મુંબઈ: કિંગ્સ સર્કલની સર્ક્યુલર ફ્રી બેસ્ટ બસ-સર્વિસ શરૂ

14 June, 2019 11:48 AM IST  |  મુંબઈ

મુંબઈ: કિંગ્સ સર્કલની સર્ક્યુલર ફ્રી બેસ્ટ બસ-સર્વિસ શરૂ

ગઈ કાલે સવારથી કિંગ્સ સર્કલના પ્રવાસીઓ માટે રેલવે-સ્ટેશન સુધી પહોંચવા અને પાછા વળવા માટે શરૂ થઈ બેસ્ટની ફ્રી બસ-સર્વિસ.

કિંગ્સ સર્કલ રેલવે-સ્ટેશનના બે ફુટઓવર બ્રિજને મહાનગરપાલિકાએ નૂતનીકરણ માટે બંધ કર્યા પછી રેલવે પ્રવાસીઓની મુશ્કેલીઓ ખૂબ વધી હતી. જોકે બુધવારે નગરસેવિકા નેહલ શાહે મહાનગરપાલિકાના કમિશનર પ્રવીણ પરદેશી અને બેસ્ટના જનરલ મૅનેજર સુરેન્દ્ર બાગડે પાસે આ મુસાફરોની રાહત માટે સર્ક્યુલર ફ્રી બસ સર્વિસની માગણી કરી હતી જેને પગલે માગણીના ૨૪ કલાકમાં જ બેસ્ટ તરફથી સર્ક્યુલર બસ સર્વિસ ગઈ કાલે સવારથી શરૂ થઈ જતાં રેલવેના મુસાફરોને ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડને ક્રૉસ કરવામાંથી મોટી રાહત મળી છે. હવે બેસ્ટ તરફથી ફુટઓવર બ્રિજનું નૂતનીકરણ પૂÊરું ન થાય ત્યાં સુધી મહાત્મા ગાંધી માર્કેટ પાસેના મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડથી કિંગ્સ સર્કલ સ્ટેશન સુધી સર્ક્યુલર ફ્રી બસ સર્વિસ પૂરી પાડવામાં આવશે. આ બસ-સર્વિસ સવારે ૭થી રાતે ૧૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.

કિંગ્સ સર્કલના ફુટઓવર બ્રિજનું ફરીથી સ્ટ્રક્ચરલ ઑડિટ કરાવવાની માગણી

કિંગ્સ સર્કલ રેલવે-સ્ટેશનને જોડતા ગાંધી માર્કેટના બે ફુટઓવર બ્રિજની હાલત જર્જરિત હોવાથી મહાનગરપાલિકાએ બન્ને બ્રિજ એકસાથે ગુરુવારે ૬ઠ્ઠી જૂને બંધ કરી દીધા હતા. ગઈ કાલે આ બ્રિજની મહાનગરપાલિકાના અધિકારીઓ અને સ્થાનિક નગરસેવકો સાથે મુલાકાત લઈને શિવસેનાના સંસદસભ્ય રાહુલ શેવાળેએ આ બ્રિજનું ફરી પાછું સ્ટ્રક્ચરલ ઑડિટ કરાવવાની માગણી કરી હતી.

રાહુલ શેવાળેની માગણી પહેલાં જ જે દિવસે બ્રિજ બંધ કરવામાં આવ્યા એ જ દિવસે બ્રિજ બંધ થવાથી આક્રોશમાં આવેલા સ્થાનિક રહેવાસીઓ અને સામાજિક કાર્યકરોએ ચાર વર્ષ પહેલાં જ રિનોવેટ થયેલા આ બ્રિજ આટલા જલદી કેવી રીતે બિસમાર થઈ ગયા એવો સવાલ પૂછીને મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ અને રેલવેપ્રધાન પીયૂષ ગોયલને પત્ર લખીને તપાસની માગણી કરી હતી તેમ જ બ્રિજ બંધ રહે ત્યાં સુધી રેલવેના પ્રવાસીઓ સુરક્ષિત રીતે અવરજવર કરી શકે એવી વ્યવસ્થા ઊભી કરવાની પણ માગણી કરી હતી. 

આ પણ વાંચો : મુંબઈ: સુધરાઈના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના ટ્વિટર-હૅન્ડલનો નવો અવતાર!

રાહુલ શેવાળેએ ગઈ કાલે મહાનગરપાલિકાના સ્ટ્રક્ચરલ ઑડિટરોમાંથી અમુક ઑડિટરોના રિપોર્ટ સામે શંકા વ્યક્ત કરી છે. આ જ કારણ દર્શાવી રાહુલ શેવાળેએ મહાનગરપાલિકાના અધિકારીઓ, ટ્રાફિક વિભાગના અધિકારીઓ, નગરસેવકો અને સામાન્ય જનતા વચ્ચે કિંગ્સ સર્કલ બ્રિજનું ફરીથી સ્ટ્રક્ચરલ ઑડિટ કરાવવાની માગણી કરી હતી.

mumbai news mumbai