અલીબાગના માછીમારે જાળમાં ફસાયેલી વ્હેલ શાર્કને છોડી દીધી

22 February, 2020 07:54 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

અલીબાગના માછીમારે જાળમાં ફસાયેલી વ્હેલ શાર્કને છોડી દીધી

વ્હેલ શાર્ક

રાયગઢ જિલ્લામાંના અલીબાગના માછીમારે તેની જાળમાં ફસાયેલી ૧૨થી ૧૪ ફીટ લાંબી વ્હેલ શાર્કને છોડી દીધી હતી. શાર્કની એ જાતિને ઇન્ટરનૅશનલ યુનિયન ઑફ કન્ઝર્વેશન ઑફ નેચરે દુર્લભ અને અસ્તિત્વ પર જોખમ હોય એવી જાતિઓનાં પ્રાણીઓમાં નોંધી છે. દરિયાઈ જીવોના નિષ્ણાતોના મત પ્રમાણે સૌથી મોટા કદની માછલીઓમાં વ્હેલ શાર્ક પાંચમા ક્રમે આવે છે. એ વૃદ્ધિ પામીને લંબાઈમાં ૧૮ મીટર સુધી અને વજનમાં ૨૧ મેટ્રિક ટન સુધીની થઈ શકે છે.

મહારાષ્ટ્ર પર્સ સીન ફિશિંગ વેલફેર અસોસિએશનના ઉપપ્રમુખ ગણેશ નાખવાએ જણાવ્યું હતું કે ‘તેરોંદા ગામના રહેવાસી મનોહર સાળવેકર નામના માછીમાર ગુરુવારે તેમની ફિશિંગ બોટ ‘જય મલ્હાર’માં માછલાં પકડવા દરિયામાં નીકળ્યા હતા ત્યારે રેવદાંડા બ્રિજ પાસે વ્હેલ શાર્ક જાળમાં ફસાઈ ગઈ હતી. મોટી માછલી જાળમાં આવી હોવાનું ધ્યાનમાં આવતાં તાત્કાલિક જાળ કાપીને વ્હેલ શાર્કને દરિયામાં છોડી દીધી હતી.’

ગણેશ નાખવાએ જણાવ્યું હતું કે ‘છેલ્લાં બે વર્ષોથી મહારાષ્ટ્રનાં ગામડાંના માછીમાર સમુદાયોમાં મહારાષ્ટ્ર સરકારના જંગલ વિભાગના મૅન્ગ્રૉવ્ઝ સેલ દ્વારા ડબલ્યુડબલ્યુએફ-ઇન્ડિયા નામની સંસ્થાની મદદથી હાથ ધરવામાં આવેલા લોકજાગૃતિ અભિયાનમાં માછલાં પકડવાની જાળમાં સપડાતા કેટલાક દરિયાઈ જીવોને ઈજા થતી ટાળવાની વિધિ-પ્રક્રિયાઓની જાણકારી આપવામાં આવે છે. એ લોકજાગૃતિ ઝુંબેશની અસર થતી હોય એવું જણાય છે. આ ક્ષેત્રના ઘણા માછીમારો દરિયાઈ કાચબા, ડૉલ્ફિન્સ અને વ્હેલ શાર્ક જેવાં અનેક જળચરો ઝડપાયા પછી એમને દરિયામાં પાછાં છોડી ચૂક્યા છે. વિશિષ્ટ દરિયાઈ જીવોની જાળવણી માટે આ પ્રકારનાં અભિયાનો સમગ્ર ભારતમાં યોજવામાં આવશે.’

alibaug mumbai news ranjeet jadhav