મુંબઈ-અમદાવાદ હાઇવે પરની હેરાનગતિ મે મહિનામાં દૂર થશે

14 January, 2025 02:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફાઉન્ટન હોટેલથી તલાસરી સુધીના ૧૨૦ કિલોમીટરના હાઇવેનું કામ હવે એક જ કૉન્ટ્રૅક્ટરને આપવામાં આવ્યું હોવાથી વરસાદ પહેલાં એ તૈયાર થઈ જશે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ-અમદાવાદ હાઇવે પર રેગ્યુલર ટ્રાવેલ કરનારાઓ માટે સારા સમાચાર છે. ફાઉન્ટન હોટેલથી તલાસરી સુધીના અમદાવાદ હાઇવેનું જે કૉન્ક્રીટાઇઝેશનનું કામ ચાલી રહ્યું છે એને હવે ઝડપથી પૂરું કરવાનું છે અને વરસાદ પહેલાં એટલે કે મે મહિના સુધીમાં આટોપી લેવામાં આવશે. હાલ એ કામ ચાલી રહ્યું હોવાથી ફાઉન્ટન હોટેલથી દહાણુ પહોચતાં સામાન્ય રીતે દોઢ કલાકનો સમય લાગે છે એને બદલે પાંચ કલાકનો સમય લાગી રહ્યો છે. હાઇવે કૉન્ક્રીટનો બની જશે પછી વાહનો સડસડાટ પસાર થઈ શકશે તેમ જ એમાં ખાડા નહીં પડે જેને લીધે લોકોનો પ્રવાસ આરામથી થશે.

નૅશનલ હાઇવે નંબર-૪૮ મૂળ ચેન્નઈ-દિલ્હી નૅશનલ હાઇવે છે જે ચેન્નઈથી પુણે, નવી મુંબઈમાં આવીને થાણે-બેલાપુર રોડથી ઘોડબંદર રોડ અને ત્યાંથી ઘોડબંદર ફાઉન્ટન હોટેલથી બ્રિજ પરથી ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી સુધી આગળ જાય છે. ઘોડબંદર રોડના કૉર્નર પર ફાઉન્ટન હોટેલથી તલાસરી સુધીના ૧૨૦ કિલોમીટરના હાઇવેના કૉન્ક્રીટાઇઝેશનનું કામ એપ્રિલ ૨૦૨૩થી ચાલી રહ્યું છે. અત્યાર સુધી આ કામ મંદ ગતિથી ચાલી રહ્યું હતું, પણ હવે એ ૭૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને ઝડપથી પૂરો કરવા એક જ કૉન્ટ્રૅક્ટરને કામ સોંપવામાં આવ્યું છે. સામાન્ય રીતે હાઇવેના કૉન્ક્રીટાઇઝેશન માટે ત્રણ મશીન લગાવવામાં આ‍વતાં હોય છે, પણ હવે ઝડપથી કામ કરવાનું હોવાથી સાત મશીન એકસાથે એના પર કામ કરશે, જેથી કામની ઝડપ વધી જશે. એથી હવે એ કામ અમે મે મહિના સુધીમાં પૂરું કરી શકીશું એમ નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું છે.

ડામરના રોડ પર સતત ટ્રાફિકને કારણે મેઇન્ટેનન્સ વધી જતું હતું 
આ હાઇવે પર બહુ જ મોટા પ્રમાણમાં ટ્રાફિક રહે છે. રોજ ૩૦,૦૦૦ હેવી વેહિકલ્સ અને ૧૦,૦૦૦  કાર અને અન્ય નાનાં વાહનો પસાર થાય છે જેને કારણે ડામરનો રોડ બહુ જલદી તૂટી જતો હતો. દર પાંચ વર્ષને બદલે દર ત્રણ વર્ષે જ એ મેઇન્ટેન કરી નવો બનાવવો પડતો હતો. હવે એ કૉન્ક્રીટનો બની ગયા બાદ ખાડા ન પડવાને કારણે એની લાઇફ લંબાઈ જશે એમ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.    

mumbai ahmedabad highway national highway news mumbai news travel