મુંબઈ : 80 હજારને બદલે 80 કરોડનું લાઇટ બિલ

24 February, 2021 09:16 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

મુંબઈ : 80 હજારને બદલે 80 કરોડનું લાઇટ બિલ

80 કરોડનું લાઇટ બિલ

નાલાસાપોરાની એક કૉલેજનાં પ્રોફેસર પ્રતિભા નાઈકને તેમના જીવનનો એક મોટો શૉક ત્યારે મળ્યો જ્યારે તેમને એમએસઈડીસીએલ દ્વારા અધધધ ૮૦ કરોડ રૂપિયાનું ઇલેક્ટ્રિસિટી બિલ મળ્યું હતું. તેમને ૧૦,૭૭,૮૫,૦૭૫ યુનિટના કન્ઝમ્પ્શન સામે એટલું બિલ a હતું. તેઓ એમએસઈડીસીએલનું આ બિલ મળવા પહેલાં જ આઘાતમાં સરી પડેલા, કારણ કે તેમના પતિ સતીશ નાઈકનું ૩ મહિના પહેલાં જ મૃત્યુ થયું હતું. એમાં આ બિલે તેમને વધુ આઘાત આપ્યો હતો. જોકે એમએસઈડીસીએલએ પોતાની ભૂલ સ્વીકારી છે અને ક્લર્કને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

પ્રતિભા નાઈકે આ વિશે જણાવ્યું હતું કે ‘અમારો પરિવાર રાઇસ મિલ ચલાવતો હતો અને એ ઘણા વખત પહેલાં બંધ થઈ ગઈ છે. મારા પતિની તબિયત ખરાબ હોવાથી એ પ્રિમાઇસિસને કૉન્ટ્રૅક્ટ પર આપી હતી. હું મારાં ૧૮ વર્ષનાં બે બાળકો સહિત ૮૦ વર્ષના સસરા સાથે રહું છું. ઘણી હિંમત કરીને મેં બિલ મળ્યા બાદ એમએસઈડીસીએલને બિલ વિશે ફરિયાદ કરી હતી. પહેલાં તો એમએસઈડીસીએલ ઑથોરિટીએ મને ૮૦ કરોડ રૂપિયાનું બિલ ભરવા જણાવ્યું હતું, પરંતુ મેં એ ભરવાની ના પાડી અને ન્યાય કરવાની માગણી કરી હતી. મને એ પણ ચિંતા હતી કે એમએસઈડીસીએલ મારો પાવર સપ્લાય કાપી ન કાઢે. મીટરની તપાસ કર્યા બાદ કરેક્શન કરીને જે રકમ ભરવાની હશે એ આપવા પણ હું તૈયાર હતી.’

એમએસઈડીસીએલના કલ્યાણના પ્રવક્તા વિજયસિંહ દૂધભાતેએ જણાવ્યું હતું કે ‘આ એક ટેક્નિકલ એરર છે. અમે ગ્રાહકોના મીટરના રીડિંગ માટે પ્રાઇવેટ એન્જસીને કૉન્ટ્રૅક્ટ આપ્યો છે. એ આવ્યા બાદ અમે બિલનું ફાઇનલ પ્રિન્ટ-આઉટ આપીએ છીએ. આ ગ્રાહકે હકીકતમાં ૧,૦૭,૭૮૪.૭૫ યુનિટ્સ જ કન્ઝ્યુમ કર્યા હતા, પરંતુ દીપેન્દ્ર શિંદેઅે ભૂલથી ૧૦,૭૭,૮૫,૦૭૫ યુનિટ્સ એન્ટર કરી દીધા હોવાથી ૮૦ કરોડ રૂપિયાનું બિલ આવ્યું હતું. આ સંદર્ભે તપાસ કરીને અમે દીપેન્દ્ર શિંદેને સસ્પેન્ડ કર્યો છે તેમ જ સંબંધિતોને શો-કૉઝ નોટિસ પણ ફટકારી છે. આ ઉપરાંત અમે નાલાસોપારા પોલીસ-સ્ટેશનમાં કૉન્ટ્રૅક્ટ આપેલી પ્રાઇવેટ એન્જસી સામે ફરિયાદ નોંધાવવાના છીએ. ગ્રાહકનું કરેક્ટ બિલ ૮૬,૮૯૦ રૂપિયા છે. ગ્રાહકને બિલ આપી દીધું છે અને તેઓ એ ભરવા તૈયાર પણ છે. અમે તેમને દિલગીરી વ્યક્ત પણ કરી છે.’

mumbai mumbai news nalasopara preeti khuman-thakur