મુંબઈ: સોશિયલ મીડિયા પર પોલીસની નજર છે

20 March, 2019 12:22 PM IST  |  મુંબઈ

મુંબઈ: સોશિયલ મીડિયા પર પોલીસની નજર છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ અને પાલઘરમાં આગામી ૨૯ એપ્રિલે લોકસભાની ચૂંટણીનું મતદાન થનાર છે. એ પહેલાં મુંબઈ પોલીસે લગભગ ૫૦૦૦ આરોપીઓનું એક લિસ્ટ બનાવ્યું છે જેની ઘરપકડ થયા બાદ હાલમાં જામીન પર બહાર છે. ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીના જણાવ્યા અનુસાર આવું એટલા માટે કરવામાં આવ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ રીતે થઈ શકે.

બીજી તરફ પાલઘર જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ગૌરવ સિંહે સોશ્યલ મીડિયા પર મેસેજ ફૉર્વર્ડ કરતાં પહેલાં ધ્યાન રાખવાની નાગરિકોને અપીલ કરતાં કહ્યું છે કે રાજકીય નેતાઓ, સમાજ વિશે ઘસાતું લખતા સંદેશા, વિડિયો, ઇમેજીસ સોશ્યલ મીડિયા પર લખવા કે વાઇરલ કરવો એ ગુનો છે અને પોલીસ આવાં તત્વો પર નજર રાખી રહી છે.

આગામી લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ ગઈ છે જેથી જાહેર જનતાને આ મામલે સચેત રહેવા અપીલ કરવામાં આવે છે.

મુંબઈમાં હાલમાં જામીન પર હજારો લોકો બહાર છે પણ એમાંથી ખાસ પ્રકારના ગુનેગારોનો ચૂંટણી દરમ્યાન રાજકીય પક્ષના નેતાઓ ઉપયોગ કરે છે એથી પોલીસે એક લિસ્ટ બનાવ્યું છે અને આવાં તત્વો પર નજર રાખવામાં આવી રહી છે. આવી જ રીતે મુંબઈ પોલીસ સોશ્યલ મીડિયા પર વાઇરલ કરવામાં આવતા સંદેશાઓ પર પણ નજર રાખી રહી છે અને વાંધાજનક પોસ્ટ ફૉર્વર્ડ કરનારા પર કાર્યવાહી થઈ શકે છે એવી ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.

mumbai news Lok Sabha