મુંબઈ: દિવસમાં દસ સિગારેટ પીનાર દિલીપભાઈ આજે પરિવાર સાથે સંયમના માર્ગે

01 May, 2019 07:14 AM IST  |  મુંબઈ | અલ્પા નિર્મલ

મુંબઈ: દિવસમાં દસ સિગારેટ પીનાર દિલીપભાઈ આજે પરિવાર સાથે સંયમના માર્ગે

દિલીપ જૈન પરિવાર સાથે

૯ વર્ષ પહેલાં મૂળ પાદરલી (રાજસ્થાન)ના વતની દિલીપ જૈન અઠવાડિયામાં એકાદ વખત દેરાસર દર્શનાર્થે જતા. અરે, બે વર્ષ પહેલાં તો દિવસની ૮થી ૧૦ સિગારેટ પીતા, રાત્રિભોજન ન કરવાનો નિયમ હોવા છતાં ધૂમïપાન કરતા એવા દિલીપભાઈ આજે સવારે ભિવંડીના ગોકુલનગરમાં આચાર્ય પૂર્ણચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજાના હસ્તે પ્રવજ્યા અંગીકાર કરવાના છે અને તેમની સાથે તેમનાં પત્ની રિન્કુબહેન, ૧૭ વર્ષની દીકરી દિશા અને ૧૩ વર્ષનો દીકરો નમન પણ સંયમ ગ્રહણ કરવાનાં છે.

વાત વિસ્તારમાં કરીએ તો જૈન પોરવાલ જ્ઞાતિના દિલીપભાઈ ૯ વર્ષ પહેલાં ભાઇંદરથી ભિવંડી શિફટ થયા હતા. ગ્રે કાપડના કમિશન-એજન્ટનું કામ કરતા ૪૭ વર્ષના દિલીપભાઈ કહે છે, ‘હું ભિવંડી આવ્યો અને મેં અહીં ચાલતી પાઠશાળા જૉઇન કરી. ત્યાર બાદ વિહાર સેવા ગ્રુપમાં જોડાયો. એ પહેલાં ધર્મ કે ભગવાન પ્રત્યે કોઈ ખાસ લગાવ નહીં. અઠવાડિયામાં એકાદ દિવસ દેરાસર દર્શનાર્થે જતો, બસ.’

જોકે પાઠશાળા અને વિહાર ગ્રુપમાં જોડાયા પછી દિલીપભાઈમાં ઘણું પરિવર્તન આવ્યું. તેમના પાઠશાળાના મિત્ર મનોજ જૈન (વિતરાગી) કહે છે, ‘દિલીપભાઈમાં પહેલાંથી લીડરશિપનો ગુણ. વિહાર સેવા ગ્રુપમાં પણ આગળપડતો ભાગ ભજવે અને દેરાસર કે શ્રી સંઘના કાર્યમાં પણ હંમેશાં અગ્રેસર. તેઓને સાધુ-સાધ્વીજી મહારાજની સેવાનો ભાવ પણ બહુ. વિહાર દરમિયાન કે અહીં સંઘમાં આવ્યા હોય ત્યારે પણ શ્રમણ-શ્રમણીઓની નાની-નાની કાળજી રાખે.’

