મહાવિકાસ આઘાડીનું ભવિષ્ય અધ્ધરતાલ?

22 March, 2021 10:48 AM IST  |  Mumbai | Viral Shah

જે રીતે એક પછી એક સરકારી તંત્ર સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યા છે એને જોતાં વિરોધ પક્ષ રાજ્યમાં કાયદો-વ્યવસ્થા સામે પ્રશ્ન ઊભો કરીને મહા વિકાસ આઘાડીની સરકારને અસ્થિર કરવાની વેતરણમાં

ગઈ કાલે ગૃહ પ્રધાનનું રાજીનામું માગવા માટે રસ્તા પર ઉતરી પડેલા બીજેપીના કાર્યકરોને તાબામાં લઈ રહેલી પોલીસ શાદાબ ખાન

છેલ્લા દસેક દિવસથી રાજ્યમાં જે રીતે રાજકીય હલચલ થઈ રહી છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે કંઈક નવાજૂની થવાની છે. મુકેશ અંબાણીના ઘરની સામે સ્કૉર્પિયોમાંથી મળી આવેલા વિસ્ફોટકોના કેસમાં જેમ-જેમ નવા નવા ફણગા ફૂટી રહ્યા છે એમ સરકારની વિશ્વસનીયતા પર પણ અનેક સવાલ ઊભા થવા લાગ્યા છે. એક સમયે શિવસેનામાં રહી ચૂકેલા અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સચિન વઝેની ધરપકડ બાદ મુંબઈના પોલીસ-કમિશનર પરમબીર સિંહની ટ્રાન્સફર અને હવે રાજ્યના ગૃહપ્રધાન પર ગંભીર આરોપે મહા વિકાસ આઘાડીની સરકારને બૅકફુટ પર લાવી દીધી છે.

રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના અધ્યક્ષ શરદ પવારે ગૃહપ્રધાન અનિલ દેશમુખના રાજીનામા બાબતે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે એવી જાહેરાત તો કરી દીધી છે, પણ વિરોધ પક્ષને ગૃહપ્રધાનના રાજીનામા કરતાં અત્યારે આ સરકાર તૂટે એમાં વધારે રસ હોવાનું લાગી રહ્યું છે. જો કોઈ પણ રાજ્ય સરકાર બંધારણની જોગવાઈઓ મુજબ કામ ન કરતી હોય તો જે-તે રાજ્યમાં આર્ટિકલ ૩૫૬ હેઠળ રાષ્ટ્રપતિશાસન લાદી શકાય છે.

છેલ્લા પાંચેક દિવસમાં એ દિશામાં ચહલપહલ શરૂ થઈ ગઈ છે. પરમબીર સિંહે લખેલા પત્રની એક પ્રત રાજ્યના ગવર્નરને પણ મોકલવામાં આવી હતી. આમ તો આ લેટરની પ્રત ગવર્નરને ન મોકલી હોત તો પણ ચાલી જાત, પણ પરમબીર સિંહે આ લેટર તેમને મોકલીને એવું કહેવાની કોશિશ કરી છે કે ગૃહ વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. એ સિવાય ગઈ કાલે દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન સરકારી તંત્રમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘હોમ ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચારની વાત કરનારા પરમબીર સિંહ પહેલા નથી. આ પહેલાં પણ રાજ્યના તત્કાલીન ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ સુબોધ જયસ્વાલે હોમ ડિપાર્ટમેન્ટના કારસ્તાનનો ડીટેલ-રિપોર્ટ મુખ્ય પ્રધાનને સુપરત કર્યો હતો, પણ એના પર કોઈ ઍક્શન લેવામાં નહોતી આવી.’

