દાદર સ્ટેશને ગુજરાતીનો જીવ બચાવ્યો ટિકિટચેકરે

04 January, 2020 02:46 PM IST  |  Mumbai

દાદર સ્ટેશને ગુજરાતીનો જીવ બચાવ્યો ટિકિટચેકરે

ટીસી બાળુ સુપેએ મોહન પરમારનો જીવ બચાવ્યો હતો.

દાદર રેલવે સ્ટેશન પર ૧૨૧૨૫ પ્રગતિ એક્સપ્રેસમાં મોહન પરમાર નામના ગુજરાતીનાં ૭૩ વર્ષનાં પત્ની સાવિત્રી પરમારનું સી-વન ૨૬માં દાદરથી પુણે જવા માટે રિઝર્વેશન હતું. મોહન પરમાર પત્નીનું લગેજ કોચમાં મૂકવા માટે ચડ્યા હતા અને સામાન મૂકીને તેઓ ટ્રેનમાંથી ઊતરી રહ્યા હતા ત્યારે અચાનક ટ્રેન ચાલુ થઈ જતાં તેમનું બૅલૅન્સ રહ્યું નહોતું. તેઓ અંદર આવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા એવા અઘરા સમયે ટીટીઆઇ (ટ્રાવેલિંગ ટિકિટ ઇન્સ્પેક્ટર) બાળુ શાંતારામ સુપેએ હિંમત દેખાડીને તાત્કાલિક ગેટ પર દોડી ગયા અને ગંભીર અવસ્થામાં ઊભેલી વ્યક્તિને અંદર ખેંચી લીધી હતી. ટીસીની સમયસૂચકતા અને હિંમતને કારણે ભયાનક અકસ્માત ટળ્યો હતો અને એ વ્યક્તિનો જીવ તેમણે બચાવી લીધો હતો. એ વ્યક્તિ રાહતનો શ્વાસ લઈ ટીસીને ગળે મળી ગઈ હતી અને તેમનો આભાર માન્યો હતો.

આ વિશે સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર એ. કે. જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટીસી દ્વારા સમય પર સાવચેતી દાખવતાં એ વ્યક્તિનો જીવ બચી ગયો છે. તેમને રિવૉર્ડ મળે એવા પ્રયાસ કરી રહ્યા છીએ. તેમની આ હિંમત વિશે ટ્વિટર પર પણ પૉઝિટિવ પ્રતિસાદ મળી રહ્યો છે.’

ટીસી બાળુ સુપેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હું ટ્રેનમાં હતો અને મેં તેમને દરવાજા પાસે સંઘર્ષ કરતા જોતાં તેમને ખેંચીને અંદર લીધા હોવાથી અકસ્માત ટળ્યો હતો. ત્યાર બાદ તેમને સેફલી થાણે સ્ટેશન પર ઊતરવા દીધા હતા.’

mumbai news mumbai indian railways mumbai trains