દીકરાને દંડ ફટકારવા બદલ ACPએ મહિલા પોલીસ-અધિકારીને આપી ધમકી

31 October, 2012 07:55 AM IST  | 

દીકરાને દંડ ફટકારવા બદલ ACPએ મહિલા પોલીસ-અધિકારીને આપી ધમકી



એક એસીપીનો દીકરો તેની કારમાં ટિન્ટેડ ફિલ્મવાળા ગ્લાસ સાથે પકડાયા બાદ એસીપીએ પોતાના રોબથી મુલુંડમાં આવેલા નવઘર પોલીસ-સ્ટેશનના અધિકારીઓને દબાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ પછી આખો મામલો વિવાદાસ્પદ બની ગયો હતો. આ વિવાદમાં ટ્રાફિક-પોલીસ વિરુદ્ધ એન.સી. નોંધાઈ છે જ્યારે એસીપી વિરુદ્ધ સ્ટેશન-ડાયરીમાં નોંધ કરવામાં આવી છે.

આ બનાવની વિગત પ્રમાણે વિક્રોલી ટ્રાફિક ડિવિઝન સાથે જોડાયેલા ટ્રાફિક-પોલીસ સુરેશ કોલીએ સોમવારે બપોરે ૩૦ વર્ષના ખાલિદ મુલાનીને તેની એમએચ-૦૩-બીઈ-૯૭૮૬ નંબરવાળી સ્વિફ્ટ કાર સાથે ઝડપી લીધો હતો, કારણ કે તેની કારના ગ્લાસ પર પ્રતિબંધિત ટિન્ટેડ ફિલ્મ લગાવેલી હતી. નિયમ પ્રમાણે તેનું લાઇસન્સ લઈને ટેમ્પરરી લાઇસન્સ આપવામાં આવ્યું હતું અને સૂચના આપવામાં આવી હતી કે તે કારના ગ્લાસ પરથી ટિન્ટેડ ફિલ્મ ઉતારીને કારને પોલીસચોકીમાં દેખાડીને લાઇસન્સ પરત લઈ જઈ શકે છે.

ટ્રાફિક-પોલીસ અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે પકડાયા બાદ ખાલિદ મુલાની સહકાર આપવાને બદલે સામો રોબ ઝાડવા લાગ્યો હતો અને કહેતો હતો કે તે એસીપીનો દીકરો છે અને તેને ઇરાદાપૂર્વક ટાર્ગેટ કરવામાં આવ્યો છે. તેણે ટ્રાફિક-પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે તે બીજી ટિન્ટેડ ગ્લાસવાળી કારને દંડ ફટકાર્યા વગર જ જવા દે છે. ખાલિદ મુલાનીની હરકત વિશે વાત કરતાં ટ્રાફિક-પોલીસે કહ્યું હતું કે ‘અમે જ્યારે તેને જવા કહ્યું ત્યારે તેણે કોઈકને ફોન કર્યો અને જંક્શન પર કામ કરતા ટ્રાફિક-પોલીસની હરકતોને વિડિયો કૅમેરાથી શૂટ કરવા લાગ્યો. અમે પરવાનગી વગર શૂટિંગ કરવાની તેની હરકત સામે વાંધો ઉપાડ્યો. અમે પોલીસ કન્ટ્રોલ-રૂમને આની જાણ કરી અને પોલીસની મદદ માગી. આખરે નવઘર પોલીસ-સ્ટેશનની વૅન આવી અને અમે બધા પોલીસ-સ્ટેશન ગયા.’

ખાલિદ મુલાની અને ટ્રાફિક-પોલીસ જ્યારે પોલીસ-સ્ટેશન પહોંચ્યા ત્યારે ફરજ પરનાં ડ્યુટી પોલીસ-ઇન્સ્પેક્ટર મનીષા રાવખાંડેએ આખી ઘટનાની માહિતી મેળવી. એ વખતે ખાલિદ મુલાનીએ પોલીસ-ઑફિસરને ટ્રાફિક-પોલીસ વિરુદ્ધ બીજા ટિન્ટેડ ગ્લાસવાળી કાર વિરુદ્ધ પગલાં ન લેવા બદલ ફરિયાદ રજિસ્ટર્ડ કરવાનો આગ્રહ કર્યો. ત્યારે પોલીસ-ઇન્સ્પેક્ટરે તેને સમજાવવાની કોશિશ કરી કે તેણે ટ્રાફિક-પોલીસના સિનિયર અધિકારીઓને મળીને યોગ્ય ટ્રાફિક-પોલીસના ઑફિસર પાસે પોતાની ફરિયાદ નોંધાવવી. જોકે ખાલિદ મુલાની પોતાની વાત પર અડગ રહ્યો હતો અને પોલીસ-સ્ટેશનમાં ટ્રાફિક-પોલીસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની પોતાની જીદ પર અડગ રહ્યો હતો. ત્યાર બાદ પોલીસ-ઇન્સ્પેક્ટરે તેને

