મુંબઈઃ લગ્નમંડપમાં બેસવાની જગ્યાએ દુલ્હો પહોંચ્યો જેલમાં

14 February, 2019 01:09 PM IST  |  મુંબઈ

મુંબઈઃ લગ્નમંડપમાં બેસવાની જગ્યાએ દુલ્હો પહોંચ્યો જેલમાં

મોબાઈલ ચોર ફિરોઝ અન્સારી

પોતાના લગ્નની પત્રિકા વહેંચવા આવેલો દુલ્હો લગ્નના મંડપની જગ્યાએ થાણે સેન્ટ્રલ જેલમાં પહોંચી ગયો છે. ભિવંડીમાં રહેતો ૩૪ વર્ષનો ફિરોઝ અન્સારી નામનો મોબાઇલચોર વસઈમાં પોતાની બહેનને ત્યાં લગ્નની પત્રિકા આપવા ગયો હતો. બહેનને ત્યાંથી તે મિત્ર અને સંબંધીને મળવા માટે વસઈના વાલિવ વિસ્તારમાં ગયો હતો. વાલિવ પહોંચ્યા બાદ તેણે રસ્તા પરથી જતી એક વ્યક્તિના હાથમાંથી મોબાઇલ છીંનવ્યો અને ભાગી રહ્યો હતો ત્યારે તે પકડાઈ ગયો અને લોકોએ તેને પોલીસના હાથમાં સોંપી દીધો હતો. ઉલ્લેખનીય છે કે ફિરોઝના ૧૦ ફેબ્રુઆરી એટલે કે રવિવારે લગ્ન હતાં, પરંતુ તે હાલમાં જેલની હવા ખાઈ રહ્યો છે.
આ વિશે વાલિવ પોલીસે આપેલી માહિતી મુજબ પત્રિકા આપવા આવ્યો ત્યારે ફિરોઝ રસ્તા પર જતી એક વ્યક્તિને ધક્કો મારીને તેના હાથમાંથી મોબાઇલ છીનવીને ભાગવા લાગ્યો હતો, પરંતુ મોબાઇલ ચોરાતાં એ વ્યક્તિ બૂમો પાડવા લાગી હતી. એથી રસ્તા પર ઉપસ્થિત લોકો અને મોબાઇલનો માલિક ભાગવા લાગ્યા હતા અને ચોરને પકડવામાં સફળ રહ્યા હતા.

આ પણ વાંચોઃ સ્ટુડન્ટ્સને આપવામાં આવતી આકરી સજાનો વિરોધ કરનાર ટીચરની હકાલપટ્ટી

લોકોએ મોબાઇલચોરને પકડીને વાલિવ પોલીસને સોંપ્યો હતો. એથી વસઈની વાલિવ પોલીસે ચોરના વિરોધમાં ગુનો નોંધીને વસઈ કોર્ટમાં હાજર કરતાં ર્કોટે તેને બે દિવસની પોલીસ-કસ્ટડીનો આદેશ આપ્યો હતો. એથી આરોપી લગ્ન કરવાને બદલે થાણે સેન્ટ્રલ જેલમાં પહોંચી ગયો છે. આરોપી સામે ભિવંડી પોલીસ-સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાયેલી છે.

mumbai news Crime News