમયે કેટલાક લોકો હાઇવે પર હતા, પણ તેઓ મદદ કરવાને બદલે ઊભા હતા, ત્યારે લોકોને ટોળે વળેલા જોઈને એક મહિલા આવી હતી.

યુવતીના માથામાંથી લોહી નીકળતું જોઈને આ મહિલાએ તેને ઍમ્બ્યુલન્સમાં બેસાડીને કાશીમીરા પોલીસ સ્ટેશન નજીક આવેલી ઓર્બિટ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરી હતી.

અકસ્માતમાં ઘાયલ થનારી યુવતીના પિતા શિવાજી ગુરવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પેલી મહિલાએ મદદ ન કરી હોત તો પુત્રી મુશ્કેલીમાં મુકાઈ જાત. અત્યારે તે હોશમાં છે અને આઇસીયુમાં તેની સારવાર ચાલી રહી છે.’

mumbai mumbai news mira road nalasopara