મુંબઈ : બીજા દિવસે પણ મહિલાઓનો લોકલ ટ્રેનમાં ધસારો

23 October, 2020 09:52 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

મુંબઈ : બીજા દિવસે પણ મહિલાઓનો લોકલ ટ્રેનમાં ધસારો

વિરાર અને દિવા રેલવે સ્ટેશનો પર ગઈ કાલે ટિકિટ લેવા માટે લાગેલી મહિલા પ્રવાસીઓની લાંબી લાઈન

મહારાષ્ટ્ર સરકારે વિનંતી કર્યા બાદ રેલવે-પ્રશાસને ૨૧ ઑક્ટોબરથી મહિલા પ્રવાસીઓને નૉન-પીક-અવર્સમાં લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની પરવાનગી આપી છે. પરવાનગી મળ્યાના પહેલા દિવસે મહિલાઓએ ધસારો કર્યો હતો એવી જ રીતે ગઈ કાલે બીજા દિવસે પણ વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેનાં અનેક સ્ટેશનો પર મેળો લાગ્યો હોય એવી સ્થિતિ જોવા મળી હતી. મહિલા-પ્રવાસીઓ ટિકિટ વિન્ડોએ પાસ કે ટિતકટ લેવા લાંબો સમય સુધી લાઇનમાં ઊભી રહેલી જોવા મળી હતી. રેલવે અને રાજ્ય સરકારે ગંભીર મહામારી સામે યોગ્ય હોમ વર્ક કર્યું ન હોવાનું આ પરિણામ છે, એવી ટીકા રેલવે પૅસેન્જર અસોસિએશન દ્વારા કરવામાં આવી રહી છે. જોકે આ રીતે કોરોનાના નિયમનું પાલન ન થઈ રહ્યું હોવાથી અને દરરોજ મહિલા-પ્રવાસીઓની ભીડ વધતી રહેશે તો કોરોના સંક્રમણ વધવાની આશંકા છે.

પ્રશાસનની અધૂરી તૈયારી

રેલ યાત્રી પરિષદના અધ્યક્ષ સુભાષ ગુપ્તાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સરકારે વિનંતી કરી અને રેલવેએ અનુમતિ આપતાં લાગ્યું હતું કે તેમણે તૈયારીઓ કરી લીધી હશે. જોકે બે દિવસથી ટિકિટ વિન્ડો પર ઊમટી રહેલી મહિલાની ભીડનાં દૃશ્ય જુદું જ દર્શાવે છે. દિવા રેલવે સ્ટેશન પર ટિકિટ વિન્ડોથી લઈને છેક બ્રિજની ઉપર સુધી ભીડ હતી. સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન જરાપણ દેખાયું નહોતું. આ બધાને કારણે કોરોનાનો બ્લાસ્ટ થાય એવી ચિંતા થઈ રહી છે. રેલવે એટીવીએમ, મોબાઇલ ટિકિંગ, ફેસિલેટર જેવી સુવિધાનો ઉપયોગ કરવા પ્રવાસીઓને આગ્રહ કરવો જોઈએ. ડિજિટલ ઇન્ડિયા હેઠળ મુંબઈની લાઇફ લાઇનનું કામ ડિજિટલ સિસ્ટમ હેઠળ લાવવા આ એક સારી તક છે.’

રેલવેએ પૂર્વ તૈયારી કરી હતી?

દહાણુ-વૈતરણા પ્રવાસી સેવાભાવી સંસ્થાના સલાહકાર મહેશ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘નાલાસોપારા, વિરાર સ્ટેશને ગઈ કાલે ખૂબ ખરાબ હાલત જોવા મળી હતી અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થયું નહોતું. આવી રીતે મહિલાઓ પ્રવાસ કરશે તો મહામારી પર નિયંત્રણ રહેશે નહીં અને મહિલા આ બીમારી તેના ઘરે અને જ્યાં જાય છે ત્યાં પણ ફેલાવી શકે છે. એથી રેલવે પ્રવાસની સિસ્ટમ વેલ ઑર્ગેનાઇઝ હોવી જરૂરી છે. પરવાનગી આપ્યાં પહેલાં પ્રશાસનને પ્રવાસીઓની સંખ્યાનો અંદાજો નહોતો કે? જો રેલવેએ પૂર્વ તૈયારી કરી હોય તો આવી સ્થિતિ કેમ જોવા મળે છે. રેલવેએ યુટીએસ સિસ્ટમનો ઉપયોગ કરવા માટે અથવા તો મહિલા-પ્રવાસીઓને આઇડી કાર્ડ આપે તો કંઈ ફરક પડી શકે છે.’

રેલવે શું કહે છે?

વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઑફિસર સુમિત ઠાકુરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વેસ્ટર્ન રેલવેમાં ૭૦૪ ટ્રેન દોડે છે. સોશ્યલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને પાંચ લાખ પ્રવાસીઓ પ્રવાસ કરી શકે છે. અત્યારે આંકડો ૩.૮ લાખ સુધી પહોંચ્યો છે. પાંચ લાખથી પ્રવાસીઓ વધશે ત્યારે રિકન્ટ્રક્ટ કરવું પડશે. તમામ મહિલાઓને પ્રવાસની અનુમતિ આપવા અમે રાજ્ય સરકાર પાસેથી કેટલા પ્રવાસીઓ પ્રવાસ કરશે એનો ડેટા માગ્યો હતો, પરંતુ એ હજી મળી શક્યો નથી. અમે ચાર મહિલા સ્પેશ્યલ ટ્રેન શરૂ કરીને કોરોનાના નિયમોનું પાલન કરાવવાનું કામ કરી રહ્યા છીએ. વિરાર, નાલાસોપારા સહિત અન્ય સ્ટેશનો પર પ્રવાસીઓને ભીડને ધ્યાનમાં રાખીને ટિકિટ કાઉન્ટરની સંખ્યામાં વધારો કરીને એને ખુલ્લી મુકાઈ છે.’

સેન્ટ્રલ રેલવેના વરિષ્ઠ પ્રવક્તા એ. કે. જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેમાં ગયા અઠવાડિયે ૯૮૭ સર્વિસ દોડતી હતી એની જગ્યાએ એમાં વધારો કરીને ૧૪૧૦ સર્વિસ કરવામાં આવી છે. પહેલા દિવસે વધુ ક્રાઉડ ન હોવાથી વધુ વિન્ડો ખોલાઈ નહોતી. ગઈ કાલે દિવા સ્ટેશને ક્રાઉડ જોવા મળતાં વધારાની ટિકિટ વિન્ડો ખુલ્લી મૂકવામાં આવી હતી. કોઈ પણ સ્ટેશને ભીડ ન થાય એ માટે સેન્ટ્રલ રેલવેએ ૨૦૦ મહિલા આરપીએફને તહેનાત કરી છે.’

mumbai mumbai news indian railways central railway western railway mumbai local train mumbai railways preeti khuman-thakur