મુંબઈ બાગના આંદોલનકારીઓનો પોલીસ પર અત્યાચારનો આરોપ

08 March, 2020 05:46 PM IST  |  Mumbai Desk | Vishal singh

મુંબઈ બાગના આંદોલનકારીઓનો પોલીસ પર અત્યાચારનો આરોપ

મારઝૂડ કરતાં સાત મહિલાને ઈજા

દક્ષિણ મુંબઈના નાગપાડા વિસ્તારમાં નાગરિકતા કાયદા સામે વિરોધ-પ્રદર્શન કરતા મુંબઈ બાગના આંદોલનકારીઓએ સ્થા‌િનક પોલીસ અત્યાચાર કરતી હોવાનો આરોપ મૂક્યો હતો. મુંબઈ પોલીસના ટોચના અમલદારો આંદોલનકારીઓની ફરિયાદની તપાસ કરી રહ્યા છે. આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે વિરોધ-પ્રદર્શનના સ્થળે બાંધેલા ટેમ્પરરી શેડ સામે પોલીસે વાંધો ઉઠાવ્યો હતો. ગુરુવારે પોલીસની ટેમ્પરરી શેડ હટાવવાની કાર્યવાહી દરમ્યાન પોલીસની મારઝૂડમાં સાત મહિલાઓ ઘાયલ થઈ હતી. તે મહિલાઓને મુંબઈ સેન્ટ્રલની નાયર હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. 

ગઈ ૨૬ જાન્યુઆરીથી નાગપાડાના મોરલૅન્ડ રોડ પર નાગરિકતા કાયદા અને નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ સામે વિરોધ-પ્રદર્શન કરે છે. તે આંદોલનકારીઓમાંથી એક ગુડ્ડી શામલા લાલતા પ્રસાદે જણાવ્યું હતું કે ‘શુક્રવારે સાંજે ૫.૩૦ વાગ્યે કેટલાક આંદોલનકારીઓએ તડકાથી બચવા માટે ટેમ્પરરી શેડ બાંધવાનો પ્રયાસ કર્યો ત્યારે હાજર પોલીસ જવાનોએ એ શેડ હટાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર પછી પોલીસ આંદોલનકારીઓની મારઝૂડ કરવા માંડી હતી.’

આંદોલનકારીઓએ બેફામ વર્તન કરનારા પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવીને તેમની વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવાની માગણી કરી છે. મુંબઈ પોલીસના ઉચ્ચ અમલદારોએ એ ઘટના બાબતે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી શરૂ કરી છે. આંદોલનકારીઓની સિનિયર ઇન્સ્પેક્ટર શાલિની શર્માને હાલની ડ્યુટી પરથી હટાવવાની માગણી પણ વરિષ્ઠ અમલદારોએ માન્ય રાખી હતી. તપાસ પૂરી થાય ત્યાં સુધી શાલિની શર્માને મુંબઈ બાગની ડ્યુટીથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી હતી.

મુંબઈ પોલીસના પ્રવક્તા નાયબ પોલીસ કમિશનર પ્રણય અશોકે જણાવ્યું હતું કે ‘નાગપાડાના મોરલૅન્ડ રોડ પર બેઠેલા આંદોલનકારીઓ શેડ તરીકે ગ્રીન નેટ લગાવતા હતા. પોલીસે એની સામે વાંધો ઉઠાવીને એ નેટ કાઢી નાખી હતી. આંદોલનકારીઓએ પોલીસ સામે અતિશય બળપ્રયોગની ફરિયાદ કરી હતી. એ ફરિયાદની નોંધ લઈને વરિષ્ઠ પોલીસ અમલદારોએ સંબંધિત અધિકારીઓ સામે તપાસ હાથ ધરવાનો આદેશ આપ્યો છે. એ તપાસ પૂરી થાય ત્યાં સુધી સિનિયર ઇન્સ્પેક્ટર શાલિની શર્મા મોરલૅન્ડ રોડના બંદોબસ્તથી દૂર રહેશે.’

mumbai mumbai news