ટ્રાફિક-પોલીસના નિર્દેશોનું પાલન ન કરવા બદલ મોટર વેહિકલ ઍક્ટની કલમ ૧૭૯ અંતર્ગત ૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. દંડ ભર્યા બાદ રિસીટ સ્વીકારતી વખતે ખાલિદ મુલાનીએ જણાવ્યું હતું કે તે એસીપી નૂર મોહમ્મદ મુલાનીનો દીકરો છે અને પછી તેણે પોતાના પિતાનો સંપર્ક કરતાં એસીપીએ તરત જ પોલીસ-સ્ટેશનમાં ફોન કર્યો હતો.

એસીપીના ગુસ્સાનો ભોગ બનેલી મનીષા રાવખાંડેએ કહ્યું હતું કે ‘આ મામલે મને મિડિયા સાથે વાત કરવાની સત્તા નથી. મેં માત્ર મારા સિનિયરના આદેશનું પાલન કરીને એનસી નોંધી છે. જોકે જ્યારે એસીપીએ મારો કોઈ વાંક ન હોવા છતાં મારી સામે બૂમો પાડી હતી ત્યારે મને બહુ ખરાબ લાગ્યું હતું અને આ વાત મેં સ્ટેશન ડાયરીમાં પણ નોંધી છે.’

આ મામલાને કારણે વિવાદમાં સપડાયેલા એસીપી મુલાનીએ કહ્યું હતું કે ‘મારા દીકરાની ફરિયાદ શા માટે નોંધવામાં નથી આવી રહી એ જાણવા માટે મેં જ્યારે ફોન પર પોલીસ-ઇન્સ્પેક્ટર સાથે વાત કરી ત્યારે તે મહિલા ઑફિસરે મને સુપીરિયર ઑફિસર તરીકે માનથી જવાબ આપવો જોઈતો હતો, પણ એવું ન થયું એટલે મારે પોલીસ-સ્ટેશન જવું પડ્યું. કોઈ પણ વ્યક્તિની ફરિયાદ નોંધવી એ પોલીસની ફરજ છે. મેં આ મામલામાં ઍડિશનલ પોલીસ કમિશનર ઑફ પોલીસ-ઈસ્ટને પોલીસ-ઇન્સ્પેક્ટર વિરુદ્ધ લેખિત ફરિયાદ કરીને આમાં હસ્તક્ષેપ કરવા જણાવ્યું છે.’

હજી તપાસ ચાલુ છે

ઍડિશનલ પોલીસ કમિશનર ઑફ પોલીસ-ઈસ્ટ કૈસર ખાલિદે કહ્યું હતું કે ‘મને એસીપી મુલાનીની મહિલા ઑફિસર સામેની ફરિયાદ મળી છે. હજી આખા મામલામાં તપાસ ચાલી રહી છે. હાલને તબક્કે કાંઈ પણ કહેવું વહેલું ગણાશે. અમે આ કેસમાં બધાં પાસાંથી જોઈ રહ્યા છીએ તેમ જ સીસીટીવી ફુટેજ ચકાસી રહ્યા છીએ. જો જરૂર પડશે તો બન્ને પક્ષોને સામસામે ચર્ચા કરવા બોલાવવામાં આવશે.’

નવઘર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ગણેશ ગાયકવાડે આ મામલામાં કહ્યું હતું કે ‘આ અમારો આંતરિક મામલો છે અને અમે પત્રકારો સાથે આ વાતની ચર્ચા નથી કરતા. એસીપી મુલાનીએ મહિલા પોલીસ-ઇન્સ્પેક્ટર મનીષા રાવખાંડે વિરુદ્ધ કોઈ ફરિયાદ કરી હોવાની મને જાણ નથી. જો આવી કોઈ વાત મારી જાણમાં આવશે તો આ ફરિયાદનાં દરેક પાસાંની ચકાસણી કરવામાં આવશે.’

એસીપીનું વર્તન અયોગ્ય

અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ટ્રાફિક-ઈસ્ટ) વિલાસ પવારે કહ્યું હતું કે ‘હું આ કેસમાં મારા સ્ટાફના વલણથી ખુશ છું. આ કેસમાં ટ્રાફિક-પોલીસ સાથે ગેરવર્તન કરનાર દીકરાને ઠપકો આપવાને બદલે એસીપી મહિલા પોલીસ-અધિકારીને ધાક ધમકી આપીને અને ફરિયાદ કરીને સામે ફરિયાદ કરીને દીકરાને છાવરી રહ્યા છે એ બાબત અત્યંત અયોગ્ય છે.’

એસીપી = અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ,

એનસી = નૉન કૉગ્નિઝેબલ