સ્વભાવે સેવાભાવી પણ સિગારેટ સાથે દિલીપભાઈની ભાઈબંધી એવી કે દિવસની ૧૦ સિગારેટ ફૂંકી નાખે. પાઠશાળામાં જોડાયા પછી ચોવિહાર ચાલુ કર્યા, પણ સિગારેટની આદત ચાલુ. કુલ સાત વર્ષમાં આ જ જીવનશૈલી રહી, પણ બે વર્ષ પહેલાં વિહાર દરમ્યાન દીક્ષાદાતા પૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાથે જઈ રહ્યા હતા અને તેમને ગોચરી વહોરાવવાનો આગ્રહ કર્યો. આચાર્યમહારાજ વહોરવા તો પધાર્યા, પણ તેઓને ધુમાડાની સ્મેલ આવતાં ખબર પડી કે દિલીપભાઈ તો સ્મોક કરે છે એટલે તેમને બાધા આપી કે તેમના હસ્તે તો જ ગોચરી વહોરે જો દિવસની ૧૦માંથી ૩ સિગારેટ પીએ. મનોજભાઈ કહે છે, ‘ચેઇન-સ્મોકરને અચાનક જ ધૂમ્રપાન ન કરવાનો નિયમ આપો તો થોડા જ સમયમાં તે તૂટી જાય. આથી મહારાજસાહેબે દિવસની ફક્ત ત્રણ જ સિગારેટ પીવી એવું કહ્યું તો દિલીપભાઈએ દિવસની પાંચની છૂટ રખાવી. જોકે એ દિવસ જ સુવર્ણ દિવસ હશે, કારણ કે આ આખો પ્રસંગ એક સાધ્વીજીમહારાજે જોયો અને દિલીપભાઈએ તેમને પણ વહોરવાની વિનંતી કરતાં શ્રમણીમહારાજે સિગારેટ છોડવાની શરત મૂકી. આમ ખરેખર, એકઝાટકે ધૂમ્રપાન બંધ થઈ ગયું.’

પછી તો વ્યસન છોડવાનો નિયમ આપનારા મહારાજસાહેબ સાથે વધુ પરિચય થયો અને બે વર્ષ પહેલાં દીકરી ઉપધાન તપ કરવા ગઈ, જ્યાં દિશાને સંયમ લેવાનો ભાવ જાગ્યો અને ઘરે આવીને પેરન્ટ્સને પોતાના મનની વાત કહી અને ત્યારે જ આખા પરિવારે સંયમ લેવાનો સંકલ્પ કર્યો. ૪૪ વર્ષનાં મુમુક્ષુ રિન્કુબહેનને તો ધર્મ પ્રત્યેનો લગાવ હતો જ, દીકરાને પણ શાળાકીય ભણતર કરતાં ધાર્મિક ભણતરમાં વધુ રુચિ હતી એટલે ગયા ચાતુર્માસ વખતે આખો પરિવાર મહારાજસાહેબ પાસે રહેવા ગયો અને સંયમ જીવનની ટ્રેઇનિંગ લીધી. તેઓનો ભાવ, દૃઢતા અને કટિબદ્ધતા જેવા ગુણો જોઈ દીક્ષાદાતા ગુરુએ ત્રણ મહિના પહેલાં જ તેમનું મુહૂર્ત કાઢ્યું અને આજે તેમની દીક્ષા છે. રિન્કુબહેન અને દિશા સાધ્વી શ્રી અર્ચપૂર્ણાશ્રીજીનાં શિષ્યા બનશે.

આ પણ વાંચો : અઠવાડિયાથી હૉસ્પિટલમાં હોવા છતાં ૮૧ વર્ષના કચ્છીએ મત આપ્યો

દિલીપભાઈના મિત્ર વિશાલ જૈન કહે છે, ‘જે કોઈ દસકા પહેલાંના દિલીપ જૈનને ઓળખતા હશે તેઓ તો કલ્પના પણ ન કરી શકે કે દિલીપભાઈ દીક્ષા લઈ રહ્યા છે. અરે, અમે દરરોજ મળનારાને પણ બે વર્ષ પહેલાં ખ્યાલ નહોતો કે જૈન પરિવાર આમ સંસાર છોડી દેશે. ઍક્ચ્યુઅલી, આ બે વર્ષમાં આખા પરિવારે ખૂબ ધર્મ ઘૂંટ્યો છે. ઊંડી સમજણ કેળવી છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ ધાર્મિક નિયમોને આત્મસાત્ કર્યા છે. દીકરી દિશાને ભાવ થયો, પણ રિન્કુબહેન અને નમનની ધર્મમાં સ્થિરતા કેળવવાની પ્રક્રિયા ખરેખર અનુમોદનીય છે.

bhiwandi mumbai mumbai news