વેસ્ટર્ન રેલવેને ગરમી ફળી

06 June, 2026 07:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

AC લોકલમાં મે મહિનામાં ૨૮ કરોડ રૂપિયાની બમ્પર કમાણી: ૧૧ મેના દિવસે ૫૦,૬૬૩ ટિકિટ અને પાસ ખરીદાયાં, ૧,૬૦,૫૮,૮૯૫ રૂપિયાની રેકૉર્ડબ્રેક આવક

૪ મેએ ૪૭,૪૭૫ ટિકિટોના વેચાણ સાથે ૧.૬૦ કરોડ રૂપિયાની આવકનો અગાઉનો રેકૉર્ડ બન્યો હતો જે ૧૧ મેએ તૂટી ગયો હતો.

મુંબઈમાં મે મહિનામાં પડેલી ગરમીથી રાહત મેળવવા માટે પ્રવાસીઓએ વેસ્ટર્ન રેલવેની ઍર-કન્ડિશન્ડ (AC) લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરીને રેલવેને રેકૉર્ડબ્રેક કમાણી કરાવી હતી. ૧૧ મેએ વેસ્ટર્ન રેલવેના ઇતિહાસમાં સિંગલ ડેમાં AC લોકલની ટિકિટ અને પાસનું સૌથી વધુ વેચાણ થયું હતું. અધિકારીઓએ જણાવ્યા મુજબ આ એક જ દિવસમાં કુલ ૫૦,૬૬૩ ટિકિટ અને પાસ ખરીદાયાં હતાં જેમાંથી રેલવેને ૧,૬૦,૫૮,૮૯૫ રૂપિયાની રેકૉર્ડબ્રેક આવક થઈ હતી. 

વેસ્ટર્ન રેલવેમાં મે મહિનામાં ૫૮,૮૯,૭૩૭ પ્રવાસીઓએ AC લોકલ ટ્રેનમાં મુસાફરી કરી હતી જેમાં ૨૮,૧૦,૮૧,૯૫૫ રૂપિયાની બમ્પર કમાણી થઈ હતી.

ગયા વર્ષના આ જ ગાળાની સરખામણીએ ૨૮.૬૭ ટકાનો વધારો નોંધાયો છે, જે દર્શાવે છે કે મુંબઈના રોજિંદા પ્રવાસીઓમાં AC લોકલની લોકપ્રિયતા સતત વધી રહી છે.

૨૦૨૬ના પ્રથમ પાંચ મહિનાની વાત કરીએ તો વેસ્ટર્ન રેલવેએ AC લોકલનાં કુલ ૫૨,૪૬,૩૬૭ ટિકિટ અને પાસ વેચ્યાં છે જેનાથી અંદાજે ૧૧૯ કરોડ રૂપિયાની આવક થઈ છે. ગયા વર્ષે ૨૦૨૫માં આ જ પાંચ મહિનામાં ૪૦,૭૭,૨૯૪ ટિકિટોનું વેચાણ થયું હતું અને લગભગ ૯૭ કરોડ રૂપિયાની કમાણી થઈ હતી.

mumbai news mumbai western railway AC Local mumbai local train