મુંબઈ ​: સ્ટ્રીટ ડૉગીઓના જીવ બચાવવા માટે સાવ અનોખી પહેલ કરાઈ

02 October, 2020 09:55 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ ​: સ્ટ્રીટ ડૉગીઓના જીવ બચાવવા માટે સાવ અનોખી પહેલ કરાઈ

માટુંગામાં એક કૂતરાને ફ્લોરેસન્ટ બેલ્ટ બાંધી રહેલા વિનય ગઠાણી.

શહેર અને ઉપનગરોમાં રાતના સમયે રસ્તે રખડતા અને રઝળતા કૂતરાઓના વાહન અકસ્માતમાં જાન ગુમાવવાના બનાવો સામાન્ય બની ગયા છે. આ બનાવો પર નિયંત્રણ આવે અને મૂંગા જીવો અકસ્માતમાં એમના જાન ન ગુમાવે એવા અનોખા ઉદ્દેશ સાથે માટુંગાની સમાજપ્રેમી અને પશુપ્રેમી બિનસરકારી સંસ્થા વિનય ગઠાણી ફાઉન્ડેશન તરફથી કૂતરાઓ માટે ફ્લોરેસન્ટ બેલ્ટ બનાવવામાં આવ્યા છે. આ ફાઉન્ડેશન તરફથી સાયન, માટુંગા, દાદર, વડાલાના વિસ્તારોના સ્ટ્રીટ ડૉગને અકસ્માતથી બચાવવા માટે બેલ્ટ બાંધવાની સોમવારથી પહેલ કરવામાં આવી છે.

ફાઉન્ડેશનના ટ્રસ્ટી વિનય ગઠાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક સર્વેમાં જોવા મળ્યું છે કે રાતના સમયે અંધારા કે ઓછા પ્રકાશને કારણે અનેક કૂતરાઓનાં માર્ગ અકસ્માતમાં મોત થાય છે. આ દૃશ્ય અત્યંત કરુણાજનક હોય છે. આ જોઈને મને વિચાર આવ્યો કે જો આ કૂતરાઓના ગળામાં ફ્લોરેસન્ટ બેલ્ટ બાંધવામાં આવે તો ડ્રાઇવરો કાર-લાઇટમાં આ કૂતરાઓને રસ્તામાં સૂતા કે ફરતા જોઈ શકે, જેનાથી તેઓ અકસ્માતમાંથી કૂતરાઓને બચાવી શકે. બે દિવસમાં માટુંગા અને માટુંગા ન્યુ કફ પરેડ રોડ પર અમે ૪૫થી વધુ કૂતરાઓને આ બેલ્ટ બાંધ્યા છે. અમારો પ્રોજેક્ટ ૨૦૦થી વધુ કૂતરાઓને બેલ્ટ બાંધવાનો છે.’

mumbai mumbai news matunga