કોરોના વાઇરસ : આકાશ પાઠકે ચીનમાં 26 દિવસથી ઘરમાં ફસાયાનો વીડિયો મોકલ્યો

16 February, 2020 08:11 AM IST  |  | Prakash Bambhrolia

કોરોના વાઇરસ : આકાશ પાઠકે ચીનમાં 26 દિવસથી ઘરમાં ફસાયાનો વીડિયો મોકલ્યો

આકાશ પાઠક

કોરોના વાઇરસને લીધે મીરા રોડની સોનાલી ઠક્કર જપાનમાં ક્રૂઝમાં અટવાઈ ગઈ હોવાના સમાચાર મળ્યા બાદ મીરા-ભાઈંદરમાં રહેતો એક યુવક ચીનમાં ફસાયો હોવાનું જાણવા મળ્યું છે. ચીનની યુનિવર્સિટીમાં પ્રોજેક્ટ-મૅનેજર તરીકે ૧૦ વર્ષથી કામ કરતો આકાશ પાઠક ૨૬ દિવસથી એક રૂમમાં બંધ છે. તેણે પોતાને બચાવવા માટેની અપીલ કરતો વીડિયો મોકલ્યો છે, જેમાં તે તદ્દન ભાંગી પડ્યો હોવાનું જણાય છે.

મીરા-ભાઈંદરમાં રહેતા આકાશ પાઠકે મોકલેલા વીડિયોમાં તે કહે છે કે ‘૨૬ દિવસથી હું કોરોના વાઇરસ જ્યાં ફેલાયો છે એ વુહાન શહેર નજીકના હેલાન્સ પ્રોવિન્સ નામના વિસ્તારમાં આવેલા મારા ઘરમાં બંધ છું. ચીનની યુનિવર્સિટીમાં ૧૦ વર્ષથી હું પ્રોજેક્ટ-મૅનેજર તરીકે કામ કરું છું. આસપાસના ૨૦૦૦ લોકોને વાઇરસનું ઇન્ફેક્શન લાગ્યું છે અને ૬૦ જેટલા લોકોનાં મૃત્યુ થવાથી આખો વિસ્તાર સરકારે સીલ કરી દીધો છે.’

વિડિયોમાં આકાશ બહારનાં દૃશ્યો બતાવતાં કહે છે કે ‘અહીં ૭ દિવસથી કોઈ વ્યક્તિની અવરજવર નથી જોવા મળી. આખો વિસ્તાર સૂમસામ અને ભેંકાર બની ગયો છે. લાંબા સમયથી સોસાયટીમાં વાહનો પણ એમનેમ પડ્યાં છે.’

વિડિયોમાં આકાશની માનસિક સ્થિતિ ખૂબ ખરાબ હોવાનું જણાય છે. તે વાત કરતી વખતે ખૂબ ડરેલો અને ભયભીત હોવાનું જણાય છે. આકાશ ભારત સરકારને અપીલ કરે છે કે ‘જલદીથી મને અહીંથી બહાર નહીં કઢાય તો મારો પણ થોડા સમયમાં અંત આવી જશે.’

આકાશે પોતાના પરિવારજનો મીરા-ભાઈંદરમાં ક્યાં રહે છે એ વિશે વીડિયોમાં કાંઈ જ નથી કહ્યું એટલે તેમનો સંપર્ક કરવો મુશ્કેલ છે.

mira road coronavirus mumbai news china prakash bambhrolia