રોડ પર નો પાર્કિંગનું બોર્ડ ન હોવા છતા પણ 90 ગાડીઓ વિરુદ્ધ થઈ કાર્યવાહી

07 March, 2021 09:27 AM IST  |  Mumbai | Mid-day Correspondent

રોડ પર નો પાર્કિંગનું બોર્ડ ન હોવા છતા પણ 90 ગાડીઓ વિરુદ્ધ થઈ કાર્યવાહી

ક્લૅમ્પ લગાવવા બાબતે ટ્રાફિક-પોલીસ સાથે દલીલ કરી રહેલા લોકો.

મુલુંડમાં ગઈ કાલે મુંબઈ ટ્રાફિકની સેન્ટ્રલ સ્ક્વૉડના જૉઇન્ટ ટ્રાફિક-કમિશનર યશસ્વી યાદવની ટીમે ૯૦ કરતાં વધુ વાહનો પર ક્લૅમ્પ લગાડીને કાર્યવાહી કરી હતી. અચાનક થયેલી આ કાર્યવાહીથી મુલુંડની જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મુલુંડના વિધાનસભ્યે આ બાબતને મુંબઈ પોલીસની દાદાગીરી કહીને એનો વિરોધ કર્યો હતો.

મુલુંડના મહાત્મા ગાંધી રોડની જમણી અને ડાબી બાજુએ પાર્ક થયેલાં ૯૦ વાહનો પર મુંબઈ ટ્રાફિકના જૉઇન્ટ ટ્રાફિક-કમિશનર યશસ્વી યાદવની સેન્ટ્રલ સ્ક્વૉડે કાર્યવાહી કરી હતી. જોકે આ રોડ પર કોઈ જગ્યાએ નો પાર્કિંગનું બોર્ડ લગાડેલું નથી છતાં માત્ર જનતાને પરેશાન કરવા માટે ટ્રાફિક વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનો જનતાએ આરોપ લગાડ્યો હતો. આ કાર્યવાહી બાદ વાહનોના ક્લૅમ્પ કાઢવા દંડરૂપે લાખો રૂપિયા વસૂલ્યા હતા.

કાર્યવાહીનો ભોગ બનેલા અજય ગિરિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુલુંડના એમ. જી. રોડ પર એક પણ જગ્યાએ નો પાર્કિંગનું બોર્ડ લાગેલું નથી. એમ છતાં તેમણે અનેક વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. આ કેટલું યોગ્ય છે? આ કાર્યવાહી કર્યા બાદ ફાઇન ભર્યા પછી પણ લોકોએ બેથી ત્રણ કલાક બપોરના તડકામાં પરેશાન થવું પડ્યું હતું. અમારી કોઈ વાત સાંભળવા પોલીસ અધિકારીઓ તૈયાર થયા નહોતા.’

ટ્રાફિક-પોલીસનું શું કહેવું છે?
મુંબઈ ઈસ્ટર્ન સબર્બ્સના ટ્રાફિક ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ વિનાયક ઢાકનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કાર્યવાહી માત્ર મુલુંડને ટાર્ગેટ કરવા માટે નથી થઈ. આવી કાર્યવાહી આખા મુંબઈમાં રોજ અલગ-અલગ વિસ્તારોમાં કરવામાં આવે છે. આ કાર્યવાહી જૉઇન્ટ ટ્રાફિક કમિશનરની સેન્ટ્રલ સ્ક્વૉડ કરતી હોય છે.’

આ કાર્યવાહીથી લોકો ભારે રોષે ભરાયા છે. મુંબઈ પોલીસની દાદાગીરીથી આ કાર્યવાહી કરવામાં આવી છે. મેં જ્યારે તેમને પૂછ્યું કે તમે કેમ કાર્યવાહી કરી રહ્યા છો?

ત્યારે તેમણે વર્ષો જૂની કલમના આધારે કાર્યવાહી કરી હોવાનો જવાબ મને આપ્યો હતો.
- મુલુંડના વિધાનસભ્ય મિહિર કોટેચા

mumbai mumbai news mulund