ઍરર્પોટ પર વૉશરૂમમાંથી મળ્યું ૧ કરોડ રૂપિયાનું સોનું

11 October, 2014 04:29 AM IST  | 

ઍરર્પોટ પર વૉશરૂમમાંથી મળ્યું ૧ કરોડ રૂપિયાનું સોનું


શ્રાદ્ધ પક્ષમાં ભારતીયો સોનું નથી ખરીદતા એ સ્મગલરો પણ જાણે છે. એટલે મુંબઈ ઍરર્પોટ પર ગણપતિ મહોત્સવ સંપન્ન થયા બાદ કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટને એક પખવાડિયું નિરાંત હતી, પરંતુ નવરાત્રિ શરૂ થતાં જ ઍરર્પોટ પર ગોલ્ડની હેરાફેરી શરૂ થઈ હતી અને ઍર ઇન્ડિયાના વિમાનમાંથી ત્રણ કિલોથી વધુ વજનનું બિનવારસી સોનું મળી આવ્યું હતું. એ પછી થોડા દિવસોના ગૅપ બાદ ગુરુવારની મધરાત પછી એક વાગ્યે ફરીથી કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટે એક કરોડ રૂપિયાની કિંમતનું ચાર કિલો બિનવારસી સોનું પકડી પાડ્યું હતું. આ વખતે એક કિલોનો એક એવા ચાર ગોલ્ડ-બાર નવા ઇન્ટરનૅશનલ ટર્મિનલના પુરુષો માટેના વૉશરૂમના ક્યુબિકલમાંથી પકડાયા હતા અને એની કિંમત ૯૮,૬૮,૩૨૦ રૂપિયા છે. ટર્મિનલના અરાઇવલ હૉલના બેલ્ટ-નંબર નવની સામે આવેલા આ વૉશરૂમનો આવો ઉપયોગ આ પહેલાં પણ સ્મગલરો કરી ચૂક્યા છે. આ વૉશરૂમમાં સોનું સંતાડીને ભેજાબાજો નીકળી જાય અને પછી પ્લાન પ્રમાણે કરોડોનો આ માલ પગ કરી જાય એવા કારસા થતા રહે છે.

હજી થોડા દિવસો પહેલાં જ ચોક્કસ બાતમીના આધારે ઍર ઇન્ટેલિજન્સ યુનિટે સિંગાપોરથી મુંબઈ આવેલા એર ઇન્ડિયાના વિમાનમાં થ્ સિરીઝની સીટ-નંબર ૩૭ અને ૩૮ની નીચેની મેટલ-ફ્રેમમાં છુપાવેલું ૩.૯૮ કિલો સોનું જપ્ત કર્યું હતું. આ ખેપમાં પણ ભેજાબાજોએ એક-એક કિલોના ત્રણ ગોલ્ડ-બાર અને ૯૮ ગ્રામ સોનાનો એક પીસ આ સીટો નીચે છુપાવેલો પકડાયો હતો. આ સોનાની કિંમત ૭૬,૪૩,૦૧૪ રૂપિયા હતી. ઇન્ટરનૅશનલ ઍરર્પોટ પર આ વર્ષે જ નવું નયનરમ્ય ટર્મિનલ શરૂ થયું ત્યારથી સોનાની દાણચોરીના સંખ્યાબંધ કેસો પકડાયા છે. સિક્યૉરિટી જડબેસલાક હોવાથી મોટા ભાગના કેસોમાં બિનવારસી સોનું પકડાય છે. આવા કેસો બાબતે ઍરર્પોટના અધિકારીઓએ કહ્યું હતું કે ‘આ સ્મગલરોએ થર્ડ પાર્ટીને સોનું સોંપવાનું હોય છે એથી તેઓ નક્કી કરેલી જગ્યાએ સોનું સંતાડી દે છે અને ઘણી વાર રાઉન્ડ પર નીકળેલા કોઈ ઑફિસરને જોઈ જાય તો સોનું નજરે ન ચડે એમ ગમે ત્યાં મૂકીને નાસી જતા હોય છે. નવા ટર્મિનલમાં સિક્યૉરિટી મજબૂત હોવાથી આવી વસ્તુઓ બહાર કાઢવાનું લગભગ અશક્ય હોવાથી બિનવારસી સોનું પકડાયાના કેસોમાં ઉછાળો આવ્યો છે.’