મુંબઈ ​: હિલ સ્ટેશન માથેરાનમાં મળી પતંગિયાંની નવી 77 પ્રજાતિ

11 August, 2020 12:31 PM IST  |  Mumbai | Agencies

મુંબઈ ​: હિલ સ્ટેશન માથેરાનમાં મળી પતંગિયાંની નવી 77 પ્રજાતિ

પતંગિયુ

બૉમ્બે નૅચરલ હિસ્ટરી સોસાયટીના જણાવ્યા મુજબ છેલ્લાં આઠ વર્ષથી ચાલી રહેલા અભ્યાસના આધારે મુંબઈ નજીકના માથેરાન હિલ સ્ટેશનના ઇકોલૉજીની દૃષ્ટિએ સંવેદનશીલ વન્ય પ્રદેશમાંથી પતંગિયાંની નવી ૭૭ પ્રજાતિઓ મળી આવી હતી.

આ સાથે માથેરાનના જંગલમાં પતંગિયાની પ્રજાતિની કુલ સંખ્યા 140 પર પહોંચી હોવાનું શહેરસ્થિત બૉમ્બે નૅચરલ હિસ્ટરી સોસાયટી (બીએનએચએસ)ના વિજ્ઞાની મંદાર સાવંતે જણાવ્યું હતું.

માથેરાન 214.73 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે અને એ મહારાષ્ટ્રના પાટનગરથી આશરે 80 કિલોમીટરના અંતરે આવેલું છે.

બિનસરકારી સંશોધન સંસ્થાએ એક યાદીમાં જણાવ્યું હતું કે ‘બીએનએચએસ દ્વારા 2011થી 2019 સુધી હાથ ધરાયેલા આઠ વર્ષના લાંબા સઘન અભ્યાસના આધારે માથેરાનમાંથી પતંગિયાંની નવી ૭૭ પ્રજાતિ શોધી કાઢવામાં આવી છે.’

માથેરાનમાં 125 વર્ષ બાદ પ્રથમ વખત આ પ્રકારનો પતંગિયાંની પ્રજાતિઓ શોધવા માટેનો અભ્યાસ હાથ ધરાયો હતો. બીએનએચએસ અને સોમૈયા વિદ્યાવિહાર યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ આ પરનું રિસર્ચ પેપર બાયોડાઇવર્સિટી ડેટા જર્નલમાં પ્રસિદ્ધ કર્યું હતું.

પતંગિયાંના જૈવિક વૈવિધ્યમાં તીવ્ર મોસમી ભિન્નતાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પતંગિયાઓની મહત્તમ જૈવિક વિવિધતા શિયાળા દરમિયાન અને અલ્પતમ વિવિધતા ચોમાસા દરમિયાન નોંધાઈ હતી એમ બીએનએચએસે યાદીમાં જણાવ્યું હતું.

અભ્યાસના આધારે માલૂમ પડ્યું હતું કે આ પ્રદેશમાં પતંગિયાંની જૈવિક વિવિધતા પ્રમાણમાં સ્થિર છે અને આસપાસના પ્રદેશોમાં સ્થળાંતર કરવાની અથવા તો ત્યાંથી સ્થળાંતર કરીને અહીં આવવાની શક્યતા અત્યંત ઓછી છે.

યાદીમાં વધુમાં જણાવાયું હતું કે ‘અમે ભારતીય પતંગિયાંની પ્રવૃત્તિઓ તથા મોસમ સૂચિત કરવા માટે નવતર બારકોડ સિસ્ટમ રજૂ કરી છે અને એના કારણે પતંગિયાના જીવવિજ્ઞાનીઓને સંક્ષિપ્તમાં અને અસરકારક રીતે ડેટા રજૂ કરવામાં મદદ મળશે એવી આશા છે.’

1894માં બ્રિટિશ સંશોધક જે. એ. બેથમે પતંગિયાંના જૈવિક વૈવિધ્ય માટે માથેરાનના પર્વતીય પ્રદેશનો સર્વે કર્યો હતો.

mumbai mumbai news matheran