આ રીતે તેમણે સરકારી તંત્ર કેટલી હદે ભ્રષ્ટ થઈ ગયું છે એ વાત પર જોર મૂક્યું હતો. બીજેપીના મહારાષ્ટ્રના અધ્યક્ષ ચંદ્રકાન્તદાદા પાટીલ અને બીજેપીના સંસદસભ્ય નારાયણ રાણેએ પણ ગઈ કાલે રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લગાવવાની વાત કરી હતી. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણેએ કહ્યું હતું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યાં છે, મહિલાઓ સામે ગુના વધી ગયા છે, કોરોના મહામારીનો સામનો કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે અને રાજ્યની આર્થિક પરિસ્થિતિ પણ ડામડોળ થઈ ગઈ હોવાથી આ સરકારને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિશાસન લગાવી દેવું જોઈએ. હું આ બાબતે દેશના રાષ્ટ્રપતિને પત્ર લખવાનો છું.’

હજી થોડા દિવસ પહેલાં બીજેપીના સિનિયર નેતા સુધીર મુનગંટીવારે વિધાનસભામાં કહ્યું હતું કે જો સ્પીકરના ઇલેક્શનનું શેડ્યુલ જણાવવામાં નહીં આવે તો રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લગાવવામાં આવશે.

આટલું ઓછું હતું એમ ગઈ કાલે વંચિત બહુજન આઘાડીના પ્રકાશ આંબેડકરે પણ રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લગાડવું જોઈએ એવી માગણી સાથે આજે રાજ્યના ગવર્નર ભગત સિંહ કોશ્યારીને મળવાની જાહેરાત કરી છે. આ મુદ્દા પર રાજકીય પંડિતનું કહેવું છે કે ‘કોઈ પણ રાજ્યમાં સરકારી તંત્ર પડી ભાંગ્યું હોય ત્યારે ગવર્નર સરકારને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિશાસન લગાવવાની ભલામણ કરતા હોય છે. મહારાષ્ટ્રમાં અત્યારે એવી પરિસ્થિતિ બની રહી હોવાથી વિરોધ પક્ષ એનો ફાયદો ઉઠાવવા જોર લગાવી રહ્યો છે.’

બીજી બાજુ અમુક જાણકારોનું કહેવું છે કે ‘રાજકારણમાં ક્યારેય કંઈ પણ થઈ શકે છે. એક વાર રાષ્ટ્રપતિશાસન આવ્યા બાદ બીજેપી-રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ કે પછી ફરી એક વાર બીજેપી-શિવસેના સાથે થઈ જાય તોય નવાઈ નહીં.

સરકારી તંત્ર પડી ભાંગ્યું હોય ત્યારે ગવર્નર સરકારને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિશાસન લગાવવાની ભલામણ કરતા હોય છે. રાજ્યમાં અત્યારે એવી પરિસ્થિતિ બની રહી હોવાથી વિરોધ પક્ષ એનો ફાયદો ઉઠાવવા જોર લગાવી રહ્યો છે.
પૉલિટિકલ ઍનલિસ્ટ

મહાવિકાસ આઘાડી સરકારના બચાવમાં સચિન સાવંત મહારાષ્ટ્રની સરકારને પાડવાનું કાવતરું થઈ રહ્યું છે, એને બદનામ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે, સરકાર પાડવા બીજેપી અને કેન્દ્ર સરકારનું ઑપરેશન લોટસ ચાલી રહ્યું છે એવો આરોપ કૉન્ગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે ગઈ કાલે કર્યો હતો. સચિન સાવંતે કહ્યું હતું કે ‘ભૂતકા‍ળમાં ગુજરાતના તત્કાલીન ડીજી વણજારાએ પત્ર લખીને અમિત શાહ પર આક્ષેપ કર્યા હતા. એ પછી ફરી તેમને સેવામાં લેવામાં આવ્યા હતા. ત્યારે અમિત શાહે રાજીનામું આપ્યું હતું? આઇપીએસ અધિકારી સંજય ભટ્ટે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ કર્યા હતા. તો શું ત્યારે નરેન્દ્ર મોદીએ રાજીનામું આપ્યું હતું?’

mumbai mumbai news maharashtra nationalist congress party sharad pawar