અડપલું કરનાર વિકૃતનો દાદરથી અંધેરી ટ્રેનમાં પીછો કરીને કૉલરથી પકડ્યો

02 December, 2019 08:52 AM IST  |  Mumbai | Faizan Khan

અડપલું કરનાર વિકૃતનો દાદરથી અંધેરી ટ્રેનમાં પીછો કરીને કૉલરથી પકડ્યો

મહિલાએ અડપલું કરનાર પકડી પાડ્યો

અન્યોને મદદરૂપ થવા માટે ખ્યાતિ ધરાવતા મુંબઈ શહેરની લોકલ ટ્રેનમાં અડપલાં કરતા પુરુષને પકડીને પોલીસને હવાલે કરવા બોરીવલી ફાસ્ટ ટ્રેનમાં દાદરથી અંધેરી સુધી એકલી દોડેલી મહિલાને મદદ કરવા માટે કોઈ આગળ આવ્યું નહોતું. શનિવારે રાતે દાદર રેલવે સ્ટેશન પર અણછાજતી હરકત કરતો પુરુષ મહિલાના રોષથી બચવા માટે બોરીવલીની ફાસ્ટ ટ્રેનના જેન્ટ્સ કમ્પાર્ટમેન્ટમાં ચડ્યો હતો, પરંતુ મહિલાએ જેન્ટ્સ કમ્પાર્ટમેન્ટમાં ચડીને ભીડ વચ્ચે માર્ગ કાઢીને તેને કૉલરથી પકડ્યો હતો અને અંધેરી સ્ટેશન આવતાં તેને પોલીસને સોંપી દીધો હતો. એ ગુના બાબતે નવી મુંબઈની મેડિકલ કૉલેજના ૩૨ વર્ષના વિદ્યાર્થી અને પ્રભાદેવીના રહેવાસી જાવેદ જાન શહાની રેલવે પોલીસે ધરપકડ કરી છે.
ફરિયાદી મહિલાએ ઘટનાનું વર્ણન કરતાં જણાવ્યું હતું કે ‘શનિવારે રાતે ૧૧ વાગ્યે હું દાદર રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ૩ના લેડીઝ ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટ તરફ જતી હતી. હંમેશ મુજબ લોકોની ભીડ હતી. અચાનક કોઈકે મારા બે પગની વચ્ચે હાથ નાખ્યો. મેં તેને કોણીથી માર્યો અને પાછળ ફરી ત્યારે એ માણસ નાસી જવાનો પ્રયત્ન કરતો હતો. મેં પાછળ દોડીને તેને કૉલરથી ઝાલ્યો હતો. એ વખતે સ્ટેશન પર બોરીવલી ફાસ્ટ ટ્રેન રવાનગીની તૈયારીમાં ઊભી હતી. મેં કૉલર પકડ્યો હોવા છતાં તે વિકૃત માણસ જેમ-તેમ કરીને ટ્રેનના જનરલ જેન્ટ્સ કમ્પાર્ટમેન્ટમાં ઘૂસી ગયો હતો. હું તેને છોડવા ઇચ્છતી નહોતી એટલે તેની પાછળ એ જ કમ્પાર્ટમેન્ટમાં ચડી ગઈ હતી. ટ્રેનમાં હું તેનો કૉલર પકડીને કહેતી હતી અને તેની ઇરાદાપૂર્વકની હરકત માટે મોટા અવાજમાં સવાલ પૂછતી હતી. એ સાંભળતા અને અમને જોતા લોકોમાંથી કોઈ પણ મને મદદ કરવા આવ્યું નહોતું. એકાદ જણ તો ‘ઉસ કા કૉલર દુખ રહા હૈ’ કહીને તેની તરફ સહાનુભૂતિ દર્શાવતો હતો. મેં તેને કહ્યું કે આની ગુસ્તાખી તમે જાણતા નથી અને મદદ કરી ન શકતા હો તો મોઢું બંધ રાખો. એ વખતે આરોપી મને પગે લાગીને માફી માગવા માંડ્યો હતો. હું મદદ માગતી હતી, પરંતુ કોઈ મને મદદ કરતું નહોતું. કોઈએ પેલી સંકટ સમયની સાંકળ ન ખેંચી. ફાસ્ટ ટ્રેન બાંદરા સ્ટેશન પહોંચી ત્યારે કોઈ પોલીસનો જવાન ન દેખાયો. અંધેરી સ્ટેશને ટ્રેન પહોંચી ત્યારે કમ્પાર્ટમેન્ટના દરવાજે ઊભેલા માણસે બહાર પોલીસ જવાનોને જોયા. તેમને બોલાવ્યા ત્યારે એમાં એક મહિલા કૉન્સ્ટેબલ પણ હતી. પહેલાં પોલીસે કાયદાનાં બહાનાં બતાવીને એફઆઇઆર નોંધવાની આનાકાની કરી હતી, પરંતુ હું વકીલ છું એવું કહ્યું ત્યારે અંધેરી રેલવે પોલીસ સ્ટેશને કેસ નોંધીને મુંબઈ સેન્ટ્રલ ગવર્નમેન્ટ રેલવે પોલીસને સોંપ્યો હતો.’

mumbai mumbai local train dadar