કોરોનાને હરાવીને ઘરે આવનારા નાલાસોપારાના ડૉક્ટરનું ઉષ્માભર્યું સ્વાગત

04 May, 2020 07:55 AM IST  |  Mumbai | Mumbai Correspondent

કોરોનાને હરાવીને ઘરે આવનારા નાલાસોપારાના ડૉક્ટરનું ઉષ્માભર્યું સ્વાગત

પરિવારના સભ્યો સાથે ડૉક્ટર ઋષભ જૈન.

નાલાસોપારામાં રહેતા અને કાસાની સબ-ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં ફરજ બજાવતા યુવાન ડૉક્ટર ઋષભ મુકેશ જૈન પોતે કોરોનાનો ભોગ બન્યા હતા. જોકે સમયસર જાણ થતાં યોગ્ય સારવાર લઈને ક્વૉરન્ટીન થઈને સાજા થઈને શનિવારે સાંજે તેઓ ઘરે પાછા ફર્યા હતા. એ વખતે પરિવાર અને પાડોશીઓ તથા મિત્રોએ તેમનું સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખી ઘંટ વગાડીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

ડૉક્ટર ઋષભે ‘મિડ–ડે’ને જણાવ્યું હતું કે ‘એક મહિલા દરદી અમારી હૉસ્પિટલમાં દાખલ થઈ હતી. તેનું ઑપરેશન પણ કરાયું હતું. ત્યાર બાદ તે કોરોના પૉઝિટિવ હોવાનું જણાઈ આવ્યું હતું, એટલે મને અને મારી સાથે અન્ય એક મહિલા ડૉક્ટરની પણ કોરોના-ટેસ્ટ કરાઈ અને એમાં બન્નેનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ હોવાનું જણાયું હતું. એ પછી અમને ૧૬ એપ્રિલે બોઇસરની સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયાં અને ક્વૉરન્ટીન કરીને સારવાર આપવામાં આવી હતી. બધી જ રીતે સંભાળ પણ રાખવામાં આવી હતી. ત્યાર બાદ મારી ફરી ટેસ્ટ કરાઈ અને એ ટેસ્ટ નેગેટિવ આવી ત્યાર બાદ પૂર્ણપણે સ્વસ્થ થયા બાદ શનિવારે મને રજા આપવામાં આવી હતી. ઘરે આવ્યો ત્યારે ઘરના સભ્યોએ અને પાડોશીઓ તથા મિત્રોએ ઘંટ વગાડીને મારું સ્વાગત કર્યું જેનાથી હું બહુ ભાવુક થઈ ગયો હતો. હું એટલું ચોક્કસ કહીશ કે ઘરમાં રહો, સેફ રહો. સોશ્યલ ડિસ્ટન્સિંગનું અને સરકારી નિયમોનું પાલન કરો. આપણા બધા માટે એ બહુ જ જરૂરી છે.’

mumbai mumbai news nalasopara coronavirus covid19