મિરૅકલ બેબી: યુપી જતી ટ્રેનના ટૉઇલેટમાં પાલઘર સ્ટેશને મહિલાની ડિલિવરી

04 November, 2020 06:54 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

મિરૅકલ બેબી: યુપી જતી ટ્રેનના ટૉઇલેટમાં પાલઘર સ્ટેશને મહિલાની ડિલિવરી

ટ્રેનમાં આ મહિલાએ આપ્યો બાળકને જન્મ

નાલાસોપારા-ઈસ્ટના સંતોષ ભુવનમાં રહેતી ૨૭ વર્ષની ગુડિયા વિશ્વકર્મા નામની મહિલા ૧૯૦૪૧ ડાઉન બાંદરા-ગાઝીપુર કોવિડ સ્પેશ્યલ ટ્રેનમાં સોમવારે જઈ રહી હતી ત્યારે પાલઘર પહોંચતાં તેણે ટ્રેનના ટૉઇલેટમાં પોણાબે કિલો વજન ધરાવતા બેબીબૉયને જન્મ આપ્યો હતો. ટ્રેનમાં જ તેને દુખાવો ઊપડતાં ટૉઇલેટની અંદર તેની અડધી ડિલિવરી થઈ ગઈ હતી. જોકે પાલઘરના એક ગુજરાતી ડૉક્ટરે તેની ત્યાં જ ડિલિવરી કરાવીને તેને સારવાર માટે પોતાની હૉસ્પિટલમાં ઍડ્મિટ કરી હતી અને નિ:શુલ્ક સેવા આપીને માનવતા દેખાડી હતી. ઉલ્લેખનીય છે કે આ બનાવને કારણે એ ટ્રેને પાલઘરમાં અનશેડ્યુલ હોલ્ટ લેવો પડ્યો હતો.

ગુડિયા વિશ્વકર્મા ૭ મહિનાની પ્રેગ્નન્ટ હતી. તે તેના કાર્પેન્ટર પતિ રાજેશ અને પાંચ વર્ષની દીકરી આયુષી સાથે એસ-૧૨ કોચમાં પ્રવાસ કરી રહી હતી. ટ્રેન વિરાર પહોંચી રહી હતી ત્યારે મહિલાને ભારે લેબર પેઇન શરૂ થયું હતું. ત્યાર બાદ તે કોચના ઇન્ડિયન સ્ટાઇલ ટૉઇલેટમાં ગઈ અને પોતાને અંદરથી લૉક કરી દઈ બાળકને જન્મ આપવાની તૈયારીમાં હતી એથી તેના પતિ રાજેશે ટ્રેનના ટીટીઈને જાણ કરી હતી. આ સ્પેશ્યલ કેસમાં ટ્રેને પાલઘરમાં સોમવારે આશરે રાતે સાડાબાર વાગ્યે અનશેડ્યુલ હોલ્ટ લીધો અને ટ્રાફિક કન્ટ્રોલને એની જાણ કરવામાં આવી હતી.

આ બનાવ વિશે પાલઘર-વેસ્ટમાં સ્ટેશનની બહાર આવેલી કાંતા હૉસ્પિટલના ડૉ. રાજેશ ચૌહાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્ટેશનથી થોડે દૂર મારી હૉસ્પિટલ હોવાથી રેલવે પોલીસ આવા કિસ્સામાં મારો સંપર્ક કરતા હોય છે. રાતે હું મારા સ્ટાફ સાથે કોચના ટૉઇલેટ પાસે પહોંચ્યો અને ટૉઇલેટની અંદર માંડ-માંડ પ્રવેશી શક્યા હતા. મહિલા પ્રવાસીની અડધી ડિલિવરી થઈ ગઈ હતી અને અડધી બાકી હોવાથી અમે ત્યાં જ તેની ડિલિવરી કરાવી હતી. મહિલા લોહીલુહાણ હોવાથી તેની હાલત ખરાબ હતી. ઍમ્બ્યુલન્સ ન હોવાથી બેબીબૉયને મેં ઉપાડ્યો અને મહિલાને સ્ટ્રેચર પર લઈ જવાઈ હતી. મારી હૉસ્પિટલમાં લાવીને મહિલા અને તેના બાળકની સારવાર કરી હતી. સારવાર બાદ હવે બન્નેની તબિયત સારી છે. મહિલાની ડ્યુ ડેટ ડિસેમ્બરમાં હતી. દંપતી એકલું રહેતું હોવાથી તેઓ ડિલિવરી માટે તેમના વતન યુપી જઈ રહ્યાં હતાં. તેમને યુપી જવાનું હોવાથી મેં તેમને ડિસ્ચાર્જ આપી દીધો છે. મને બિલ માટે ફોન આવ્યો હતો, પરંતુ આ એક પ્રકારની સેવા હોવાથી મેં પૈસા લેવાની ના પાડી દીધી હતી. આ રીતે મેં વેસ્ટર્ન રેલવે દ્વારા લૉકડાઉનમાં અપાઈ રહેલી આવી સેવાને સૅલ્યુટ કરી છે.’

પાલઘરના વેસ્ટર્ન રેલવેના અધિકારીએ જણાવ્યા પ્રમાણે ‘લૉકડાઉન દરમ્યાન આ પહેલી ડિલિવરી છે જે ટૉઇલેટની અંદર થઈ હતી. ડૉ. ચૌહાણને મેડિકલ-બિલ વિશે પૂછતાં તેમણે બિલ લેવાની ના પાડી હતી.’

preeti khuman-thakur mumbai mumbai news indian railways palghar nalasopara