મુંબઈઃ ચૉકલેટ, બિસ્કિટનાં પૅકેટ્સ લઈને ખાતા હો તો ચેતી જજો

01 January, 2021 09:45 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

મુંબઈઃ ચૉકલેટ, બિસ્કિટનાં પૅકેટ્સ લઈને ખાતા હો તો ચેતી જજો

ચૉકલેટ, બિસ્કિટ ઉપરાંત આજકાલના યંગસ્ટરોને સૌથી વધારે ભાવતા પીત્ઝા, પાસ્તા, ફ્રેન્ચ ફ્રાઇઝ જેવી આઇટમોમાં વપરાતાં ગ્રીન ઑલિવ્સ અને પેરી-પેરીનાં એક્સપાયરી ડેટવાળાં પૅકેટ પણ લોકોને પધરાવીને આરોપી તેમનું સ્વાસ્થ્ય જોખમમાં નાખતો હતો.

આજકાલના યંગસ્ટર્સમાં પીત્ઝા, પાસ્તા અને એવી અન્ય ફૂડ આઇટમ્સ ખાવાનો ચટાકો છે. વળી હાલ લૉકડાઉનના કારણે બહાર ખાવા જવાના બદલે એ આઇટમો હવે લોકો ઘરમાં જ બનાવવા માંડ્યા છે. ત્યારે એમાં વપરાતા ઇન્ગ્રિટડયન્ટ્સ જેવાં કે ગ્રીન ઑલિવ, પેરી-પેરી અને અન્ય આઇટમો દુકાનમાં રેડીમેડ મળે છે. હવે જો એવી આઇટમ લેવા જવાના હો તો એના પર એક્સપાયરી ડેટ છે કે નહીં એ જરૂર ચેક કરજો, કારણ કે થોડો વધુ નફો કમાવવા કોઈ તમને એક્સપાયરી ડેટ નીકળી ગઈ હોય એવાં ફૂડ પૅકેટ, બૉટલ્સ તમને પધરાવી શકે છે. મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગે ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ) સાથે છાપો મારી આવી અનેક આઇટમોનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. આ રૅકેટ કેટલું વ્યાપક છે એની તપાસ પોલીસ કરી રહી છે. ફૂડ આઇટમ્સનો આ જથ્થો પકડી પાડનાર ક્રાઇમ બ્રાન્ચની સીબી કન્ટ્રોલ બ્રાન્ચના પોલીસ-ઇન્સ્પેક્ટર નીતિન પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અંધેરી (વેસ્ટ)ના કામા રોડ પર આવેલી ગ્રોસરીની દુકાન પર બુધવારે એફડીએના અધિકારીને સાથે રાખી અમે છાપો માર્યો હતો. દુકાનમાંથી અને એની ઉપરના ગોડાઉનમાંથી અનેક આઇટમો એક્સપાયરી ડેટ વગરની મળી આવી હતી. દુકાનના માલિક મુસ્તકિ શેખ યુસુફની પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો. તે ડિસ્ટ્રિબ્યુટર અને ડીલર પાસેથી એક્સપાયરીને એકાદ મહિનો જ બાકી હોય એવો માલ હેવી ડિસ્કાઉન્ટમાં જથ્થાબંધ ખરીદી લેતો અને ગોડાઉનમાં સ્ટૉક કરી રાખતો. ત્યાર બાદ જે ફૂડ આઇટમ્સની એક્સપાયરી ડેટ નીકળી ગઈ હોય એ પૅકેટ કે બૉટલ પરથી થિનરનો ઉપયોગ કરી એક્સપાયરી ડેટ કાઢી નાખતો. પછી ધીમે-ધીમે એ બધો જ માલ એમઆરપી પર વેચતો, જેના કારણે તેને વધારે નફો થતો. તેની પાસેથી એક-બે વર્ષ પહેલાં જ એક્સપાયરી ડેટ નીકળી ગઈ હોય એવી આઇટમો પણ મળી આવી છે. આવી આઇટમો ખાવાથી લોકોના સ્વાસ્થ્ય પર એની અવળી અસર પડતી હોવાથી અમે એની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. મુંબઈમાં હજારોની સંખ્યામાં કરિયાણાની દુકાન હોવાથી આરોપીની સાથે કોઈ સંકળાયેલું છે કે નહીં એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ.’

ચૉકલેટ, બિસ્કિટ ઉપરાંત આજકાલના યંગસ્ટરોને સૌથી વધારે ભાવતા પીત્ઝા, પાસ્તા, ફ્રેન્ચ ફ્રાઇઝ જેવી આઇટમોમાં વપરાતાં ગ્રીન ઑલિવ્સ અને પેરી-પેરીનાં એક્સપાયરી ડેટવાળાં પૅકેટ પણ લોકોને પધરાવીને આરોપી તેમનું સ્વાસ્થ્ય જોખમમાં નાખતો હતો.

પકડાયેલી આઇટમોની યાદી
બિસ્કિટ, ચૉકલેટ વેફર બાર,
કૉફી મિલ્કશેક,
પેરી પેરી (સ્પાઇસ મિક્સ મસાલા),
હોલ ગ્રીન ઑલિવ્સ,
પ્રીમિયમ બટરમિલ્ક,
પેપર બોટ

mumbai mumbai news coronavirus covid19