મુંબઈ : બિલ નહીં ભરો તો લાઇટનાં કનેક્શન હવે નહીં કપાય

03 March, 2021 08:56 AM IST  |  Mumbai | Mid-day Correspondent

મુંબઈ : બિલ નહીં ભરો તો લાઇટનાં કનેક્શન હવે નહીં કપાય

દેવેન્દ્ર ફડણવીસ

લૉકડાઉન વખતે રાજ્ય સરકારના ઊર્જાપ્રધાને જાહેરાત કરી હતી કે જે લોકોનાં વીજળીનાં બિલ વધારે આવ્યાં છે એ બધાને રાહત આપવામાં આવશે, પણ તેમણે એવું ન કરતાં વિરોધ પક્ષોએ આ મુદ્દા પર ઘણી વાર વિરોધ-પ્રદર્શન કર્યું છે. આમ છતાં છેલ્લા એકાદ મહિનાથી જે લોકોએ લાઇટ-બિલ નથી ભર્યાં એવા લોકોનાં કનેક્શન કાપવાનું સરકારે શરૂ કર્યું હોવાથી ગઈ કાલે વિધાનસભામાં આ મુદ્દો વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે ઉપાડ્યો હતો અને સરકારને લોકોની લાઇટનાં કનેક્શન ન કાપવાનું આહ્‍વાન કરવામાં આવ્યું હતું. દેવેન્દ્ર ફડણવીસના સંબોધનના ઉત્તરમાં રાજ્યના નાયબ મુખ્ય પધાન અજિત પવારે કહ્યું હતું કે ‘હાલમાં વીજળીનાં જે કનેક્શન કાપવામાં આવી રહ્યાં છે એ કાપવાનું તત્કાળ અટકાવી દેવામાં આવશે. આ બાબતે વિધાનસભામાં ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે.’

જોકે ત્યાર બાદ વિરોધ પક્ષના નેતાએ સરકારનો આભાર માનતાં જે લોકોનાં કનેક્શન પહેલાં જ કાપી નાખવામાં આવ્યાં છે એ પાછાં જોડવામાં આવે એવી માગણી કરી હતી.

આ પહેલાં ગઈ કાલે વિધાનસભામાં પણ બીજેપીએ આક્રમકતા દાખવી હતી. બીજેપીના વિધાનસભ્યોએ પહેલાં તો હાથમાં પ્લેકાર્ડ લઈને વિધાનસભાના ગેટ પર જ ધરણાં કરી વિરોધ-પ્રદર્શન કર્યું હતું. ત્યાર બાદ હાઉસમાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળ બીજેપીના વિધાનસભ્યો ચંદ્રકાન્ત પાટીલ, અતુલ ભાતખળકર, આશિષ શેલાર, પ્રવીણ દરેકરે આક્રમક રજૂઆત કરી હતી. જ્યારે રામદાસ સાતપુતે તો શરીર પર વીજળીના બલ્બ અને વીજ પમ્પ લઈને આવ્યા હતા. ઉશ્કેરાઈ ગયેલા સાતપુતેએ તો ત્યાં સુધી કહ્યું હતું કે જો વીજળીનાં બિલ ઓછાં નહીં કરો તો આ પમ્પ જ સરકારના માથે મારીશું.

વિધાનસભામાં દેવેન્દ્ર ફડણવીસની ફટકાબાજી

વીજ-બિલ સિવાયના મુદ્દા પર પણ ગઈ કાલે દેવેન્દ્ર ફડણવીસે સરકારને આડેહાથ લીધી હતી. તેમણે જુદા-જુદા મુદ્દાઓ પર કરેલી ફટકાબાજી વાંચો તેમના જ શબ્દોમાં...

ફેસબુક લાઇવમાં મગ્ન આ સરકારના મુખ્ય પ્રધાને ૨૧ ફેબ્રુઆરીએ સંબોધનમાં કહ્યું કે મારો અવાજ તમારા સુધી પહોંચે છે, પણ તમારો અવાજ મારા સુધી નથી પહોંચતો. છેલ્લા સવા વર્ષથી અમે તમને એ જ કહેવાની કોશિશ કરી રહ્યા છીએ કે લોકોનો અવાજ તમારા સુધી નથી પહોંચતો.

જો આ સરકારે કોરોનાના સંકટને બરાબર હૅન્ડલ કર્યું હોત તો દરદીઓની સંખ્યા અત્યારે છે એના કરતાં ૯,૫૫,૦૦૦ ઓછી હોત અને ૩૦,૯૦૦ લોકોનાં મૃત્યુ ન થયાં હોત.

પૂજા ચવાણ કેસમાં જેટલા પુરાવા છે એટલા પુરાવા તો કોઈ કેસમાં નહીં હોય. કોઈની ફરિયાદ નથી એટલે કેસ રજિસ્ટર નથી થઈ રહ્યો એવું કોણ કહી રહ્યું છે એ તો જુઓ. જ્યારે કોઈ પણ કેસ ચાલે ત્યારે એ રાજ્ય વિરુદ્ધ આરોપી હોય છે.

મંદિરોમાં કોરોના, શિવજયંતી ઊજવવામાં કોરોના, પણ વરલીમાં સવાર સુધી કોના આશીર્વાદથી પબ અને બાર ચાલે છે? શું ત્યાં કોરોના નથી આવતો?

મેટ્રોનો પ્રશ્ન તમારો કે મારો નથી, એ મુદ્દો મુંબઈકરનો છે. જે મેટ્રો આ વર્ષે મળવાની હતી એ હવે આગામી ચાર વર્ષ સુધી નહીં મળે. અમારા પર ગુસ્સો કાઢો, પણ મુંબઈગરા પર અન્યાય તો નહીં કરો. મારી તમને નમ્ર વિનંતી છે.

કોરોના-ટેસ્ટ નહોતી કરાવી એટલે રાજ ઠાકરે વિધાનભવન ન ગયા

ગઈ કાલે આ જ મુદ્દા પર રાજ ઠાકરે વિધાનભવનમાં આવીને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મળવાના હતા, પણ વિધાનભવનમાં એન્ટ્રી માટે કોરોના-ટેસ્ટ કરાવવી ફરજિયાત હોવાથી તેમણે પોતાનો આ કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો. નોંધવા જેવી વાત એ છે કે રાજ ઠાકરે જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી માસ્ક પહેરતા નથી. એ માટે એક વાર તેમને દંડ પણ કરવામાં આવ્યો છે. જોકે ગયા અઠવાડિયે મરાઠી ભાષા દિન નિમિત્તે એમએનએસે દાદરના શિવાજી પાર્કમાં રાખેલા એક કાર્યક્રમમાં પત્રકારે જ્યારે તેમને પૂછ્યું હતું કે તમે માસ્ક નથી પહેર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે હું માસ્ક નથી પહેરતો અને તમને પણ એ જ કરવાનું કહું છું.

mumbai mumbai news devendra fadnavis lockdown coronavirus covid19