નાગરિકતા સુધારા કાયદાના ભાગને લઈને ઉદ્ધવ અને પવાર વચ્ચે સંમતિ સધાઈ

24 February, 2020 07:44 AM IST  |  Mumbai

નાગરિકતા સુધારા કાયદાના ભાગને લઈને ઉદ્ધવ અને પવાર વચ્ચે સંમતિ સધાઈ

ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર

મહારાષ્ટ્ર વિધાનસભાના બજેટસત્રની પૂર્વસંધ્યાએ રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને એનસીપીના પ્રમુખ શરદ પવાર સાથે બંધબારણે ચર્ચા કરી હતી. મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ બંગલોમાં યોજાયેલી ચર્ચામાં સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ, નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ અને નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટરના વાંધાજનક ભાગો બાબતે ત્રણેય નેતાઓએ સંમતિ સાધી હતી.

નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટરના અમલમાં સમસ્યા ન હોવા ઉપરાંત નાગરિકતા કાયદાથી કોઈએ ડરવાની જરૂર નહીં હોવાના મુખ્ય પ્રધાનના તાજેતરનાં નિવેદનોના અનુસંધાનમાં ગઈ કાલે બંધબારણે બેઠક યોજાઈ હતી. મલબાર હિલ વિસ્તારમાં મુખ્ય પ્રધાનના ‘વર્ષા’ બંગલોમાં યોજાયેલી બેઠકમાં નાગરિકતા કાયદા, એનઆરસી અને એનપીઆરના અમલ અને બજેટસત્રના મુદ્દા એમ બે વિષયો પર વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી.

શુક્રવારે ઉદ્ધવ ઠાકરે દિલ્હીમાં વડા પ્રધાનને મળ્યા હતા. ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે સીએએને લઈને કોઈએ ડરવાની જરૂર નથી, કારણ કે આ કાયદાને કારણે કોઈને દેશમાંથી બહાર કાઢવામાં નહીં આવે.

સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ, નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ અને નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટરના વાંધાજનક ભાગને લઈને કેન્દ્રને જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત બજેટ સેશનમાં કયા મુદ્દા ઉઠાવવામાં આવશે એ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. બજેટ સેશન દરમ્યાન આઘાડી સરકારને મુશ્કેલીમાં મૂકે એવા મુદ્દાઓને દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

- આઘાડી સરકારનો નેતા

બીજેપીવાળા પહેલાં પોતાનું ઘર સંભાળે અને પછી અમને શિખામણ આપે : ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્ર વિકાસ આઘાડીના શાસનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની બીજેપીએ ટીકા કર્યાના થોડા કલાકોમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તીવ્ર પ્રત્યાઘાત વ્યક્ત કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રમાં બીજેપી શાસન હેઠળ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક હોવાનું જણાવ્યું હતું.

રાજ્ય વિધાનમંડળના બજેટ સત્રની પૂર્વસંધ્યાએ પ્રસાર માધ્યમોના પ્રતિનિધિઓ સમક્ષ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ‘ગયા મહિને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓ (હુમલાખોરો) હજી સુધી શા માટે પકડાયા નથી? કેન્દ્રની બીજેપીની સરકાર એમાં શું કરે છે. બીજેપીશાસિત રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની શી સ્થિતિ છે એ બીજેપીએ જોવું જોઈએ. બીજેપીવાળા પહેલાં પોતાનું ઘર સંભાળે અને પછી બીજાને શિખામણ આપે.’

mumbai news uddhav thackeray ajit pawar sharad pawar nrc caa 2019