૨૦૨૯માં દર ૧૦ મિનિટે ઊપડશે બુલેટ ટ્રેન

21 September, 2025 07:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બુલેટ ટ્રેન માટે શિળફાટા અને ઘણસોલી વચ્ચેની ૪.૮૮ કિલોમીટર લાંબી ટનલ હવે આરપાર

ગઈ કાલે બુલેટ ટ્રેન માટેની શિળફાટા-ઘણસોલી વચ્ચેની ટનલનું કામ રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવની હાજરીમાં પૂરું થયું હતું.

પહેલો ફેઝ સુરત-બીલીમોરા વચ્ચે ૨૦૨૭માં શરૂ થવાની જાહેરાત રેલવેપ્રધાને કરી : મુસાફરી માટે અગાઉથી ટિકિટ-રિઝર્વેશન કરાવવાની જરૂર નહીં રહે

મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન માટેના ભૂગર્ભ બાંધકામનો મહત્ત્વનો પડાવ શનિવારે પાર પડ્યો હતો. શિળફાટા-ઘણસોલી વચ્ચે બની રહેલી ૪.૮૮ કિલોમીટર લાંબી ટનલ ખોદવાનો છેલ્લો તબક્કો પૂરો થયો છે. રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે ઘણસોલી શાફ્ટ ખાતે બટન દબાવીને છેલ્લો કન્ટ્રોલ્ડ બ્લાસ્ટ કરતાં ટનલ હવે આરપાર ખૂલી ગઈ છે. આ માઇલસ્ટોન અચીવ કર્યા બાદ રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે સુરત-બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનનો પહેલો ફેઝ ૨૦૨૭ના ડિસેમ્બર મહિનામાં શરૂ થવાની જાહેરાત કરી હતી.

ટનલ આરપાર બનાવવાનું કામ પૂરું થયા બાદ અશ્વિની વૈષ્ણવે કામદારો અને એન્જિનિયરોની કામગીરીને બિરદાવી હતી. સાથે જ તેમણે મુસાફરોને આનંદ થાય એવી જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘બુલેટ ટ્રેન મધ્યમવર્ગીય મુસાફરો માટે બની રહી છે અને એનું ભાડું પણ વાજબી રાખવામાં આવશે. બુલેટ ટ્રેનમાં મુસાફરી માટે અગાઉથી ટિકિટ-રિઝર્વેશન કરાવવાની જરૂર નહીં રહે. મુસાફરો સ્ટેશન પર આવી ટિકિટ લઈને સીધા મુસાફરી કરી શકશે. શરૂઆતના તબક્કામાં દર અડધા કલાકે ટ્રેન મળશે. મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન સંપૂર્ણપણે શરૂ થયા બાદ દર ૧૦ મિનિટે બુલેટ ટ્રેન ઊપડશે.’ સામાન્ય રીતે મુંબઈથી અમદાવાદ પહોંચવા માટે ગૂગલ મૅપ્સ મુજબ ૯ કલાક લાગે છે, પરંતુ બુલેટ ટ્રેનમાં આ સફર બે કલાક ૭ મિનિટમાં પૂરી થઈ શકશે એમ જણાવતાં અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ‘સુરત-બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનનો પહેલો ફેઝ ૨૦૨૭માં શરૂ થવાની સંભાવના છે. થાણે સુધીનો ૨૦૨૮ અને બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) સુધીનો ફેઝ ૨૦૨૯ સુધીમાં કાર્યરત થશે.’

હવે ટનલમાં વૉટરપ્રૂફિંગ, ફિનિશિંગ અને જુદાં-જુદાં ઇક્વિપમેન્ટ્સ ઇન્સ્ટૉલ કરવાનું કામ કરવામાં આવશે

નૅશનલ હાઈ-સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ આપેલી માહિતી અનુસાર BKC અને શિળફાટા વચ્ચેની ૨૧ કિલોમીટર લાંબી ભૂગર્ભ ટનલમાંથી પાંચ કિલોમીટર જેટલી શિળફાટા અને ઘણસોલી વચ્ચેની ટનલના માર્ગનું બાંધકામ અંતિમ પડાવમાં છે. ૨૦૧૪માં ૩ તબક્કામાં આ ટનલનું ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. ઘણસોલી અને શિળફાટા એમ ટનલની બન્ને બાજુથી ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. એના માટે ઍડિશનલ ઇન્ટરમિડિયેટ ટનલ (ADIT) બનાવવામાં આવી હતી તેમ જ કામદારોને ટનલમાં તાજી હવા મળી રહે એ માટેના પમ્પની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ન્યુ ઑસ્ટ્રેલિયન ટનલ મેથડ (NATM) દ્વારા ૧૨.૬ મીટર પહોળી ટનલનું ખોદકામ કરવામાં આવ્યું છે. હવેના તબક્કામાં વૉટરપ્રૂફિંગ, ફિનિશિંગ અને જુદાં-જુદાં ઇક્વિપમેન્ટ્સ ઇસ્ટૉલ કરવાનું કામ કરવામાં આવશે. બાકીની ૧૬ કિલોમીટરની ટનલનું કામ ટનલ બોરિંગ મશીનની મદદથી કરવામાં આવશે. એમાં ૭ કિલોમીટરની ટનલ થાણેની ખાડી નીચેથી પસાર થશે.

વર્ષના અંત સુધીમાં મુંબઈમાં દોડતી બધી લોકલ બંધ દરવાજાની 

મુંબઈમાં રેલવે પ્રધાને જાહેરાત કરી કે હવેથી જેટલી નવી લોકલ બનશે એ બધી જ ટ્રેનમાં બંધ દરવાજાના કોચ જ લાગશે. વર્ષના અંત સુધીમાં મુંબઈમાં બંધ દરવાજાની લોકલ દોડશે એવી જાહેરાત રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે કરી છે. મુંબઈની લોકલ ટ્રેનના મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે મુંબઈ માટે હવેથી જેટલી નવી ટ્રેન બનશે એ બધી જ ટ્રેનમાં બંધ દરવાજાના કોચ જ હશે.

અત્યાર સુધીમાં બંધ દરવાજાવાળા કોચ માટે ત્રણ જુદા-જુદા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે એમ જણાવતાં અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ‘એક પ્રયોગ અત્યારે સેવામાં હોય એવી લોકલ ટ્રેનોમાં રેટ્રો ફિટ દરવાજા લગાડવાનો છે. એટલે કે જે દરવાજા છે એમાં જ ટેક્નૉલૉજી અપગ્રેડ કરવામાં આવે. બીજા પ્રયોગમાં જેટલી નૉન-AC ટ્રેન બનશે એ બંધ દરવાજાવાળી જ બનશે. AC ટ્રેનમાં તો બંધ દરવાજા હશે જ. એટલે AC અને નૉન-AC બધી જ ટ્રેન બંધ દરવાજાવાળી હોય એ જ મુખ્ય ધ્યેય છે.’

અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે ‘અત્યારે જે ટ્રેનો ચાલી રહી છે એમાં ડિસેમ્બર સુધીમાં બંધ દરવાજા લાગી જાય એને પ્રાથમિકતા આપવામાં આવી છે. ૨૩૮ ઍર-કન્ડિશન્ડ (AC) લોકલ માટે ટેન્ડર મગાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. બંધ દરવાજાવાળી લોકલ ટ્રેનમાં મુસાફરોને પૂરતો ઑ​ક્સિજન મળી રહે એની તકેદારી રાખવામાં આવશે.’

mumbai news mumbai bullet train ahmedabad ashwini vaishnaw indian railways thane bandra kurla complex