મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે હવે બનશે સેફ

04 December, 2023 11:59 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

આ હાઇવે પર દસ સ્થળે બનશે ફુટ ઓવરબ્રિજ : આનું કામ શનિવારે વિરારથી શરૂ કરવામાં આવ્યું અને અન્ય બ્રિજનું કામ તબક્કાવાર શરૂ કરવામાં આવશે : એને કારણે રસ્તો ક્રૉસ કરતી વખતે થતા અકસ્માતો બંધ થવાની આશા

મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર દસ નવા ફુટ ઓવરબ્રિજ બનવાની શરૂઆત થતાં અકસ્માતનું પ્રમાણ ઘટવાની આશા છે.

મુંબઈ : મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર રસ્તો ક્રૉસ કરતી વખતે અકસ્માત થવાની ઘટના બનતી હોય છે. એથી રસ્તો ક્રૉસ કરતી વખતે થતા અકસ્માતની ઘટનાઓને રોકવા માટે મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર ૧૦ સ્થળે ફુટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. આ પુલનું કામ શનિવારે વિરારથી શરૂ કરવામાં આવ્યું છે અને અન્ય બ્રિજનું કામ તબક્કાવાર શરૂ કરવામાં આવશે.

મુંબઈ, થાણે, વસઈ-વિરાર, મીરા-ભાઈંદર, પાલઘર સાથે ગુજરાતને જોડતો મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે ખૂબ મહત્ત્વનો માર્ગ છે. આ હાઇવેને અડીને અનેક નાનાં-મોટાં ગામો આવેલાં છે. આ વિસ્તારના લોકોએ આવવા-જવા માટે હાઇવેનો ઉપયોગ કરવો પડે છે અને ક્યારેક જોખમી રીતે હાઇવે પરથી પસાર થવું પડે છે. આવા સમયે અવારનવાર અકસ્માતો થાય છે. આ માટે જે જગ્યાએ ગામો આવેલાં છે ત્યાં બન્ને બાજુએથી આવવા-જવા માટે ફુટ ઓવરબ્રિજ બનાવવામાં આવે એવી માગણી લાંબા સમયથી કરવામાં આવી રહી છે. એથી પાલઘર જિલ્લાના સાંસદ રાજેન્દ્ર ગાવિત આ માટે મહેનત કરી રહ્યા હતા. આખરે હાઇવે ઑથોરિટીએ વર્સોવા બ્રિજથી પાલઘરના અછાડ સુધી દસ જગ્યાએ ફુટ ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લીધો છે. એમાં વિરાર બાવખળ ટોકરેપાડા, વંગણપાડા નાલાસોપારા, શિવેચાપાડા, કોલ્હી ચિંચોટી, સસુપાડા, જવ્હારફાટા, દુર્વેસ, અચ્છાડ અને અન્ય બે સ્થળનો સમાવેશ થાય છે. આ માટે લગભગ ૬૯ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. આ પુલ મુખ્ય માર્ગથી સાડાપાંચ મીટરની ઊંચાઈ પર બનાવવામાં આવશે. આ કામની શરૂઆત વિરાર બાવખલથી કરવામાં આવી રહી છે. શનિવારે પાલઘર જિલ્લાના સાંસદ રાજેન્દ્ર ગાવિત દ્વારા ભૂમિપૂજન કરીને કામની શરૂઆત કરવામાં આવી હતી. સાંસદ રાજેન્દ્ર ગાવિતે માહિતી આપી છે કે અન્ય સ્થળોએ ફુટ ઓવરબ્રિજ તબક્કાવાર બનાવવામાં આવશે.
આ નૅશનલ હાઇવે હોવાથી અહીંથી અવારનવાર વાહનો વધુ સ્પીડમાં પસાર થતાં હોય છે. આવા સમયે રોડ પરથી પસાર થતી વખતે બન્ને બાજુથી રોડ ક્રૉસ કરતી વખતે મુશ્કેલી પડતી હોય છે. ઘણી વખત વાહનોની સ્પીડ વધુ હોવાને કારણે લોકો વાહનોની અડફેટે આવી જતાં અકસ્માતો પણ થાય છે. જો ફુટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે તો રસ્તા ક્રૉસ કરવાની સમસ્યાનો ઉકેલ આવશે, લોકોને આનો લાભ મળશે અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થશે.

mumbai news ahmedabad national highway vasai virar