મુંબઈ એરપોર્ટ કસ્ટમ્સે ૧૬ કિલો વીડ જપ્ત કર્યું, રાજસ્થાનના ૧૯ વર્ષીય યુવકની ધરપકડ

03 August, 2026 10:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Airport Customs bust international drug syndicate: બેંગકોકથી આવેલા મુસાફરના સામાનમાંથી કસ્ટમ્સ અધિકારીઓએ ૧૬ કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો જપ્ત કર્યો; મુસાફર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક માટે કેરિયર તરીકે કામ કરી રહ્યો હોવાની શંકા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સરહદ પારથી નશાકારક પદાર્થોની તસ્કરી સામેના એક મોટા ઓપરેશનમાં, મુંબઈ એરપોર્ટ કસ્ટમ્સ (Mumbai Airport Customs) અધિકારીઓએ એક ૧૯ વર્ષીય યુવકની ધરપકડ કરીને તેની પાસેથી ૧૬ કિલોગ્રામ હાઇડ્રોપોનિક વીડ જપ્ત કરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. તપાસકર્તાઓને શંકા છે કે આરોપી આ સિન્ડિકેટ માટે કેરિયર એટલે કે ‘ડ્રગ મ્યુલ’ (માલ પહોંચાડનાર) તરીકે કામ કરતો હતો. હાલ પોલીસ (Mumbai Police) આ રેકેટમાં સામેલ મુખ્ય નેટવર્કની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.

બેંગકોકથી આવેલા પેસેન્જરને એરપોર્ટ પર રોક્યો

કસ્ટમ્સના (Mumbai Airport Customs bust international drug syndicate) સૂત્રોના જણાવ્યા મુજબ, ચોક્કસ માહિતીના આધારે કસ્ટમ્સ અધિકારીઓએ બેંગકોકની ફ્લાઇટ દ્વારા મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Chhatrapati Shivaji Maharaj International Airport) પર ઉતરેલા રાજસ્થાન (Rajasthan)ના અજમેર (Ajmer)ના રહેવાસી અજીત કથાત નામના પેસેન્જરને એરાઇવલ હોલમાં અટકાવ્યો હતો. ત્યારબાદ અધિકારીઓ તેને એરપોર્ટના CCTV રૂમમાં લઈ ગયા હતા, જ્યાં તેના સામાનની વિગતવાર તપાસ કરવામાં આવી હતી.

૧૬ પ્લાસ્ટિકના પેકેટમાંથી મળ્યો ૧૬ કિલો હાઇડ્રોપોનિક વીડ

તેની ટ્રોલી બેગની તલાશી દરમિયાન, કસ્ટમ્સ અધિકારીઓને ૧૬ પ્લાસ્ટિકના પેકેટો મળી આવ્યા હતા. આ પેકેટોમાં લીલા રંગનો સુકો પાંદડાવાળો પદાર્થ હતો, જે હાઇડ્રોપોનિક વીડ હોવાનું માલૂમ પડ્યું હતું અને તેનું કુલ વજન ૧૬ કિલોગ્રામ હતું. આ જપ્તી બાદ કસ્ટમ્સ અધિકારીઓએ કથાતને સમન્સ પાઠવીને તેનું સ્વેચ્છાએ નિવેદન નોંધ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેણે નાણાકીય લાભ માટે નશાકારક પદાર્થ છુપાવવાની અને તેની હેરાફેરી કરવાની વાત સ્વીકારી હતી, જેના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી.

તપાસ પ્રાથમિક તબક્કે, મોટું નેટવર્ક રડાર પર

કસ્ટમ્સ અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન અન્ય કેટલાક લોકોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે, જેમને હજુ શોધવાના બાકી છે.

એક કસ્ટમ્સ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘અત્યાર સુધી હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસ અને આરોપીના નિવેદન પરથી અન્ય લોકોની સંડોવણી છતી થાય છે. આ કેસની તપાસ હાલ ખૂબ જ પ્રાથમિક તબક્કે છે, અને જપ્ત કરાયેલા ડ્રગ્સના મુખ્ય સ્ત્રોત, ખરીદનાર, ફાઇનાન્સિંગ, સપ્લાય ચેઇન અને આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ સાથે જોડાયેલા અન્ય સાથીદારોની ઓળખ કરવા માટેના પ્રયાસો ચાલુ છે.’

આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો

આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં એડવોકેટ આશિષ સિંહ અને બિરેન્દ્ર યાદવે તેના વતી દલીલો કરી હતી. સુનાવણી બાદ કોર્ટે કથાતને ન્યાયિક કસ્ટડી (જુડિશિયલ કસ્ટડી) માં મોકલી આપ્યો છે.

બેંગકોકથી ભારતમાં ડ્રગ્સની તસ્કરી વધ્યાનો DRI નો રિપોર્ટ

દરમિયાન, ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (Directorate of Revenue Intelligence) ના તાજેતરના રિપોર્ટમાં હાઇલાઇટ કરવામાં આવ્યું છે કે થાઇલેન્ડ (Thailand) માં ગાંજાની ખેતી અને વેચાણને કાનૂની મંજૂરી આપતી નીતિઓ બાદ ભારત (India) માં હાઇડ્રોપોનિક વીડની તસ્કરીમાં તીવ્ર ઉછાળો આવ્યો છે.

રિપોર્ટ મુજબ, થાઈલેન્ડના હળવા કાયદાઓને કારણે હાઇડ્રોપોનિક વીડની ઉપલબ્ધતા સરળ બની છે, જેનો આંતરરાષ્ટ્રીય તસ્કરો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. આના પરિણામે એરપોર્ટ અને કુરિયર માર્ગો દ્વારા ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ડીઆરઆઇ (DRI) એ નોંધ્યું છે કે મોટાભાગના કિસ્સાઓમાં બેંગકોકથી ભારતના વિવિધ એરપોર્ટ પર આવતા પેસેન્જરો તપાસથી બચવા માટે વેક્યુમ-સીલ પેકેટોમાં વીડ છુપાવીને લાવવાની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરે છે.

chhatrapati shivaji international airport mumbai airport mumbai customs mumbai mumbai news bangkok thailand rajasthan ajmer Crime News mumbai crime news